મમતા બેનરજી : પશ્ચિમ બંગાળમાં લીધેલી એ ‘ભીષ્મ પ્રતિજ્ઞા’ જેનું 18 વર્ષ પાલન કર્યું

03-May-2021

મમતા બેનરજી : પશ્ચિમ બંગાળમાં લીધેલી એ ‘ભીષ્મ પ્રતિજ્ઞા’ જેનું 18 વર્ષ પાલન કર્યું

ઑગસ્ટ 1997ની  એક તસવીરમાં મમતા કોલકાતામાં ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સત્રને સંબોધિત કરી રહ્યાં હતાં, મમતા ત્યારે કૉંગ્રેસ યૂથ વિંગના અધ્યક્ષ હતાં.

2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ઐતિહાસિક ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ ફરી એક વાર ભવ્ય વિજય તરફ જતી દેખાઈ છે અને ભાજપના ઝંઝાવાતી પ્રચાર તથા ટીએમસીના દિગ્ગજ નેતાઓના રાજીનામાંઓને પણ ધ્યાન લઈએ તો ટીએમસીના આ ભવ્ય વિજયનો ચહેરો અન્ય કોઈ નહીં પણ મમતા બેનરજી પોતે જ છે. જોકે, બંગાળમાં જીતની હેટ્રિક સુધીની મમતા બેનરજીની રાજકીય સફર પોતે પણ એક ઝંઝાવાત સમાન છે

. સ્થળઃ કોલકાતામાં કાલીઘાટસ્થિત મમતા બેનરજીનું નળિયાની છત ધરાવતું બે ઓરડાનું કાચું મકાન.

એક દાયકા અગાઉ 2011ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જેમજેમ આવી રહ્યાં હતાં, તેમતેમ મમતાના ઘરની બહાર એકત્ર થયેલા હજારો સમર્થકોમાં ઉત્સાહ સતત વધતો જતો હતો. પરંતુ મમતા બેનરજીના ચહેરા પર શાંતિ છવાયેલી હતી.

તેમણે કૉંગ્રેસથી છેડો ફાડીને અલગ પાર્ટી બનાવી તેનાં લગભગ 13 વર્ષ પછી ડાબેરીઓને સત્તા પરથી દૂર કરવાનું તેમનું સ્વપ્ન સાકાર થતું જણાતું હતું. સાથોસાથ તેમની એક જૂની પ્રતિજ્ઞા પણ પૂરી થવાની હતી.

ટીએમસી ભારે બહુમતી સાથે સત્તા પર આવશે તે નક્કી થઈ ગયા પછી મમતા તેની ઉજવણી કરવાના બદલે આગામી રણનીતિ ઘડવામાં લાગી ગયાં. તેઓ તે સમયે કેન્દ્રીય રેલવેમંત્રી હતાં અને તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડ્યાં નહોતાં.

પરિણામો આવ્યાં પછી આખી રાત તેઓ પોતાના નિકટના સહયોગીઓ સાથે સરકારની રૂપરેખા ઘડવામાં લાગી ગયાં. મમતા બેનરજીના અત્યંત નિકટ રહેલા સોનાલી ગુહાએ અગાઉ આ પ્રસંગ જણાવ્યો હતો. હવે ટિકિટ ન મળવાના કારણે નારાજ થઈને સોનાલી ભાજપમાં જોડાઈ ગયાં છે.

એ ચૂંટણીનાં પરિણામો પછી મમતાએ એકદમ તોળીતોળીને પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું, "આ તો મા, માટી અને માનુષનો વિજય છે. બંગાળના લોકો માટે ઉજવણી કરવાનો પ્રસંગ છે. પરંતુ સાથોસાથ આપણે એ લોકોને પણ યાદ રાખવા પડશે જેમણે આ દિવસ માટે છેલ્લા ત્રણ દાયકા દરમિયાન બલિદાન આપ્યાં છે."

આખરે મમતાએ એવી કઈ પ્રતિજ્ઞા લીધી હતી જે તે દિવસે પૂરી થવાની હતી?

જુલાઈ, 1993માં તેઓ યુવા કૉંગ્રેસ અધ્યક્ષ હતાં ત્યારે રાજ્યના સચિવાલય રાઇટર્સ બિલ્ડિંગમાં આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં 13 યુવાનો માર્યા ગયા હતા.

