ભાવનગરના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા 20 દિવસમાં ગામમાં 80થી 90 લોકોના મોત નિપજ્યા હોવાનો ગામલોકોનો દાવો

06-May-2021

ભાવનગર: ભાવનગરના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા 20 દિવસમાં ગામમાં 80થી 90 લોકોના મોત નિપજ્યા હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે. ટીવીનાઈને જ્યારે આ ગામની સ્થિતિ અને અહેવાલ પ્રદર્શિત કર્યો ત્યાર પછી તંત્ર દોડતું થયું હતું.

અધિકારીઓ સહિત આરોગ્ય વિભાગની ટીમે ચોગઠ ગામની મુલાકાત લીધી. આ દરમિયાન ડેપ્યૂટી કલેક્ટર સાથે જ્યારે ટીવીનાઈને વાત કરી તો અધિકારીએ જણાવ્યું કે ફક્ત 27 લોકોના જ મોત નિપજ્યા છે, જો કે અધિકારીની આ વાતનો ગ્રામજનોએ છેદ ઉડાવ્યો છે..


તો આ તરફ આરોગ્ય અધિકારી પણ દાવો કરી રહ્યા છે કે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચોગઠ ગામમાં મહિનામાં 21 કેમ્પ કરવામાં આવ્યા છે. સવાલ એ છે કે જો ગામમાં 21 કેમ્પ કરવામાં આવ્યા છે તો કેસની સંખ્યામાં આટલો ઉછાળો શા માટે? શા માટે ગામમાં 20 જ દિવસમાં 80થી વધુ લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા? તંત્ર પાસે આ સવાલોના જવાબ નથી. તંત્રના અધિકારીઓ બસ ખોટા દાવાઓ કરી રહ્યા છે.

તંત્ર એમ પણ કોરોનાનાં આંકડા હોય કે પછી ટેસ્ટીંગનાં આંકડા હંમેશા તેમાં ફરક આવતો જ હોય છે. એમાં પણ વાત જ્યારે મોતનાં આંકડાની હોય તો સ્વાભાવિક છે કે એમાં જનતા જે કહે તેમાં સરકાર સાથે તાળો ન જ મળે. ભાવનગરનાં ઉમરાળામાં પણ મોતનાં આંકડા વચ્ચે ગ્રામજનોમાં ભય ફેલાયો છે.

લોકોમાં આક્રોશ એ વાત નો છે કે તેમના સ્વજનો મરી રહ્યા હતા પણ જેમને તેમણે મત આપ્યા તે નેતાઓએ તો જાણે ગ્રામજનો અને ગામથી મોઢુ જ ફેરવી લીધુ. આટલા દિવસો વિતિ ગયા બાદ પણ કોઈ નેતા આવ્યો નથી કે તેમને સધિયારો નથી આપવામાં આવ્યો.

Author : Gujaratenews