નવી દિલ્હી, ગુરૂવાર
રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ કોરોનામાં સપડાયા છે. હાલ તેમનું સ્વાસ્થ્ય લથડ્યા બાદ તેમને એમજીએચ કોવિડ સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. હાલ તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આશારામ સમર્થકોના જીવ અધ્ધર થઈ ગયા છે. આશરે 3 દિવસ પહેલા તેમને કોરોનાના લક્ષણો અનુભવાયા હતા અને ત્યાર બાદ તપાસ કરવામાં આવી હતી. બુધવારે સાંજે આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આશરે 80 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા આસારામે બેચેની અનુભવાતી હોવાની ફરિયાદ કરી હતી. આસારામના કોરોનાના લક્ષણો વધે અને તે શ્વાસસંબંધી તકલીફ અનુભવે તે પહેલા જ જેલ પ્રશાસને તેમને હોસ્પિટલ મોકલી દીધા હતા. આસારામની તબિયત લથડ્યાના સમાચાર જાણીને તેમના અનેક સમર્થકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે.
અગાઉ પણ અનેક વખત આસારામને ખરાબ સ્વાસ્થ્યના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં ખરાબ તબિયતની ફરિયાદ બાદ તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આસુમલ થાઉમલ હરપલાની ઉર્ફે આસારામ સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે. દુષ્કર્મ કેસમાં દોષી ઠેરવાયેલા આસારામ નરબલિ, હત્યા જેવા અનેક ગંભીર કેસના આરોપી છે. એક સમયે તેમના દરબારમાં અનેક મોટી હસ્તિઓ હાજર રહેતી હતી અને તેમના લાખો અનુયાયી છે. પરંતુ 2013માં દુષ્કર્મ કેસમાં ફસાયા બાદ આસારામના ખરાબ દિવસો ચાલુ થયા છે.
- Tags @gujaratenews
20-Aug-2024