તસવીર : શૈલેષભાઈનો પરિવાર અને લુનાર સોસાયટીના ડોક્યુમેન્ટ.
મૂળ અમરેલીના મોટા લીલીયા તાલુકાના આંબા ગામના વતની અને વરાછામાં ઈ-કોમર્સ બિઝનેસ સાથે સંકળાયેલા તથા સ્પિનિંગ મિલ પાસેની એમ એન જે સ્કૂલમાં અભ્યાસ કરી ચુકેલા શૈલેષકુમાર રવજીભાઈ માલવિયાએ પિતા રવજીભાઇને 61મા જન્મદિને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા ચંદ્ર પર 1 એકર જગ્યા લીધી હોવાનું જાણવા મળ્યું છે. તેમના ભાઈ મેહુલે પણ તેમને આ જગ્યા ખરીદવામાં સહકાર આપ્યો છે. તેમના પિતાનો જન્મદિવસ 1 ઓકટોબરે છે અને તેઓ પિતાને જન્મદિવસ પર આ જગ્યા ભેટ આપવા માંગે છે. આ જગ્યા મૃતક સુશાંતસિંહે ચંદ્ર પર લીધેલી જગ્યાની આજુબાજુમાં આવેલી હોવાનું મનાય છે. આ જગ્યાનો ખર્ચો 37 ડોલર થયો હોવાનું શૈલેષભાઈએ દાવો કર્યો છે. કિંમત કરતા પિતાનો જન્મ દિન વધુ મહત્ત્વનો હોવાથી અને પિતાના જન્મ દિવસે કંઈક નવીન કરવાની ઈચ્છાથી તેમણે આ કદમ ઉઠાવ્યું છે. ચંદ્ર ઉપરની જગ્યા લુનાર સોસાયટીની વેબસાઈટ પરથી ખરીદી છે. અમેરિકાની એક સંસ્થા ચલાવે છે અને ચંદ્ર પર જગ્યાઓની ફાળવણી કરે છે. આ સ્થળ પર પોતાના ખર્ચે જઈ શકાય છે અને ટેલિસ્કોપની મદદથી જગ્યા પણ જોઈ શકાય છે.
આ પ્રોપર્ટી ન્યૂયોર્ક સ્થિત લ્યૂનર રજીસ્ટ્રી દ્વારા નોંધવામાં આવી છે.
શૈલેષ સિવાય બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી છે.
સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર જમીન પોતાના માટે ખરીદી હતી જ્યારે હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે શાહરૂખ ખાનને આ જમીન ભેટમાં મળી છે.
શૈલેષનું કહેવું છે કે ચંદ્રયાન-2 મિશનના પગલે હવે એવી આશા જાગી છે કે એક દિવસ તેઓ તેમના પરિવાર સાથે ચંદ્ર પર જઈ શકશે.
એ વ્યક્તિ જેણે ચંદ્ર પર જમીન ખરીદી છે, તમે કઈ રીતે ખરીદી શકો?
હાલ મૂન મિશનના કારણે ચંદ્રની ભારે ચર્ચા થઈ.. ભારતે ચંદ્રયાન-2 લૉન્ચ કરીને ચંદ્ર પર જીવન અંગે શોધ મામલે એક પગલું આગળ વધાર્યું છે.ચંદ્ર પર હજુ સુધી લોકો વસ્યા નથી પરંતુ પહેલેથી જ ઘણી સંસ્થાઓ ત્યાંની જમીન વેચવા લાગી છે.ઘણા સેલેબ્રિટી સહિત સામાન્ય લોકો ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે.
ચંદ્રની માલિકી કોની પાસે?
ઘણી એવી વેબસાઇટ છે કે જેના પર ચંદ્ર પર જમીન વેચવાના દાવા કરવામાં આવે છે. પરંતુ ખરેખર ચંદ્રની માલિકી કોની પાસે છે? શું ત્યાંની જમીનની કોઈ લે-વેચ કરી શકે?
ભારતે એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જે કોઈ પણ વ્યક્તિને અંતરિક્ષના કોઈ પણ ભાગમાં કંઈક ખરીદવા અથવા પોતાનો દાવો કરતા રોકે છે.
1967થી પ્રભાવી આ સમજૂતીને 'ધ આઉટર સ્પેસ ટ્રીટી'ના નામે ઓળખવામાં આવે છે. આ સમજૂતી પર ભારત સહિત 100 દેશોએ હસ્તાક્ષર કર્યા છે.
ટ્રીટીના એક આર્ટિકલ પ્રમાણે, "આઉટર સ્પેસનો ઉપયોગ ગમે તે દેશ પોતાના આર્થિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે કરી શકે છે."
"અહીં આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ગમે તે વ્યક્તિ જઈ શકે છે. અહીં વૈજ્ઞાનિક પ્રયોગો કરવાની દરેકને છૂટ છે. દરેક દેશને અહીં સંશોધન કરવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ."
ટ્રીટીના અન્ય એક આર્ટિકલ પ્રમાણે આઉટર સ્પેસ જેમાં ચંદ્ર પણ સામેલ છે, તે એક કૉમન હેરિટેજ છે."
"કૉમન હેરિટેજ એટલે કે કોઈ પણ વ્યક્તિ તેનો ખાનગી ઉપયોગ કરી શકતી નથી."
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સ્પેસ લૉના ડિરેક્ટર સ્ટીફન ઈ. ડૉય્લ જણાવે છે કે ચંદ્ર પર કોઈ વ્યક્તિની માલિકી નથી. એ જ રીતે જેમ દરિયાનું કોઈ માલિક નથી.
એવી કોઈ જોગવાઈ નથી કે જેની મદદથી લોકો ત્યાં ખાનગી ઉપયોગ માટે જમીન ખરીદી શકે."
"ચંદ્ર પર જે મટીરીયલ છે તે ત્યાંથી લાવીને અહીં વાપરી શકાય છે, એ જ રીતે જેમ દરિયામાંથી માછલીને બહાર કાઢી તેનો ઉપયોગ થાય છે. તે વસ્તુઓ પર કોઈનો માલિકી હોતી નથી."
એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા મળી નથી કે લ્યૂનર રજીસ્ટ્રી અને લ્યૂનર લૅન્ડ જેવી કંપનીઓ કે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે, તેમની વિરુદ્ધ કોઈ કેસ દાખલ થયો છે કે નહીં.
તેમની પ્રતિક્રિયા જાણવા માટે GNEWSએ કંપનીઓનો પણ સંપર્ક સાધ્યો, પરંતુ આ રિપોર્ટ તૈયાર થવા સુધી તેમની કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી.
લૂનર રજીસ્ટ્રીએ તેમની વેબસાઇટ પર FAQમાં જવાબ આપ્યો છે, "તેમની પાસે ચંદ્ર પર જમીનની માલિકી નથી પરંતુ એક પ્રોસેસના માધ્યમથી તેઓ માલિકી નોંધાવી શકે છે."
"આ માલિકી તેઓ ચંદ્રની કેટલીક મર્યાદિત જગ્યાઓ માટે નોંધાવી શકે છે."
સ્પેસ સેટલમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના એલન વેસ્સર જણાવે છે, "ચંદ્ર પર કોઈ માલિકી ધરાવતું નથી, અને ઇન્ટરનેશનલ ટ્રીટી પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ક્યારેય ચંદ્ર પર હક જમાવી શકે નહીં."
20-Aug-2024