વરાછામાં ભાજપ પત્રિકા અને દારૂ વહેંચતો હોવાનો આક્ષેપ, ગુનો દાખલ

01-Dec-2022

સુરત: વરાછામાં પ્રચાર પડઘમ શાંત પડી ગયા બાદ પણ કુમાર કાનાણીના માણસો ચોક્સી બજારના પે-એન્ડ પાર્કમાં પ્રચાર પત્રિકા-દારૂની બોટલો વહેંચતા હોવાનો આક્ષેપ કરતો અલ્પેશનો વીડિયો વાઇરલ થતા વાતાવરણ ગરમાયું છે. આ મામલે ચૂંટણી પંચે પોતે ફરિયાદી બની પત્રિકા વહેંચનાર વોચમેન સામે વરાછા પોલીસમાં આચારસંહિતા ભંગનો ગુનો નોંધાવી કાર્યવાહી કરી છે. બુધવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં આપના વરાછાના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ ટીમ સાથે ચોક્સી બજારના પે એન્ડ પાર્કમાં પહોંચી વેગનઆર કારમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીની પ્રચાર પત્રિકાઓ જોઈ હતી. સાથે દારૂની બોટલો પણ હતી.

વરાછા પીઆઇ અલ્પેશ ગાબાણીએ કહ્યું કે, અલ્પેશે ફરિયાદ કરી હતી અને ચૂંટણીપંચે ગુનો પણ નોંધાવ્યો છે. પંચે માતાવાડી વિસ્તારમાં રહેતા ભાજપની પત્રિકા વહેંચનાર રણજીત મહીલાલ દહીંયાની સામે આઇપીસી કલમ 188 મુજબ આચારસંહિતા ભંગનો ગુનો નોંધ્યો છે.

500 રૂપિયામાં વોચમેનને પ્રચાર માટે ભાડે રખાયા

અલ્પેશએ વીડિયોમાં કહ્યું કે, અત્યાર સુધી કાકાથી કશું જ થયું નથી એટલે હવે વોચમેનને 500 રૂપિયામાં ભાડે રાખ્યા છે. વોચમેનને રૂપિયા આપીને હીરા વેપારીઓ અને કર્મચારીઓ કે જેઓ વાહનો પાર્ક કરવા આવે તેઓને પેમ્પલેટ આપવા માટે રાખ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

Author : Gujaratenews