મહાશિવરાત્રિ:1 માર્ચે 6 રાજયોગમાં શિવરાત્રિ ઊજવાશે, 24 કલાકમાં પૂજા માટે 7 મુહૂર્ત રહેશે, શિવપૂજાની સરળ વિધિ, મંત્ર અને આરતી
28-Feb-2022
કાલે શિવપૂજાનું મહાપર્વ એટલે શિવરાત્રિ છે. પંચાંગ પ્રમાણે, આ દિવસે મહા મહિનાના વદ પક્ષની ચૌદશનો હોય છે. એ આ વખતે 1 માર્ચના રોજ છે. શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિએ શિવલિંગ સાથે જ સૃષ્ટિ શરૂ થઈ હતી. આ દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી હતી. ત્યારથી જ દરેક યુગમાં આ તિથિએ ભગવાન શિવની મહાપૂજા અને વ્રત-ઉપવાસ કરવાની પરંપરા ચાલી રહી છે. આ પર્વમાં આખો દિવસ શિવપૂજા કરવામાં આવે છે, પરંતુ ગ્રંથોમાં રાતે પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. આ પર્વ સાથે જોડાયેલી માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન શિવ-પાર્વતીના લગ્ન થયાં હતાં.
દુર્લભ ગ્રહ સ્થિતિ અને પાંચ રાજયોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે મહાશિવરાત્રિએ શિવ યોગ બની રહ્યો છે. સાથે જ શંખ, પર્વત, હર્ષ, દીર્ઘાયુ અને ભાગ્ય નામનો રાજયોગ બની રહ્યો છે. આ દિવસે મકર રાશિમાં ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર અને શનિ રહેશે. આ ગ્રહોના એક રાશિમાં હોવાથી પંચગ્રહી યોગ બની રહ્યો છે. ત્યાં જ, આ મહાપર્વમાં કુંભ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બનવી પણ શુભ રહેશે. બૃહસ્પતિ ધર્મ-કર્મ અને સૂર્ય આત્મા કારક ગ્રહ હોય છે. આ બંને ગ્રહોની યુતિમાં શિવ પૂજાનું શુભ ફળ અનેકગણું વધી જશે. શવિરાત્રિએ નક્ષત્રોની આવી સ્થિતિ છેલ્લાં અનેક વર્ષોમાં બની નથી.
વ્રત કેવી રીતે કરવું
શિવરાત્રિએ સૂર્યોદય પહેલાં જાગીને પાણીમાં ગંગાજળ અને કાળા તલ મિક્સ કરીને સ્નાન કરવું. તે પછી આખો દિવસ વ્રત અને શિવ પૂજા કરવાનો સંકલ્પ લો. વ્રત કે ઉપવાસમાં અનાજનું સેવન કરવું નહીં. પુરાણોમાં ઉલ્લેખ છે કે આ દિવસે આખો દિવસ પાણી પીધા વિના રહેવું જોઈએ. જાણકારો પ્રમાણે આટલું કઠોર વ્રત ન કરી શકો તો ફળ, દૂધ અને પાણી પી શકો છો. આ વ્રતમાં સવાર-સાંજ સ્નાન કર્યા પછી શિવ મંદિરમાં દર્શન માટે જવું જોઈએ.
10 સરળ સ્ટેપ્સમાં શિવપૂજા કરી શકો છો
1. શિવરાત્રિએ સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં કે કોઇ અન્ય મંદિરમાં શિવપૂજા કરવાનો અને વ્રત કરવાનો સંકલ્પ લો.
2. આખો દિવસ વ્રત રાખવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. જે લોકો આખો દિવસ ઉપવાસ કરી શકે નહીં તેઓ દૂધ, ફળ અને ફળના રસનું સેવન કરી શકે છે.
3. સાંજે સૂર્યાસ્ત પહેલાં ફરીથી સ્નાન કરો. કોઇ મંદિરમાં કે ઘરમાં જ શિવલિંગની પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં શ્રી ગણેશનું ધ્યાન કરો અને પૂજાની શરૂઆત કરો.
