અમદાવાદ સહિત ભાસ્કર જૂથના ૩૨ સ્થળો પર 800 આઈટી અધિકારીઓના ધામા: બેનામી સંપત્તિ અને હવાલા કૌભાંડમાં ભાસ્કર જૂથની સંડોવણીનો ઘટસ્ફોટ

23-Jul-2021

તસવીર: દિવ્ય ભાસ્કર અને ભારત સમાચારની ઓફિસ પર દરોડા.

અખબારે કહ્યું, 'સાચા પત્રકારત્વથી સરકાર ડરી', વીડિયો સંદેશો મોકલ્યો

નવી દિલ્હી:  આવકવેરા વિભાગે કથિત જંગી કરચોરીના આક્ષેપ હેઠળ ગુરુવારે કેટલાક રાજ્યોમાં ફેલાયેલા મીડિયા ગૂ્રપ દૈનિક ભાસ્કરના અમદાવાદ સહિત ૩૨ સ્થળો તેમજ ઉત્તર પ્રદેશ સ્થિત ટીવી ચેનલ ભારત સમાચારના કેટલાક સ્થળો પર દરોડા પાડયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આઈટીના દરોડા કેટલાક વર્ષો પહેલાં ગાજેલા પનામા પેપર્સ કૌભાંડ સાથે સંકળાયેલા છે અને આ દરોડાથી બેનામી સંપત્તિ અને હવાલા કૌભાંડમાં ભાસ્કર જૂથની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે. આ દરોડા આઈટી વિભાગના દરોડાના પડઘા સંસદમાં પણ પડયા હતા અને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે કેન્દ્ર સરકારે કહ્યું કે, આવકવેરા વિભાગના દરોડા સાથે તેને કોઈ લેવા-દેવા નથી. તે વિભાગની આંતરિક કાર્યવાહીનો ભાગ છે.

એએનઆઈ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ આવકવેરા વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગે અમદાવાદ, ભોપાલ, મુંબઈ, ઈન્દોર, જયપુર, કોરબા, નોઈડા અને અમદાવાદ સહિત ભાસ્કર જૂથના ૩૨થી વધુ રહેણાંક અને વ્યાપારિક પરીસરો પર પરોઢીયે ૫.૩૦ વાગ્યે ૮૦૦ આઈટી અધિકારીઓએ દરોડા પાડયા હતા અને આ કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. આઈટી વિભાગે આવકવેરાની કલમ ૧૩૨ હેઠળ કાર્યવાહી કરી છે. 

સૂત્રો મુજબ બેન્કિંગ તપાસ અને અન્ય સ્વતંત્ર તપાસને પગલે વિભાગીય ડેટાબેઝના વિશ્લેષણ પછી મીડિયા જૂથ પર દરોડા પાડવામાં આવ્યા છે. મીડિયા, પાવર, ટેક્સટાઈલ્સ અને રિયલ એસ્ટેટ સહિત વિવિધ સેક્ટર્સમાં કામ કરતા ભાસ્કર જૂથનું વાર્ષિક ટર્નઓવર ૬૦૦૦ કરોડ રૂપિયા છે.

સૂત્રોએ કહ્યું કે, મીડિયા જૂથ હોલ્ડિંગ અને પેટા કંપનીઓ સહિત ૧૦૦થી વધુ કંપનીઓ ધરાવે છે અને તેની ફ્લેગશીપ કંપની ડીબી કોર્પ. લિ. છે, જે હિન્દી દૈનિક અખબાર દૈનિક ભાસ્કર, ગુજરાતી દૈનિક દિવ્ય ભાસ્કર અને મરાઠી અખબારનું પ્રકાશન કરે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, મીડિયા જૂથ પર બનાવટી કંપનીઓનો ઉપયોગ કરીને ખોટા ખર્ચા અને ખરીદીના દાવા મારફત વ્યાપક સ્તરે કરચોરી કરવામાં આવી છે. ગૂ્રપે તેના કર્મચારીઓને શૅરધારકો અને ડિરેક્ટર્સ તરીકે દર્શાવીને કાગળ પર જ કેટલીક કંપનીઓ બનાવી હતી.

સૂત્રો મુજબ ગૂ્રપ મોરેશિયસ સ્થિત એકમો મારફત મની લોન્ડરિંગ દ્વારા શૅર પ્રીમિયમ અને વિદેશી રોકાણો સ્વરૂપે વિવિધ વ્યક્તિગત અને વ્યાપારિક રોકાણો નાણાં પરત લાવે છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક વર્ષો પહેલાં સમગ્ર દુનિયામાં હોબાળો મચાવનારા પનામા પેપર્સ કૌભાંડ મોરેશિયસ સ્થિત એકમો મારફત ચાલતું હતું. ભાસ્કર જૂથના મુખ્ય ત્રણ ભાઈઓ સુધિર અગ્રવાલ, પવન અગ્રવાલ અને ગિરિશ અગ્રવાલ છે. ભાસ્કર જૂથનો કોલસા આધારિત વીજ ઉત્પાદનનો કારોબાર ડીબી પાવર લિ. નામથી ચાલે છે. 

સૂત્રો મુજબ અગ્રવાલ પરિવારના નામ પનામા પેપર કૌભાંડમાં પણ સંડોવાયેલ છે. દરમિયાન મીડિયા જૂથ પર આઈટીના દરોડાના પડઘા રાજ્યસભામાં પડયા હતા. વિપક્ષે કોરોના મહામારી, પીગાસસ જાસૂસી જેવા મુદ્દાઓના પગલે મીડિયા જૂથને નિશાન બનાવાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દરોડા સાથે સરકારને કોઈ લેવા-દેવા ન હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આ દરોડા આઈટી વિભાગની આંતરિક કાર્યવાહી છે.

 

ઉતરપ્રદેશમાં ન્યુઝ ચેનલ ‘ભારત સમાચાર’ પર પણ દરોડા: સરકાર ‘વિરોધી’ગણાય છે

ભાસ્કર મિડીયા ગ્રુપ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા ઉતરપ્રદેશ ન્યુઝ ચેનલ ‘ભારત સમાચાર’ને પણ નિશાન બનાવી છે. લખનૌમાં ચેનલની ઓફીસ, તેના માલીકો તથા અમુક સ્ટાફના નિવાસે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ટીવી ચેનલે ટવીટર હેન્ડલ પર જાહેર કર્યું હતું કે ચેનલના એડીટર-ઈન-ચીફ બ્રજેશ મિશ્રા, સ્ટેટ હેડ વિરેન્દ્રસિંઘ તથા અમુક કર્મચારીનાં નિવાસે દરોડા પાડયા હતા. ભારત સમાચાર ચેનલમાં કોરોના કામગીરીમાં સરકારની નિષ્ફળ-ઝાટકણી કાઢતી સંખ્યાબંધ સ્ટોરી પ્રસારીત થઈ હતી અને તેના આધારે સરકાર વિરોધી ગણાતી હોવાની ચર્ચા છે.

Author : Gujaratenews