સંપત્તિવાન જરૂર બનવું જોઈએ, પણ ગામડા અને ખેતીને ક્યારેય ન ભૂલવા કારણ કે ગ્રામીણ અને કૃષિ સંસ્કૃતિ આપણી જડ છે: પીએમ મોદી

30-Apr-2022

નરેન્દ્રમોદીના વરદ હસ્તે વર્ચ્યુલી ઉદઘાટન

  • સંપત્તિવાન જરૂર બનો પણ ગામડા અને ખેતીને ક્યારેય ન ભૂલો
  • દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવર બનાવવા સંકલ્પબદ્ધ બનીએ
  • ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું આહ્વાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
  • સમિટ અને એક્ઝિબિશનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશ દ્વારા સમિટની વિશેષતા સાથે સફળતા માટે શુભેચ્છા પાઠવી: 
  • સમાજસેવા, શિક્ષણસેવાના અનેકવિધ આયામોથી સરદારધામે સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણની ભાવનાને મજબૂત બનાવી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
  • સમગ્ર સમિટનું આયોજન GPBS ટીમ સુરત દ્વારા સફરતાપૂર્વક આયોજન કર્યું
  • સરદારધામ મિશન 2026 અંતર્ગત દર બે વર્ષે યોજાતી ૨૦૨૪માં રાજકોટ અને ૨૦૨૬માં યુ.એસ.એ.માં બિઝનેસ સમિટ યોજવાની જાહેરાત

સુરત: સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૯ એપ્રિલથી ૧ મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. 

વડાપ્રધાનએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં પાટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનએ જણાવ્યું કે,સંપત્તિવાન જરૂર બનવું જોઈએ, પણ ગામડા અને ખેતીને ક્યારેય ન ભૂલવા. કારણ કે ગ્રામીણ અને કૃષિ સંસ્કૃતિ આપણી જડ છે. એગ્રોબેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ, પ્રાકૃતિક ખેતી અને ફૂડ પ્રોસેસિંગમાં અપાર સંભાવનાઓ રહેલી છે. યુવાધન આ તકો ઝડપીને ગ્રામ્ય પ્રગતિમાં ભાગીદાર બને એવી અપીલ પણ તેમણે કરી હતી.  

તેમણે સરદાર સાહેબનું સ્મરણ કરતાં જણાવ્યું કે, દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી. આપણે ફક્ત આપણા દિમાગ અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવર બનાવવા સંકલ્પબદ્ધ બનવાનો અનુરોધ કરતાં વડાપ્રધાનએ ઉમેર્યું કે, આઝાદીના અમૃત્તકાળ સૌના સાથ અને વિકાસની સાથે સૌના પ્રયાસની ભાવનાથી દેશને પ્રગતિના માર્ગે ગતિમાન કર્યો છે. કોરોનાકાળમાં અનેક પડકારો અને સંઘર્ષ છતાં દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપભેર વિકાસ કરી રહ્યું છે. સરકારે કરોડો રૂપિયાની આર્થિક સહાય કરીને MSME ક્ષેત્ર સહિતની લાખો નોકરીઓ બચાવી હતી અને ફળસ્વરૂપે આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે.

વડાપ્રધાનએ પાટીદાર ગ્લોબલ સમીટના આયોજનને વધાવતાં કહ્યું કે, રોજગાર, વ્યાપારવૃદ્ધિ અને નવા બિઝનેસની તકો આપતા સરદારધામની 'સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણ'ની ભાવના સરાહનીય છે. છેલ્લાં ૮ વર્ષમાં સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે, હકારાત્મક નીતિઓ અને પગલાઓ દ્વારા દેશના સામાન્ય પરિવારના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બને અને ઊંચા સપના જુએ.

