દેશમાં પહેલી વાર લશ્કરી છાવણી પર ડ્રોનથી હુમલો ! અંબાલા-પઠાણકોટ-અવંતીપુરા બેઝ હાઇ એલર્ટ પર

27-Jun-2021

જમ્મુ એરફોર્સ સ્ટેશન (Indian Air Force (IAF) base in Jammu) પર થયેલા વિસ્ફોટ પાછળ ડ્રોન એટેક (Drone Attack) ની આશંકા છે. માનવામાં આવી રહ્યું છે કે ડ્રોન એટેક દ્વારા એરક્રાફ્ટને નિશાન બનાવવાનું હતું. જો કે, હજી સુધી ડ્રોન સ્ટ્રાઈક અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

મોડી રાત્રે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટ થયા હતા. પહેલો ધડાકો બપોરે 1:37 વાગ્યે થયો હતો અને બીજો બરાબર 5 મિનિટ પછી બપોરે 1:42 વાગ્યે થયો હતો. વાયુસેનાનું કહેવું છે કે બંને વિસ્ફોટોની તીવ્રતા ખૂબ ઓછી હતી અને પ્રથમ ધડાકો છત પર થયો હતો, તેથી છતને નુકસાન થયું છે, પરંતુ બીજો વિસ્ફોટ ખુલ્લી જગ્યામાં થયો હતો. વિસ્ફોટમાં બે જવાનોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કર્યો? તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હવે આ ઘટનાને આતંકી હુમલાના કાવતરા તરીકે જોવાઈ રહી છે. NIA અને NSGની ટીમ એરફોર્સ સ્ટેશન પહોંચી છે અને આતંકવાદી હુમાલા તરીકે પણ તેની તપાસ કરી રહી છે. આ પછી અંબાલા, પઠાણકોટ અને અવંતિપુરા એરબેઝને પણ હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

માનવામાં આવે છે કે આ વિસ્ફોટ ડ્રોન હુમલો છે. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ડ્રોન એટેક દ્વારા અહીં રહેલા વિમાનો અને હેલિકોપ્ટરને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હતો. જો આ વિસ્ફોટ ડ્રોન હુમલો સાબિત થશે, તો તે દેશના લશ્કરી બેઝ પર દેશનો પહેલો ડ્રોન હુમલો હશે.

આ મામલે હજી સુધી એરફોર્સ દ્વારા કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ અત્યાર સુધીની તપાસમાં ડ્રોન એટેકની આશંકા ઉભી થઈ છે. તેનું એક કારણ એ છે કે આ વિસ્ફોટ ટેકનિકલ વિસ્તારની નજીક થયા, જે સ્પષ્ટપણે બતાવે છે કે તેના નિશાના પર વિમાન હતા.

 

આ સિવાય સૂત્રો એમ પણ કહે છે કે એરફોર્સની પેટ્રોલિંગ ટીમે હથિયારો નીચે પડતા જોયા હતા. જો તપાસમાં આ બ્લાસ્ટ પાછળ કોઈ ડ્રોન એટેક હોવાના પુરાવા મળે છે, તો તે દેશના સૈન્ય મથક પર પહેલો ડ્રોન હુમલો હશે. આ પહેલા આજદિન સુધી કોઇ સૈન્ય મથક પર ડ્રોન હુમલો થયો નથી.

 

અસેસમેંટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “એક માળની ઇમારતની છત પર ખાડો પડી ગયો છે, તેથી એવું માનવામાં આવે છે કે વિસ્ફોટ ડ્રોન હુમલાને કારણે થયો હતો અને સંભવિત નિશાન હેલિકોપ્ટર હતું જે પાર્કિંગના ક્ષેત્રમાં ઉભા હતા.”

 

વાયુસેનાએ એમ પણ કહ્યું હતું કે વિસ્ફોટોમાં કોઈ પણ સાધન અથવા વિમાનને નુકસાન થયું નથી. સૂત્રો કહે છે કે ભલે વિસ્ફોટોમાં વધારે નુકસાન ન થાય, પરંતુ ડ્રોન એટેકની સંભાવના એરફોર્સ સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષાને અસર કરે છે.

 

બીજી એક માહિતી ડ્રોન એટેકની સંભાવનાને વેગ આપે છે અને તે છે કે ગયા વર્ષે જ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોએ ચીન પાસેથી કેટલાક ડ્રોન ખરીદ્યા હતા. આ ડ્રોન 20 કિલો સુધીનું પેલોડ ઉપાડવા અને 25 કિ.મી. સુધીની ઉડાન માટે સક્ષમ હતા. તેમની વિશેષ બાબત એ હતી કે તેમાં ટાર્ગેટ સેટ કરીને ટાર્ગેટ પર IED (Improvised Explosive Devices) છોડી શકાય છે.

 

પાક કરી રહ્યું છે ડ્રોનનો નાપાક ઉપયોગ

છેલ્લા કેટલાક વર્ષોમાં, પાકિસ્તાન (Pakistan) અને ત્યાંના સ્થાનિક આતંકવાદી સંગઠનો ડ્રોન દ્વારા ભારતમાં શસ્ત્રો, અને દારૂગોળો છોડવાનું કામ કરી રહ્યા છે. અત્યાર સુધી અનેક વખત ભારતીય સુરક્ષા દળો અને એજન્સીઓએ પાકિસ્તાનની આ યોજનાઓને નિષ્ફળ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 (Articel 370 ) હટાવ્યા પછી આ વલણ વધ્યું છે.

Author : Gujaratenews