‘નાસા’ શુક્ર પર બે અવકાશયાન મોકલશે

07-Jun-2021

‘વીનેરા નાઇન’એ શુક્રની ધરતીનો સૌપ્રથમ ફૉટો મોકલ્યો હતો. (NASA)

નોટિંગહેમ (યુકે): અમેરિકાની અવકાશી સંસ્થા નેશનલ ઍરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) ૨૦૨૮ અને ૨૦૩૦માં શુક્ર ગ્રહ પર અવકાશયાન મોકલવાનું છે.

શુક્ર ગ્રહના વાતાવરણમાં સલ્ફ્યુરિક એસિડ ઘણું છે અને તેની સપાટી પર એટલી બધી ગરમી છે કે ત્યાં સીસું પણ પીગળી જાય. અહીં નોંધવા જેવી બાબત એ છે કે સીસું ૩૨૭.૫ અંશ સેલ્સિયસ જેટલી વધુ ગરમીમાં પીગળે છે. પૃથ્વી અને શુક્ર ઉત્પત્તિના સમયે લગભગ સમાન વાતાવરણ ધરાવતા હોવાનું કહેવાય છે, પરંતુ પૃથ્વી પરનો કાર્બન પથ્થરોમાં રહી ગયો જ્યારે શુક્રનો કાર્બન વાતાવરણમાં ફેલાઇ ગયો હોવાથી ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણું જ વધુ હોવાનું મનાય છે.

 

શુક્ર પરના કાર્બન ડાયોક્સાઇડના વધુ પ્રમાણને લીધે ત્યાં તાપમાન અંદાજે ૭૫૦ કેવિન (૪૭૦ અંશ સેલ્સિયસ અથવા ૯૦૦ અંશ ફેરનહિટ) છે.

 

ગ્રીનહાઉસની વાતાવરણ પર થતી અસરનો અભ્યાસ કરવા માટે શુક્ર ગ્રહ ઉત્તમ ગણાય છે. સોવિયેત સંઘ દ્વારા ૧૯૬૦ના દાયકા અને ૧૯૮૦ના દાયકામાં શુક્રનો મોટા પાયે અભ્યાસ હાથ ધરાયો હતો. ૧૯૭૦માં સોવિયેત સંઘના અવકાશયાન ‘વીનેરા-સેવન’ને લઇ જનારું પેરેશૂટ પીગળી જવાથી અવકાશયાન તૂટી પડ્યું હતું, પરંતુ તેણે પૃથ્વી પર ૨૦ મિનિટ સુધીનો ડેટા મોકલ્યો હતો.

‘વીનેરા નાઇન’એ શુક્રની ધરતીનો સૌપ્રથમ ફૉટો મોકલ્યો હતો.

Author : Gujaratenews