આ આંદોલનમાં મમતાને પણ ઈજા થઈ હતી પરંતુ અગાઉ તે જ વર્ષની સાતમી જાન્યુઆરીએ તેઓ નદિયા જિલ્લામાં એક મૂકબધિર બળાત્કાર પીડિતા સાથે રાઇટર્સ બિલ્ડિંગ જઈને તત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બસુ સાથે મુલાકાત કરવા માટે તેમની ચેમ્બરના દરવાજા સામે ધરણા પર બેસી ગયાં હતાં.

મમતાએ આરોપ મુક્યો કે રાજકીય સંબંધોના કારણે સરકાર દોષિતોની ધરપકડ નથી કરતી. તેઓ તે સમયે કેન્દ્રીય રાજ્યમંત્રી હતાં, પરંતુ બસુએ તેમની સાથે મુલાકાત ન કરી.

બસુના આગમનનો સમય થયો ત્યારે મમતાને મનાવવાના લાખ પ્રયાસો કરવા છતાં તેઓ ટસથી મસ ન થયાં

આખરે મહિલા પોલીસકર્મચારીઓએ મમતા અને તે યુવતીને ઢસડીને સીડીઓથી નીચે ઉતાર્યાં અને તેમને પોલીસ હેડ ક્વાર્ટર લાલ બજાર લઈ જવાયાં. આ ઝપાઝપીમાં તેમના કપડાં પણ ફાટી ગયાં હતાં.

મમતાએ તે જ દિવસે તે જગ્યા પર જ પ્રતિજ્ઞા લીધી કે તેઓ મુખ્ય મંત્રી બન્યા પછી જ એ ઇમારતમાં બીજી વખત પગ રાખશે.

તેમણે પોતાની શપથને સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી.

આખરે 20 મે 2011ના રોજ લગભગ 18 વર્ષ પછી તેમણે મુખ્ય મંત્રી તરીકે જ ઐતિહાસિક લાલ ઇમારતમાં ફરીથી પગ મૂક્યો.

મમતાની રાજનીતિથી પૂર્વ મુખ્ય મંત્રી જ્યોતિ બસુ એટલા ચીઢાતા હતા કે તેમણે ક્યારેય જાહેરમાં મમતાનું નામ પણ નથી લીધું. તેના બદલે તેઓ મમતાને હંમેશા 'તે મહિલા' કહીને બોલાવતા હતા.


 બેનરજીની આખી રાજકીય કારકિર્દીમાં આવી અનેક ઘટનાઓ બની છે.

વર્ષ 1990માં સીપીએમના એક કાર્યકર્તા લાલુ આલમ દ્વારા તેમના પર કરવામાં આવેલો ઘાતકી હુમલો હોય, કે પછી સિંગુરમાં ટાટાના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન વિરુદ્ધ 26 દિવસોના ઉપવાસ હોય.

આવી દરેક ઘટના તેમની કારકિર્દીમાં નિર્ણાયક વળાંક સાબિત થતી રહી છે.

16 ઑગસ્ટ 1990ના રોજ કૉંગ્રેસની અપીલ પર બંગાળબંધ દરમિયાન લાલુ આલમે હાજરા વળાંક પાસે મમતા બેનરજીના માથા પર લાઠી ફટકારી હતી. તેનાથી તેમની ખોપડીમાં ઈજા થઈ હતી. છતાં તેમણે માથે પાટો બાંધ્યો અને ફરીથી રસ્તા પર ઊતર્યાં.

મમતાની નજીક રહેલા સૌગત રાય જણાવે છે, "અમે તો માની લીધું હતું કે હવે મમતાનું બચવું મુશ્કેલ છે. પરંતુ તેઓ બંગાળના લોકો માટે કંઈક બહેતર કરવાની અદમ્ય ઇચ્છાના કારણે જ બચી શક્યાં હતાં.


'દીદીઃ ધ અનટૉલ્ડ મમતા બેનરજી' નામે મમતાનું જીવનચરિત્ર લખનાર પત્રકાર સુતપા પાલ કહે છે, "મમતા દેશની સૌથી મજબૂત ઈરાદા ધરાવતી મહિલા નેતાઓ પૈકી એક છે."

તેમણે આ પુસ્તકમાં લખ્યું છે, "પોતાના રાજકારણના વિશિષ્ટ સ્વરૂપ અને લડાયક મિજાજના કારણે દીદીએ પોતાની કારકિર્દીમાં એવી ઘણી ચીજોને સંભવ કરી દેખાડી છે જે અગાઉ શક્ય ગણાતી નહોતી. તેમાં ડાબેરી સરકારને ટોચ પરથી પછાડીને જમીનદોસ્ત કરવાનું કામ પણ સામેલ છે.""

