અહંકારનું આગમન એટલે ભક્તિની પવિત્રતાની વિદાય

20-May-2021

વાતવાતમાં ભક્તિના મોટા ઉદાહરણો આપવા, ક્યાં ક્યાં ફરી આવ્યા એની ગાથાઓ ગાવી, રોજ-રોજ ભગવાનને ખુશ રાખવા સવાર- સાંજ કેવું કેવું કરો છો એના વર્ણનો કરવા, જે માનતા હોય એ પંથ, સંપ્રદાય કે ધર્મના ગાણા ગાવા, ઘંટડીઓ વગાડવી, ટીલા-ટપકાં કરવા, તેમજ વાર- તહેવારે હોમ-હવન- યજ્ઞા માત્ર કરવાથી ભક્તિ સાર્થક નથી થતી.

આ પણે ત્યાં એક સુક્તિ છે કે અભિમાન એ પતનની નિશાની છે. વાત પણ સાચી છે આપણે સૌ એના સાક્ષી પણ બનેલા છીએ. આ અહંકાર સૂક્ષ્મ રીતે માનવીના મનમાં પ્રવેશ કરતો હોય છે. અભિમાન શબ્દ અહંકારનો સમાનાર્થી છે. રૂપનું, ગુણનું, પદનું, સંપત્તિનું, પ્રતિષ્ઠાનું અભિમાન માણસ ધ્યાન ન રાખે તો એને એવી ધોબીપછાડ ખવડાવે છે માણસને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે.

અમુક માણસોને આપણે 'મારો સ્વભાવ કૂતરા જેવો છે.' એવું કહેતા સાંભળીએ છીએ ત્યારે ખબર જ નથી પડતી કે પોતાની જાતને કૂતરા જેવો કહીને આ માણસ સાબિત શું કરવા માંગે છે ? કૂતરો તો વફાદાર પ્રાણી છે, એની ધ્રાણેન્દ્રિય અને કાન બહુ સતેજ હોય છે એના ભસવા પાછળ માલિકને સતર્ક કરવાનો ઇશારો હોય છે તેમજ આગંતુકને થોભી જવાનો પણ. માણસમાં ક્યાં આવું કશું હોય છે?

માણસને તો બિનજરૂરી ભસવા (બકવાસ)ની આદત હોય છે. પોતાની વાતને સાચી ઠેરવવા, સામેની વ્યક્તિને ઉતારી પાડવા, લાચાર અને મજબૂર માણસ પાસે કામ કઢાવવા એ પોતાની જાતને કૂતરો કહેતા પણ શરમાતો નથી. કૂતરાને કૂતરો કહેવાથી ફેર નથી પડતો પણ માણસને કૂતરો કહેવાથી વાત ક્યાં સુધી પહોંચે એ સાનમાં સમજી જજો. ભસવું કૂતરાના સ્વભાવમાં છે. માણસનું ભસવું નિંદનીય ગણાય છે. કૂતરાની જેમ જ આપણે ત્યાં માણસની સરખામણી ગાય, બળદ, ગધેડા, બકરી, ઘોડા, હાથી, ઊંટ સાથે સરખાવીને પ્રાણીઓનું અપમાન થતું હોય છે. પ્રાણીઓ પ્રાણીના ઢાળામાં જ રહેતા હોય છે, ખાલી માણસ જ માણસના ઢાળામાં રહેતો નથી ને દુનિયાભરનો અહંકાર લઈને ફરતો હોય છે.

અલબત્ત, આજકાલ તો માણસને માણસ હોવાનો અહંકાર પણ કોરોનાએ નથી રહેવા દીધો. બાકીના બીજા અહંકારો અત્યારે છૂપાઈ ગયા છે. કોઈપણ બાબતનો અહંકાર, ગર્વ કે અભિમાન રાખવાનો કશો જ મતલબ નથી રહ્યો આજકાલ. કારણ કે આવા મતલબ રાખવાવાળા, સારા- ખોટા કેટલાય માણસો કોરોનાના વિકરાળ પંજામાં સપડાઈ ગયા છે. જે બચી ગયા છે એમણે બોધપાઠ લેવાની જરૂર છે. જીવન અહંકારમુક્ત થઈને જીવવાની વાત છે.

છેલ્લા એકાદ વર્ષથી મંદિર- મસ્જિદ બંધ હોવાથી માણસને પોતાના અંતરના દ્વાર ઉઘાડી ભીતર બેઠેલા આત્મારૂપી પરમાત્મા સાથે ગોઠડી કરવાનો સુંદર મોકો મળ્યો છે. જેણે જેણે પણ આ અંતર્યાત્રા શરુ કરી છે તેમનો અંગ્રેજીમાં કહેવાતો ઇમ્યુનિટી પાવર પણ વધ્યો છે. અંતર્યાત્રા કરવાથી તમારામાં લપાઈને બેઠેલો તમામ પ્રકારનો અહંકાર ઝીરો થઈ જાય છે. અહંકારી ન હોય એવા લોકોનું મન શાંત રહેતું હોય છે.

વાતવાતમાં ભક્તિના મોટા ઉદાહરણો આપવા, ક્યાં ક્યાં ફરી આવ્યા એની ગાથાઓ ગાવી, રોજ-રોજ ભગવાનને ખુશ રાખવા સવાર- સાંજ કેવું કેવું કરો છો એના વર્ણનો કરવા, જે માનતા હોય એ પંથ, સંપ્રદાય કે ધર્મના ગાણા ગાવા, ઘંટડીઓ વગાડવી, ટીલા-ટપકાં કરવા, તેમજ વાર- તહેવારે હોમ-હવન- યજ્ઞા માત્ર કરવાથી ભક્તિ સાર્થક નથી થતી. મોટે ભાગે આ બધી બાબતોમાં માણસનો દંભ- દેખાડો- ડર અને અંધશ્રદ્ધા જ દેખાતી હોય છે.

કબીર, નરસિંહ મહેતા, ગોરા કુંભાર, તુકારામ જેવા અગણિત ભક્તો આપણે ત્યાં થઈ ગયા જેમણે પોતાની જવાબદારી અને ઉત્તરદાયિત્વ પવિત્ર, નિષ્ઠા, સમર્પણ અને ત્યાગ તેમજ નીતિ સાથે અદા કર્યું છે અને એટલે જ ઉદાહરણરૂપ બન્યા છે. પોતાના જીવાતા જીવન સાથે એણે ધર્મને વણી લીધો હતો. પૂજા, જપ, માળા કરતા એમણે જીવનમાં સાદગી, સમર્પણ, નિષ્ઠા અને નીતિને વધારે મહત્ત્વ આપ્યું હતું. અહંકાર એ કઈ બલા છે એની તો જાણ પણ ન હતી આ સંતોને. તેઓ અહંકારમુક્ત હતા એટલે જ એમણે ભક્તિ વખણાઈ તથા દ્રષ્ટાંતરૂપ બની.

ખરેખર આમ જોવા જઈએ તો ગીતામાં કહ્યું તેમ યોગ: કર્મસુ કૌશલમ એ જ સાચી ભક્તિ છે. એકાગ્રતા, નિષ્ઠા દયા, પ્રમાણિકતા, તન્મયતાના મોયણ સાથે કરેલું દરેક કાર્ય ભક્તિનો દરજ્જો પ્રાપ્ત કરે છે. વ્યવહારની વાત હોય, ધર્મની વાત હોય કે વર્તનની વાત હોય, જે માણસ જાતને છેતરતો નથી એની જ ભક્તિ પવિત્ર ગણાય.

Author : Gujaratenews