ભારતમાં બેલ્જિયમના કોન્સ્યુલ જનરલ શ્રી પી બ્રસલ્સમેનની આગેવાની હેઠળ બેલ્જિયમનુ એક પ્રતિનિધિમંડળ ગતરોજ તારીખ 4 એપ્રિલ 2022 ના રોજ સુરતની જીજેઈપીસીના પ્રાદેશિક કાર્યાલયની મુલાકાતે આવ્યું હતું.આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવા પર વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે સુરતના હીરા અને ઝવેરાત ઉદ્યોગના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
GJEPCના ગુજરાત રિજયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ ટીમનું અભિવાદન કર્યું હતુ.નાવડિયાએ તેમના વક્તવ્યમાં વિઝાના નવીકરણ માટે દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન અંગે ની સમસ્યા વ્યક્ત કરી હતી.તેમણે શ્રી બ્રસલ્સમેનને નવીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા અપીલ કરી હતી.
GJEPCના અસિસ્ટેંટ ડિરેક્ટરએ ભારતમાં ડાયમંડ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના તથ્યો અને આંકડાઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને 2 દેશો વચ્ચેના વેપાર અંગે સમજ આપી હતી.
કોન્સ્યુલ જનરલે તેમના વક્તવ્યમાં સુરતમાં ડાયમંડના અને આભૂષણના નિર્માતા દ્વારા બનાવવામાં આવેલ માળખાગત સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેમણે સભ્યોને બેલ્જિયમ સાથે બિઝનેસ શરૂ કરવા અને વધારવા પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ડાયમંડનો બિઝનેસ તેમની અર્થ વ્યવસ્થામાં સૌથી વધુ મહત્વનો ફાળો આપે છે.
જીજેઈપીસીના સભ્યોએ બેલ્જિયમની બેંકો દ્વારા ધિરાણમાં આવતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેઓએ ચિંતા વ્યક્ત કરી કે બેલ્જિયમની બેંકો વેપારને સમર્થન આપી રહી નથી અને નવા પ્રવેશકર્તા માટે બેલ્જિયમની સ્થાનિક બેંકો પાસેથી ધિરાણ મેળવવાનું મુશ્કેલ બની ગયું છે.
તેઓએ જણાવ્યુ કે બેલ્જિયમ રફ ડાયમંડનો એક મુખ્ય સ્ત્રોત છે જે મુખ્યત્વે વ્યાપાર કરવાની સરળતા સિવાય નાણાકીય લાભોને કારણે વિશિષ્ટ મહત્વ ધરાવે છે.જીજેઈપીસીના સભ્યોની બેલ્જિયમના કોન્સ્યુલ જનરલે નોંધ લીધી હતી.
પ્રાદેશિક સમિતિના સભ્યો અને SIDC બોર્ડના સભ્યોએ પ્રતિનિધિમંડળને મુંબઈ અને સુરતમાં SNZ જેવા GJEPC દ્વારા બનાવેલ માળખાકીય સુવિધાઓ વિશે બેલ્જિયમના બજારમાં જાગૃતિ ફેલાવવાનો આગ્રહ કર્યો હતો. તેઓએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી કે આ સુવિધાઓથી બંને દેશોને ફાયદો થશે.
દુબઈ સાથે બેલ્જીયમની સખત હરીફાઈ : માત્ર બેંક ધિરાણના લાભો સિવાય હીરાના કારોબારમાં બેલ્જિયમનું કોઇ વિશિષ્ટ સ્થાન નથી
હીરાના વૈશ્વિક કેન્દ્ર તરીકે દુબઈનો દબદબો સાતમા આસમાને છે જેની તુલનાએ બેલ્જિયમનું મહત્વ ઘટી રહ્યુ છે.આ વાતથી હીરા ઉદ્યોગકારો સહીત બેલ્જીયમની સરકાર પણ સારી રીતે વાકેફ છે.આ પરિવર્તન વચ્ચે બેલ્જિયમના કોન્સ્યુલ જનરલની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળની સુરત મુલાકાત ભારે સુચક છે.