મમતાના રાજકીય સફર અંગે 'ડિકૉડિંગ દીદી' નામે પુસ્તક લખનાર પત્રકાર દોલા મિત્ર કહે છે, "દેશમાં કોઈ પણ મહિલા નેતાની પ્રવૃત્તિઓ અંગે લોકોમાં એટલો રસ જોવા નથી મળતો, જેટલો રસ દીદીના નામે મશહુર મમતા બેનરજી પ્રત્યે જોવા મળે છે. આ તેમના જાદુઈ વ્યક્તિત્વની કમાલ છે."

આ બંને પુસ્તકોમાં મમતાના રાજકીય શરૂઆતથી લઈને વર્ષ 2011માં તેઓ પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યાં ત્યાં સુધીની સફર આવરી લેવામાં આવી છે.

રાજકીય વિશ્લેષક પ્રોફેસર સમીરન પાલ જણાવે છે, "સાદગી એ મમતાના જીવનનો હિસ્સો રહી છે. સફેદ રંગની સુતરની સાડી અને હવાઈ ચપ્પલ સાથે તેમનો નાતો ક્યારેય નથી તૂટ્યો. પછી તેઓ કેન્દ્રમાં મંત્રી હોય કે માત્ર એક સાંસદ."

મુખ્ય મંત્રી બન્યાં પછી પણ તેમનાં પોશાક કે રહેણીકરણીમાં કોઈ ફેરફાર નથી થયો. ખાનગી કે જાહેર જીવનમાં તેમની રહેણીકરણી કે આચારવિચાર અંગે કોઈ સવાલ ઉઠાવી શકાય તેમ નથી.

પ્રોફેસર પાલના મતે મમતાની સૌથી મહત્ત્વની ખાસિયત એ રહી છે કે તેઓ જમીન સાથે જોડાયેલાં નેતા છે.

સિંગુરમાં ખેડૂતોના પક્ષમાં ધરણા અને આમરણ ઉપવાસની વાત હોય કે પછી નંદીગ્રામમાં પોલીસની ગોળીઓનો શિકાર બનેલા લોકોના અધિકાર માટે લડાઈ હોય, મમતાએ હંમેશાં આગળથી મોરચો સંભાળીને મુકાબલો કર્યો છે.

ગુજરાત મૉડલ કોરોના મહામારી સામે 'શોભાના ગાંઠિયા સમાન' કેમ બન્યું?

રસ્તા પરથી સચિવાલય સુધી પહોંચવાની કમાલ
સિંગૂરમાં ધરણા પર મમતા બેનરજી

તૃણમૂલ કૉંગ્રેસની રચના અગાઉ મમતા બેનરજીના રાજકારણને નિકટથી જોનારા અને રિપોર્ટિંગ કરનારા વરિષ્ઠ પત્રકાર તાપસ મુખરજી કહે છે કે, "મમતા બેનરજી વારંવાર તૂટીને ફરી ઊભાં થતાં નેતા છે. હાલના રાજકારણમાં આવી ખાસિયત એક પણ નેતામાં જોવા મળતી નથી. હારથી ગભરાવાના બદલે તેઓ બમણા જોશ અને શક્તિ સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતાં રહે છે."

મુખરજી આ માટે વર્ષ 2006ની વિધાનસભા ચૂંટણીનું ઉદાહરણ આપે છે.

તે સમયે મીડિયાથી લઈને રાજકીય વર્તુળોએ પણ એવું માની લીધું હતું કે આ વખતે મમતાનો પક્ષ સત્તા પર આવશે.

સ્વયં મમતાએ મેદિનીપુરમાં પત્રકારોને પોતાની બે આંગળીઓથી વિક્ટરીનું નિશાન દેખાડતા કહ્યું હતું કે હવે તેમની આગામી મુલાકાત રાઇટર્સ બિલ્ડિંગમાં થશે. પરંતુ રેલીઓમાં ભારે ભીડ એકઠી થવા છતાં પાર્ટીને સફળતા નહોતી મળી.

મમતાએ તે સમયે ડાબેરીઓ પર "સાયન્ટિફિક રિગિંગ"નો આરોપ મૂક્યો હતો. પરંતુ તે જ દિવસથી તેઓ 2011ની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયાં. થોડા સમય પછી નંદીગ્રામ અને સિંગુરમાં જમીન સંપાદન અંગે સરકારના નિર્ણયોના કારણે તેમના હાથમાં એક મોટો મુદ્દો આવી ગયો.

