કર્મવીરોએ સુરતથી સૌરાષ્ટ્ર વીજળીના તાર જોડ્યા, 100 જનરેટર તત્કાળ રવાના

23-May-2021

ગીર સોમનાથ જીલ્લાના ઉના અને ગીર ગઢડા ગામે સેવાના યોધ્ધાઓ ૧૦૦ જનરેટર સાથે પહોચ્યા.

 “તાઉ-તે” વાવાઝોડાથી થયેલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાના-ખરાબી સર્જાતા  સુરતની “સેવા” સંસ્થાના કર્મવીર યોધ્ધાઓની એક મીટીંગ સુરત સરથાણા નજીક આવેલ “મિતુલ” ફાર્મ હાઉસમાં રાખવામાં આવી હતી અને ખુબજ ટૂંકા સમયમાં અલગ-અલગ સંસ્થાનાં પ્રતિનીધિઓ “સેવા” સંસ્થાના બેનર નીચે એકઠાં થયા હતા. અને મીટીંગમાં જે જીલ્લામાં વધારે અસર થયેલ હોઈ તેવા જીલ્લાના તાલુકા અને ગામડાઓને વધુ અગ્રતા આપીને તાત્કાલિત લાઈટ, પાણી, અનાજ દળવાની ઘંટીઓ જલ્દીથી ચાલુ થાય અને જન-જીવન પૂર્વવત ધબકતું થાય તેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને સૌથી પહેલા ગામડાઓમાં લાઈટની સુવિધા ઉભી થાય તો લોકોને તથા મૂંગા પશુઓને પીવાનું પાણી અને જે લોકોના ઘરમાં અનાજ છે પણ દળવાની વ્યવસ્થા નથી તેવા તમામ ગામડાઓમાં જનરેટર દ્વારા લાઈટ આપીને કુવા તથા બોરમાંથી પાણી કાઢીને ટેન્કરો મારફત ઘર-ઘર સુધી પાણી પહોંચે અને દળવાની ઘંટીઓ ચાલુ થઈ જાય તો લોકો અનાજ દળીને દરેક પરિવાર પોતાના ઘરે રસોઈ બનાવી શકે; આવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે સેવા સંસ્થા દ્વારા હાથ પર લેવામાં આવી.

જે લોકો કોરકમિટીની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા તે તમામ લોકોએ જનરેટર માટે પોતાના સંપર્કો મારફતે જોત-જોતામાં ૧૦૦ જનરેટર અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાનું બીડું ઝડપી લીધું અને જીલ્લા-તાલુકા વાઈઝ કમિટીઓ બનાવીને ગીર સોમનાથ જીલ્લાના સુરતમાં વસતા લોકોનો સંપર્ક કરીને તેમને સાથે રાખીને તાત્કાલિક ધોરણે ૧૦૦ જનરેટર ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ગામડાઓમાં અને ગીર ગઢડા તાલુકાના ગામડાઓમાં સેવાની ટીમનાં યોદ્ધાઓ સાથે રહીને જનરેટર પહોચતા કરવાની વ્યવસ્થા કરેલ છે.

 “સેવા પરમો ધર્મ” સુત્રને સાર્થક કરવા જેઓની જે કામમાં નિપુણતા હોય તે કામમાં સેવાના અનેક યોદ્ધાઓ વતનની વ્હારે સેવામાં જોડાય ગયા છે. સુરતની “સેવા” સંસ્થાની મુખ્ય કમિટી હાલમાં ગીર સોમનાથ જીલ્લામાં પહોચીને તંત્રની સાથે ખભે ખભો મળાવી આ વિકટ પરીસ્થીતીમાંથી લોકોને બહાર કાઢવા કામગીરી શરુ કરી દીધેલ છે.     

 

સૌ-પ્રથમ ગીર-સોમનાથ જીલ્લા ક્લેકટર અજયભાઈ પ્રકાશ સાહેબ (IAS),ભાવનાબા ઝાલા(ડે. કલેકટરશ્રી), જોષી સાહેબ (ડે.મામલતદારશ્રી) તથા પાણી પુરવઠા ખાતાનાં અધિકારી તથા અન્ય કલેકટર ઓફીસ અધિકારીશ્રીઓ અને “સેવા” સાથીઓ મહેશભાઈ સવાણી, પંકજભાઈ સીધ્ધપરા, ધાર્મીક્ભાઈ માલવિયા, ઘનશ્યામભાઈ મેકડા, શરદભાઈ ઇટવાયા, જયંતીભાઈ ભાલાળા, અર્પીતભાઈ કથિરિયા, હસમુખભાઈ હપાણી સાથે સંયુક્ત મીટીંગ કરીને માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું છે. 

છેવાડાના ગામોમાં કાંઠાના વિસ્તારનાં ૩૫ ગામોને બાદ કરતા અંદાજીત કુલ ૧૫૦ ગામ અને ૩૫ ગામમાં પાણીની લાઈનની વ્યવસ્થા નહી હોવાથી ટેન્કર મારફતે સપ્લાય આપવાણી વ્યવસ્થા થનાર છે. બીજા ગામોમાં સરકારી પાણીની વ્યવસ્થા છે જ્યાં આ જનરેટર મારફતે ત્યાંથી પમ્પીંગ મોટરોને વિદ્યુત પૂરી પાડી એ મુખ્ય ટાંકાઓ ભરવામાં આવશે જેનાથી તમામ ગામોમાં પાણી દરેક ઘર સુધી પહોચી જશે. 

જે સંકલન સુરતની “સેવા” સંસ્થા સાથે સંકળાયેલ સેવાના સાથી અને ૩ ગામના સરપંચ એવી રીતે આ મુજબ એક ટીમ બનશે, અને વિવિધ ગામમાં આ ટીમ મારફતે પાણી પહોચાડવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 

પાણી પુરવઠો પુરતી માત્રામાં અપાય ગયા બાદ અન્ય વધારાના સમયમાં જે તે ગામમાં વિવિધ જરૂરીયાત મુજબ જનરેટરથી વીજળી પૂરી પાડવાનું કાર્ય થનાર છે. એક ગામમાં એક દિવસમાં ૬ કલાક પાવર મળે એવી વ્યવસ્થા ગોઠવેલ છે.

સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને સ્થાનિક તંત્રના પૂરતા સહયોગથી આ સંયુક્ત “સેવા” રથ આગળ ચાલી રહ્યો છે.

Author : Gujaratenews