નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. બિલ મંજૂર થયા બાદ બેન્ક બંધ થાય કે ડૂબી જાય તો ગ્રાહકોની ૫ લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે. ડિપોઝિટરોને આ રકમ ૯૦ દિવસની અંદર મળી જશે. હાલ ગ્રાહકોની બેંકમાં જમા થયેલા એક લાખ રૂપિયા સુધી જ સુરક્ષિત હોય છે. સરકારે ૨૦૨૦માં જ ડિપોઝિટ વીમાની મર્યાદામાં ૫ ગણો વધારો કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને કેબિનેટની મંજૂરી તો મળી ગઈ પરંતુ તેને સંસદ દ્વારા મંજૂરી આપવાની બાકી હતી. નાણાં પ્રધાન ર્નિમલા સીતારામણે કહ્યું છે કે આ ખરડો સંસદના ચોમાસુ સત્રમાં જ રજૂ કરવામાં આવશે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC )બેન્ક ૨૦૨૦માં ડૂબ્યા પછી ડિપોઝિટ ઇન્શ્યોરન્સ વધારવાનો નિર્ણય લેવાયો હતો. કેન્દ્રીય બજેટમાં પણ નાણા મંત્રી ર્નિમલા સીતારમણે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોરપોરેશન એક્ટ, ૧૯૬૧માં સંશોધન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે બજેટ સત્ર સ્થગિત કરી દેવાયું હતું. સરકારે ડિપોઝિટ ઈન્શ્યોરન્સમાં ૧૯૯૩ પછી ૨૭ વર્ષમાં પ્રથમવાર ફેરફાર કર્યો છે. વર્તમાન નિર્ણય ૪ ફેબ્રુઆરી ૨૦૨૦થી લાગુ ગણાશે. એટલે કે PMC, લક્ષ્મી વિલાસ બેન્ક અને યસ બન્કના ગ્રાહકોને તેનો લાભ થશે. ડીઆઈસીજીસી એક્ટ ૧૯૬૧ ની કલમ ૧૬ (૧) મુજબ ડો કોઈ બેન્ક ડૂબે કે દેવાળું કાઢે તો DICGC દરેક થાપણદારના પેમેન્ટ માટે જવાબદાર હોય છે. પહેલા આ જમા રકમ પર ૧ લાખ રૂપિયાનો વિમો હતો હવે તેને વધારીને ૫ લાખ કરી દેવાયો છે. ડિપોઝિટ ઈંશ્યોરન્સ અંતર્ગત, ગ્રાહકનાં કુલ ૫ લાખ રૂપિયા સુરક્ષિત રહેશે. જો ગ્રાહકનું એક જ બેન્કની વિવિધ શાખામાં અકાઉન્ટ હશે તો તમામ અકાઉન્ટમાં ડિપોઝિટ અમાઉન્ટ અને વ્યાજ જોડીને ૫ લાખ રૂપિયા સુધીની રકમ જ સુરક્ષિત ગણવામાં આવશે. જેમાં મૂડી અને વ્યાજ બંને હશે.
બેન્ક બંધ થાય કે ડૂબી જાય,ગ્રાહકને 90 દિવસમાં પાંચ લાખ મળી જશે
29-Jul-2021
20-Aug-2024