મુખરજી જણાવે છે, "2004ની લોકસભા ચૂંટણીમાં મમતા ટીએમસીના એકમાત્ર સાંસદ હતાં. પરંતુ 2009માં તેમણે પાર્ટીની બેઠકોની સંખ્યા 19 સુધી પહોંચાડી દીધી."

 કટ્ટર દુશ્મનો પણ આ વાતને સ્વીકારે છે કે કૉંગ્રેસમાં અહમની લડાઈ અને સિદ્ધાંતો પર ટક્કર પછી અલગ થઈને નવા પક્ષની રચના અને માત્ર 13 વર્ષની અંદર રાજ્યમાં ઊંડાં મૂળિયાં જમાવનાર ડાબેરી સરકારને પરાજય આપીને રસ્તા પરથી સચિવાલય સુધી પહોચવાની જે કમાલ મમતાએ કરી છે, તેનાં ઉદાહરણો મળવાં મુશ્કેલ છે.

પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મમતાને પરાજિત કરનારા સોમેન મિત્રાએ પણ ત્યાર પછી મમતાની ક્ષમતાને ઓળખી હતી. તેઓ પછી કૉંગ્રેસ છોડીને ટીએમસીમાં આવી ગયા અને સાંસદ પણ બન્યા હતા.

2004 માં લોકસભા ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. મમતાએ પોતાની બેઠક જીતી હતી. આ તસવીરમાં તેઓ ચૂંટણીના પરિણામ પછી પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતાં.

લાંબા સમય સુધી ટીએમસી કવર કરનારા વરિષ્ઠ પત્રકાર પુલકેશ ઘોષ માને છે કે હઠ અને લડાયક મિજાજ મમતાના લોહીમાં છે.

તેઓ કહે છે, "આ લડાયક મિજાજ તેમને પોતાના શિક્ષક અને સ્વતંત્રતા સેનાની પિતા પ્રમિલેશ્વર બેનરજી પાસેથી વારસામાં મળ્યો છે. પોતાના આ ગુણોના કારણે જ તેમણે 1998માં કૉંગ્રેસ સાથે છેડો ફાડીને તૃણમૂલ કૉંગ્રેસની રચના કરીને માત્ર 13 વર્ષની અંદર રાજ્યમાં દાયકાઓથી જામેલી લેફ્ટ ફ્રન્ટની સરકારને ઉખાડી ફેંકી હતી અને પોતાના પક્ષને સત્તા પર પહોંચાડ્યો હતો."

પુલકેશ ઘોષ જણાવે છે, "2016ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની બેઠકો પણ વધી અને વોટ શેર પણ વધ્યો. તેના માટે મમતાનો કરિશ્મા જવાબદાર છે."

"સિંગુર અને નંદીગ્રામમાં જમીન સંપાદન સામે મોટા પાયે થયેલા વિરોધના કારણે એક લડાયક નેતા તરીકે મમતાની છબિ ઉજળી થઈ. સાથોસાથ ટીએમસી માટે સત્તાના કેન્દ્ર રાઇટર્સ બિલ્ડિંગ સુધી પહોંચવાનો રસ્તો પણ ખૂલી ગયો."

ગુજરાત : ટાટા નેનો પ્લાન્ટ ‘સિંગુર છોડી સાણંદ’માં સ્થપાયો એનાથી ગુજરાતને શું ફાયદો થયો?
એ પાંચ દેશ જેણે કોરોના સામે જિત્યો જંગ, લોકો જીવે છે સામાન્ય જીવન

રાજકીય સફર
2007ની આ તસવીરમાં મમતા બનરજી સાથે જમીન અધિગ્રહણ અંગે ચર્ચા પછી જ્યોતિ બસુ પ્રેસ વાર્તાના સંબોધિત કરી રહ્યા છે.

2007ની આ તસવીરમાં મમતા બનરજી સાથે જમીન અધિગ્રહણ અંગે ચર્ચા પછી જ્યોતિ બસુ પ્રેસ વાર્તાના સંબોધિત કરી રહ્યા છે

વર્ષ 1976માં મહિલા કૉંગ્રેસના મહાસચિવ પદેથી 21 વર્ષની ઉંમરે મમતા બેનરજીના રાજકીય સફરની શરૂઆત થઈ હતી.

