ગુગલ યુઝર્સ ડેટા માટે લાવી રહ્યું છે એ પોલિસી

24-Jul-2021

એપલે તેના એપ ડેવલપર્સ માટે તેઓ યૂઝરનો ક્યો ડેટા કેવી રીતે અને ક્યા હેતુ માટે એકઠો કરે છે તે દર્શાવવાનું ફરજિયાત કર્યું છે તેને પગલે હવે ગૂગલ પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. આવતા વર્ષના શરૂઆતી મહિનાઓમાં પ્લે સ્ટોરમાં આ નવી નીતિ લાગૂ થઈ જશે. આ નવી નીતિ મુખ્યત્વે યૂઝરની સેફટીને સંબંધિત છે. તે અમલમાં આવ્યા પછી યૂઝર તરીકે આપણને સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એપમાં ડેટા એન્ક્રિપ્શનની સુવિધા છે કે નહીં, સ્વતંત્ર થર્ડ પાર્ટી દ્વારા એપની સેફ્ટી વેરીફાઇ થયેલી છે કે નહીં અને જો યૂઝર એ એપ અનઇન્સ્ટોલ કરે તો યૂઝર પોતાનો બધો ડેટા ડિલીટ કરી શકશે કે નહીં.

બિઝનેસને સપોર્ટ કરવા માટે યૂઝરનો ડેટા મેળવવો જરૂરી

આ ઉપરાંત ડેવલપરે સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે તેની એપ યૂઝરનો ક્યો ક્યો ડેટા એકઠો કરે છે અને તેનો તે કેવો ઉપયોગ કરે છે. એપલની આ જ પ્રકારની પોલિસી સામે ફેસબુકે બહુ તીવ્ર વિરોધ કર્યો છે આવતા વર્ષે ગૂગલમાં પણ આવી પોલિસી આવી જાય એ પછી ફેસબુકનો પ્રતિસાદ કેવો રહે છે તે જોવાનું રસપ્રદ રહેશે. દરમિયાન, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે એપલ આઇઓએસ ૧૪.૫ પરની પોતાની એપ્સમાં એક નવી નોટિસ બતાવવાનું શરૂ કર્યું છે જેમાં કહેવામાં આવે છે કે આ એપ્સને ફ્રી રાખવા માટે તથા આ એપ્સ પર જાહેરાત આપતા બિઝનેસને સપોર્ટ કરવા માટે યૂઝરનો ડેટા મેળવવો જરૂરી છે.

કોવિન પોર્ટલની એપીઆઈમાં બદલાવ

એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઇ) ને કારણે ઇન્ટરનેટ પરની વિવિધ સર્વિસ એકમેક સાથે ડેટાની આપલે કરી શકતી હોય છે. હમણાં તેનું વધુ એક ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ભારત સરકારના કોવિડ રસીકરણ સંબંધિત પોર્ટલ પર રસીકરણ સંબંધિત દેશભરનો ડેટા અપડેટ થતો રહે છે. રસી માટે રજિસ્ટ્રેશન કરવા માગતા બધા લોકોની બધી ભીડ માત્ર આ એક પોર્ટલ પર ન થાય, એ માટે સંખ્યાબંધ થર્ડ-પાર્ટી એપ્સ, સાઇટ, ચેટબોટ વગેરે વિક્સાવવામાં આવ્યાં છે, જે એપીઆઇની મદદથી સરકારી પોર્ટલ પરથી ડેટા મેળવીને લોકોને પહોંચાડે છે. જોકે હમણાં, સરકારે તેના પોર્ટલની એપીઆઇ માટેની ગાઇડલાઇન્સમાં ફેરફાર કર્યા છે. અત્યાર સુધી એપીઆઇથી લાઇવ ડેટા મેળવી શકાતો હતો, પણ હવે તેમાં ૩૦ મિનિટનો ગાળો રહેશે. એ કારણે કોવિન પોર્ટલ સિવાયનાં ટૂલ્સમાંની માહિતી પર આપણે બહુ આધાર ન રાખી શકીએએ એવું કદાચ બનશે.

 

Author : Gujaratenews