4. પૂજા કરતી સમયે પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખશો તો સારું રહેશે.
5. પૂજામાં શુદ્ધ જળમાં થોડું ગંગાજળ મિક્સ કરો અને શિવલિંગનો અભિષેક કરો.
6. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવો અને તેનાથી શિવલિંગનો અભિષેક કરો.
7. પંચામૃત પછી સાફ જળથી અભિષેક કરો. તે પછી શિવલિંગ ઉપર ચંદન, ફૂલ, બીલીપાન, ધતૂરો, સુગંધિત સામગ્રી અને સિઝનલ ફળ ચઢાવો. સાથે જ ગણેશજી અને દેવી પાર્વતીની પણ પૂજા કરો. તેમને પણ વસ્ત્ર, ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો.
8. દેવી-દેવતાઓ સામે ધૂપ-દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવો.
9. ઓમ ગં ગણપતયૈ નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગૌર્ય નમઃ મંત્રનો જાપ કરો.
10.કપૂર પ્રગટાવીને આરતી કરો. તે પછી ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલો માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોમાં વહેચો અને પોતે પણ ગ્રહણ કરો.
ચંદ્ર રાશિ પ્રમાણે જાણો બારેય રાશિઓએ શિવલિંગની પૂજા કઈ રીતે કરવી
મેષઃ- શિવરાત્રિએ કાચા દૂધ અને દહીંથી શિવલિંગને સ્નાન કરાવવું. ધતૂરો ચઢાવવો. કપૂર પ્રગટાવીને આરતી કરો.
વૃષભઃ- શિવલિંગનો અભિષેક શેરડીના રસથી કરો. શિવજીને મોગરાનું અત્તર અર્પણ કરો. ભોગ ધરાવીને આરતી કરો.
મિથુનઃ- શિવરાત્રિએ સ્ફટિકના શિવલિંગની પૂજા કરો. લાલ ગુલાલ, કંકુ, ચંદન, અત્તરથી અભિષેક કરો. આંકડાના ફૂલ અર્પણ કરો. મીઠાઈનો ભોગ ધરાવો અને આરતી કરો.
કર્કઃ- શિવરાત્રિએ અષ્ટગંધ અને ચંદનથી અભિષેક કરો. દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવીને આરતી કરો.
સિંહઃ- ફળના રસમાં મિશ્રી મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો. આંકડાના ફૂલ ચઢાવીને મીઠાઈનો ભોગ ધરાવવો.
કન્યાઃ- બોર, ધતૂરો, ભાંગ, આંકડાના ફૂલ ચઢાવો. બીલીપાન ઉપર ભોગ રાખો અને ભગવાનને ચઢાવો. કપૂર મિક્સ કરીને જળથી અભિષેક કરો.
તુલાઃ- પાણીમા ફૂલ રાખો અને તે જળથી શિવલિંગને સ્નાન કરાવો. બીલીપાન, મોગરો, ગુલાબ, ચોખા, ચંદન સમર્પિત કરો. આરતી કરો.
વૃશ્ચિકઃ- શુદ્ધ જળથી શિવલિંગને સ્નાન કરાવો. મધ, ઘીથી સ્નાન કરાવ્યાં પછી ફરીથી જળથી સ્નાન કરાવો અને આરતી કરો.
ધનઃ- પકવેલા ચોખાથી શ્રૃંગાર કરો. સૂકા મેવાનો ભોગ ધરાવો. બીલીપાન, ગુલાબ વગેરે ચઢાવો. આરતી કરો.
મકરઃ- ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરો. તે પછી ઘઉંનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.
કુંભઃ- સફેદ-કાળા તલને મિક્સ કરીને કોઇ એવા શિવલિંગ ઉપર ચઢાવો જે એકાંતમાં હોય. પૂજા કરો, આરતી કરો.
મીનઃ- રાતે પીપળાની નીચે બેસીને શિવલિંગનું પૂજન કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો 101 વાર ઉચ્ચારણ કરી બીલીપાન ચઢાવો અને આરતી કરો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024