વડાપ્રધાનએ સમિટમાં કૃષિને આધુનિક બનાવવા અને કૃષિમાં રોકાણને આકર્ષવા માટે રચનાત્મક માર્ગો શોધવા અને ખેતીની નવી રીતો, નવા પાકો, એગ્રીબિઝનેસ અને મૂલ્યવર્ધન, ગુજરાતની જમીનનો અભ્યાસ જેવા ઘણાં ક્ષેત્રોનો સર્વાંગી વિકાસ કરવા વિવિધ સેક્ટરોની ટીમો બનાવવાનું સૂચન કર્યું હતું. તેમણે થોડા દાયકાઓ પહેલા ગુજરાતમાં ડેરી ચળવળનું ઉદાહરણ ટાંકી કહ્યું કે, શ્વેતક્રાંતિએ ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ બદલી નાખી છે, એટલે જ હવે 'અન્નદાતા ઊર્જાદાતા' બની કૃષિ આધારિત ઉદ્યોગોને અપનાવે એવી તાતી જરૂરિયાત છે. દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવરના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવા પણ આ તકે તેમણે ઉપસ્થિત સૌ શ્રેષ્ઠીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશ દ્વારા સમિટની સફળતાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પાટીદાર ગુજરાતની ખમીરવંતી અને મહેનતકશ પ્રજા છે. સ્વબળે સંઘર્ષ કરીને સમગ્ર વિશ્વમાં પાટીદારોએ પાણી બતાવ્યું છે. સરદાર સાહેબના જીવનના ઊચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ સરદારધામે સમાજસેવા, શિક્ષણસેવાના અનેકવિધ આયામોથી સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણની ભાવના મજબૂત બનાવી છે. 

મુખ્યમંત્રીએ પ્રકારની સમીટ આત્મનિર્ભરતાની ભાવના વિકસાવી યુવા ઉદ્યોગસાહસિકોને ગ્લોબલ બનાવે છે એવો મત વ્યક્ત કરતાં ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ આ સમીટમાં MSME ક્ષેત્ર, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી, મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા તેમજ અનેકવિધ સરકારી વિભાગોના સ્ટોલ થકી સહભાગિતા કરી છે.   

સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સુરત એ ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્ષટાઈલ્સ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે, ત્યારે મિશન ૨૦૨૬ હેઠળ રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે. આગામી ૨૦૨૪માં રાજકોટ અને ૨૦૨૬માં યુ.એસ.એ.માં બિઝનેસ સમિટ યોજવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

આ વેળાએ સરદાર પટેલ ઈન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કરાયું હતું. મહાનુભાવોના હસ્તે 'સરદારધામ સમાજરત્નો' કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું હતું. 

આ પ્રસંગે સરદાર ધામ ટીમના સૌ હોદેદારો ટીમ સરદારધામ ટીમ હાજર રહી હતી. આ સાથે પાટીદાર સમાજના અગ્રણી, ઉદ્યોગપતિ અને બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યા હતા.

 શ્રીરામકૃષ્ણ ગ્રુપના ચેરમેન અને સમિટના મુખ્ય સ્પોન્સર ગોવિંદભાઇ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, લવજીભાઈ બાદશાહ, લાલજીભાઈ પટેલ, પાટીદાર અગ્રણી મનહરભાઈ સાચપરા, ઉદ્યોગજગતના અગ્રણીઓ, બિઝનેસમેનો તેમજ દેશવિદેશમાંથી ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 

રાજ્ય સરકારના 'વાયબ્રન્ટ ગુજરાત'માંથી પ્રેરણા લઈ દર બે વર્ષે યોજાય છે GPBS

સરદારધામ દ્વારા મિશન ૨૦૨૬ અંતર્ગત રાજ્ય સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તેમજ ૨૦૨૦માં હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવી હતી. જેની ભવ્ય સફળતા બાદ સુરતના સરસાણા ખાતે પણ સમિટ યોજાઈ છે. જેમાં ૩૦ હજાર ચો.મી. વિસ્તારમાં ૯૫૦ સ્ટોલ થકી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યાં છે. જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના ૧૫ થી વધુ સેક્ટરનો સમાવેશ થાય છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં ૫૦ ટકા રાહત આપવામાં આવી છે.

Author : Gujaratenews