તમે દેશ સળગાવ્યોઃ હવે ટીવી ઉપર માફી માંગો : ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને સુપ્રિમ કોર્ટની ફટકાર
02-Jul-2022
પયગંબર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીના કારણે વિવાદમાં આવેલી નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. નુપુર શર્મા દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેના જીવને ખતરો છે, તેથી તે કેસની સુનાવણી માટે દેશના અલગ-અલગ ભાગોમાં જઈ શકે નહીં. આવી સ્થિતિમાં તમામ કેસ દિલ્હીમાં જ ટ્રાન્સફર કરી દેવા જોઈએ. આના પર સુપ્રીમ કોર્ટે તેમને કોઈ રાહત ન આપી, ઉલટું કડક ટિપ્પણી કરીને તેમને માફી માંગવા કહ્યું.
કોર્ટે નુપુર શર્માને ઠપકો આપતા કહ્યું કે તેના એક નિવેદનને કારણે વાતાવરણ બગડી ગયું. એટલું જ નહીં, કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ માફી માંગવામાં વિલંબ કર્યો અને તેના કારણે જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે. ન્યાયાધીશ સૂર્યકાન્ત અને જેબી પારડીવાલાની બેન્ચે પ્રોફેટ વિરૂદ્ધ ટિપ્પણી માટે જુદા જુદા રાજયોમાં નોંધાયેલી એફઆઈઆરને એકસાથે જોડવાની શર્માની અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. તેમને પિટિશન પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે નુપુર શર્માએ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
કોર્ટે કહ્યું કે આ સમગ્ર વિવાદ માત્ર ટીવી ડિબેટથી ફેલાયો છે અને તેઓએ ત્યાં જઈને આખા દેશની માફી માંગવી જોઈએ. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આ દરમિયાન દિલ્હી પોલીસના વલણ પર પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે તેમની સામે અનેક કેસ નોંધાયા પછી પણ ધરપકડ કેમ કરવામાં આવી નથી. આ સાથે કોર્ટે નુપુર શર્મા વતી કહ્યું કે તેને કોઈ ખતરો નથી, પરંતુ તેના નિવેદનો દેશભરમાં ખતરો બની ગયા છે. કોર્ટે પણ કહ્યું કે ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યા માટે તેમનું નિવેદન જવાબદાર છે. કોર્ટે કહ્યું કે કોઈપણ પક્ષના પ્રવક્તા હોવાનો મતલબ એ નથી કે તમારા વતી કંઈ બોલવું જોઈએ.
નુપુર શર્મા વિરૂદ્ધ દેશના અલગ-અલગ રાજયોમાં ફરિયાદો નોંધાઈ હતી. હવે નુપુર શર્માએ તેમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીઓને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ સાથે નુપુરે કહ્યું હતું કે તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
નુપુર શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેમણે આ ટિપ્પણી બદલ માફી માંગી છે અને ટિપ્પણીઓ પાછી ખેંચી લીધી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માને માફી માંગવામાં અને નિવેદન પાછું ખેંચવામાં મોડું થઈ ગયું છે.
સુપ્રીમ કોર્ટે ઉદયપુરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉદયપુરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે તેમનું નિવેદન જવાબદાર હોવાનું કહેવાયું હતું. ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યા કરવામાં આવી હતી. કન્હૈયાના પુત્રએ ભૂલથી ફેસબુક પર નુપુરના સમર્થનમાં પોસ્ટ કરી દીધી. હાલ હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સુનાવણી દરમિયાન નુપુર શર્માના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેને પોતાના જીવનું જોખમ છે. આના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે તે ખતરામાં છે કે સુરક્ષા માટે ખતરો બની ગયો છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે રીતે સમગ્ર દેશમાં લાગણી ભડકાવવામાં આવી છે, દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તે એકલા જ જવાબદાર છે. SCએ કહ્યું કે તેણે અને તેની હળવી ભાષાએ આખા દેશમાં આગ લગાવી દીધી છે. તેમનો (લોકોનો) ગુસ્સો આ કારણે હતો.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રોફેટ મોહમ્મદ પર નુપુર શર્માની ટિપ્પણી કાં તો પ્રસિદ્ધિ મેળવવાનો એક અશ્લીલ માર્ગ હતો, તેનો રાજકીય એજન્ડા હતો અથવા તો કેટલીક નાપાક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે નુપુર શર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ દિલ્હી પોલીસે શું કાર્યવાહી કરી? કોર્ટે કહ્યું- એક વ્યક્તિની (નુપુર) ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ અનેક એફઆઈઆર હોવા છતાં દિલ્હી પોલીસે તેમને હાથ પણ લગાવ્યો ન હતો.
કોર્ટે કહ્યું કે જયારે તમે કોઈની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો છો ત્યારે તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ કોઈએ તમને સ્પર્શ કરવાની હિંમત ન કરી જે તમારો પ્રભાવ દર્શાવે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે નુપુર શર્મા એક પાર્ટીની પ્રવક્તા છે, તેથી સત્તાનો નશો તેના મગજમાં પહોંચી ગયો છે.
જયારે નૂપુરના વકીલ કોર્ટને કહેવા માંગતા હતા કે તે ભાગી રહી નથી અને તપાસમાં સહયોગ કરી રહી છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારા (નુપુર) માટે રેડ કાર્પેટ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વધુમાં નુપુર શર્માના વકીલને હાઈકોર્ટમાં જવા સૂચન કર્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024