હીરાના વૈશ્વિક કેન્દ્ર તરીકે દુબઈનો દબદબો વધી રહ્યો છે.તો તેની તુલનાએ બેલ્જિયમનું મહત્વ ઘટી રહ્યુ છે.દુબઈ બેલ્જિયમના એક મોટા હરીફ તરીકે વધુ મજબુત બની રહ્યુ છે.બીજી તરફ સુરત ડાયમંડ બુર્સ ધમધમતુ થશે ત્યારે હીરાના સહુથી મોટા વૈશ્વિક કેન્દ્ર તરીકે સુરત પણ દુબઈ અને બેલ્જિયમને ટક્કર આપવા સક્ષમ બનવાનું છે.
કારણ કે વિશ્વની સહુથી મોટી રફ કંપની અલરોઝા સુરતમા રફ હીરાનું કેન્દ્ર સ્થાપવા ઉત્સુક છે.ખાસ વાત તો એ છે કે ભારત સરકાર રફ હીરાની આયાતને અનુલક્ષીને સુસંગત પોલિસી બનાવશે તો ડીબિયર્સ સહીત વિશ્વ ની અનેક રફ કંપનીઓ અલરોઝાના પગલે ચાલીને સુરતને રફ હીરાના કારોબારનું મોટૂ કેન્દ્ર બનાવશે.
આવી આદર્શ સ્થિતિનું જ્યારે સર્જન થશે ત્યારે હીરા કારોબારમાં બેલ્જિયમનું મહત્વમાં અત્યંત ઘટાડો થવાનો છે. ભવિષ્યના આ પરિવર્તનથી બેલ્જિયમ પણ સારી રીતે વાકેફ છે. પરિણામેહીરા કારોબારમાં પોતાનું સ્થાન સલામત રીતે જાળવી રાખવા તે પ્રયાસો કરે તે બાબત પણ વ્યાજબી છે.
દીનેશભાઈ નાવડીયાએ અગાઉ પણ બેલ્જિયમના રાજદૂતને વિઝાના નવીકરણની રજુઆત કરી હતી
ગત તારીખ 26 ઓકટોમ્બર -2021ના રોજ ભારત સ્થિત બેલ્જિયમના રાજદૂત એચ.ઈ ફ્રાંકોઈસની આગેવાની હેઠળ બેલ્જિયમ દૂતાવાસનું પ્રતિનિધિમંડળ સુરતની મુલાકાતે આવ્યુ હતુ.એ સમયે પણ GJEPC ગુજરાતના રિજયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ તેમના વક્તવ્યમાં વિઝાના નવીકરણ માટે દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન અંગે ચિંતા વ્યક્ત કરતા એચ.ઈ ફ્રાંકોઈસને નવીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા અપીલ કરી હતી.પરંતુ તેનું હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યુ નથી.
એ સમયે પણ બેંક ધિરાણની સમસ્યા અંગે હીરા ઉદ્યોગકારો દ્વારા રજુઆત થઈ હતી,પરંતુ પરિણામ શુન્ય
હીરા ઉદ્યોગકારોએ બેલ્જિયમના રાજદૂત સમક્ષ તે સમયે બેલ્જિયમની બેન્કો દ્વારા ધિરાણમાં આવતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવી તે અંગે ચિંતા વ્યક્ત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે બેલ્જિયમની બેંકો વેપારને સમર્થન આપી રહી નથી.નવા પ્રવેશ કર્તાઓ માટે બેલ્જિયમની સ્થાનિક બેંકો પાસેથી ધિરાણ મેળવવાનું મુશ્કેલ બની ગયું છે.
હીરા અગ્રણીઓએ કહ્યુ કે બેલ્જિયમ રફ ડાયમંડનો એક મુખ્ય સ્ત્રોત છે.જે મુખ્યત્વે વ્યાપાર કરવાની સરળતા સિવાય નાણાકીય લાભોને કારણે જ વિશિષ્ટ મહત્વ ધરાવે છે.માનનીય રાજદૂતે કહ્યું કે સરકાર આ તરફ કામ કરી રહી છે અને આશા છે કે તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.પરંતુ હજુ સુધી પરિણામ મળ્યુ નથી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024