વર્ષ 1984માં ઈંદિરા ગાંધીની હત્યા બાદ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મમતા મેદાનમાં ઊતર્યા. તેમણે માકપાના વરિષ્ઠ નેતા સોમનાથ ચેટરજીને ધૂળ ચાટતાં કરીને પોતાની સંસદીય ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી હતી.

રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે તેમને યુવા કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. કૉંગ્રેસ વિરોધી લહેરમાં તેઓ 1989ની લોકસભા ચૂંટણી હારી ગયાં પરંતુ તેનાથી હતાશ થયા વગર તેમણે પોતાનું સમગ્ર ધ્યાન બંગાળના રાજકારણ પર કેન્દ્રિત કર્યું.

વર્ષ 1991ની ચૂંટણીમાં તેઓ ફરીથી લોકસભા માટે ચૂંટાયાં. ત્યાર પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

તે વર્ષે ચૂંટણી જિત્યાં પછી તેમણે પી.વી. નરસિંહરાવની સરકારમાં યુવાકલ્યાણ અને રમતગમત મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ કેન્દ્રમાં માત્ર બે વર્ષ મંત્રી રહ્યાં પછી મમતાએ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું અને મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.

તે સમયે તેમની દલીલ હતી કે તેઓ રાજ્યમાં માકપાના અત્યાચારનો ભોગ બનેલા કૉંગ્રેસીઓની પડખે રહેવા માંગે છે.

ઘોષ જણાવે છે કે રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ મમતાનો એકમાત્ર હેતુ બંગાળમાંથી ડાબેરીઓને સત્તા પરથી હઠાવવાનો હતો. તે માટે તેમણે અનેક વખત પોતાના સહયોગીઓ બદલ્યાં. ક્યારેક તેમણે કેન્દ્રમાં એનડીએની સાથે હાથ મિલાવ્યા, તો ક્યારેક કૉંગ્રેસ સાથે જોડાણ કર્યું. વર્ષ 2012માં ટાઇમ મેગેઝિને તેમને વિશ્વના 100 સૌથી વધુ પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવ્યાં હતાં.

જોકે, મમતાની કારકિર્દીમાં એવી ઘણી વિવાદાસ્પદ ઘટનાઓ બની છે, જેના કારણે તેમની છબિ એક જક્કી, તુંડમિજાજી અને આત્મશ્લાધામાં વ્યસ્ત રહેતાં રાજકારણીની બની હતી.

મમતા પર આપખુદશાહી ચલાવવાનો અને પોતાની ટીકા સહન ન કરી શકવાનો આરોપ પણ લાગે છે.

સાથોસાથ તેમના પર પાર્ટીમાં પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને મહત્ત્વ આપવાનો આરોપ પણ મુકાય છે. ભ્રષ્ટ નેતાઓને સંરક્ષણ આપવા સહિતના મુદ્દે મમતા સામે સવાલો ઉઠતા રહે છે.

મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા બાદ તેમની કવિતાઓ અને વાર્તાઓ પર અનેક પુસ્તકો લખાયાં

તેમના પર સૌથી ગંભીર આરોપ છે લઘુમતીના તૃષ્ટિકરણનો.

તેઓ એક રાજનેતા હોવા ઉપરાંત એક કવિ, લેખક અને ચિત્રકાર પણ છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાનાં ચિત્રો વેચીને ચૂંટણીઅભિયાન માટે લાખો રૂપિયા એકઠાં કર્યાં હતાં.

જોકે, ત્યાર પછી તે ચિત્રોના ખરીદદારો અંગે સવાલ ઉઠ્યા હતા અને વિપક્ષે મમતાને પણ આરોપીના પાંજરામાં મુક્યાં હતાં. ખરીદી કરનારાઓમાં રાજ્યની ઘણી ચિટફંડ કંપનીઓના માલિક સામેલ હતા.

મુખ્ય મંત્રી બન્યા બાદ તેમની કવિતાઓ અને વાર્તાઓ પર અનેક પુસ્તકો લખાયાં છે. પોતાનાં ભાષણોમાં તેઓ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને શરતચંદ્રને ટાંકે છે.

તાપસ મુખરજી કહે છે, "મમતાની શક્તિ સ્વયં મમતામાં રહેલી છે. અત્યાર સુધીની રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખતા તેમનું મહત્ત્વ ઓછું આંકવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે."

Author : Gujaratenews