શેરમાર્કેટમા ૯.૧૪ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, ૬૮ શેરમાં એક વર્ષ કે તેથી વધુ સમયગાળાની રીતે નવા નીચા બોટમ
25-Jan-2022
અમદાવાદ:શેરબજાર સોમવારે ૧૫૪૬ પોઇન્ટ ગગડ્યું છે, જે છેલ્લા બે માસનો સૌથી મોટો કડાકો છે છેલ્લે ૨૬ નવે. ૨૦૨૧ના રોજ શેરઆંક ૧૬૮૮ પોઇન્ટ તૂટ્યો હતો. તાજેતરના ભૂતકાળની વાત કરીએ તો બજારમાં સૌથી મોટી ખરાબી ૧૯૩૯ પોઇન્ટની હતી જે ૨૬મી ફેબ્રુ ૨૦૨૧ના રોજ નોંધાઇ હતી. ત્યાર પછી આવે છે ૧૨ એપ્રિલ ૨૦૨૧, તે દિવસે માર્કેટ ૧૭૦૮ પોઇન્ટ લથડ્યું હતું. ગઇકાલની ખરાબી ૨૬ ફેબ્રુ. ૨૧થી લઇને આજદિન સુધીની ૪થા નંબરની મોટી ખુવારી છે બીજી એક નોંધવાની બાબત એ છે કે છેલ્લા ચાર માસમાં ૧૦૦૦થી વધુ પોઇન્ટના ગાબડા બજારમાં પાંચ વખત જોવાયા છે દર મહિને એક વખતે તો ૧૦૦૦ પોઇન્ટ પ્લસની ખુવારી જોવા મળે જ છે. ૨૮ ઓક્ટોના રોજ સેન્સેક્સ ૧૧૫૯ પોઇન્ટ, ૨૨ નવે.ના રોજ ૧૧૭૦ પોઇન્ટ, ૨૬ નવે.ના રોજ ૧૬૮૮ પોઇન્ટ, ૨૦ ડીસે.ના રોજ ૧૧૯૦ પોઇન્ટ અને ગઇકાલે, ૨૪ જાન્યુ.ના રોજ ૧૫૪૬ પોઇન્ટ આ યાદીમાં આવે છે.
સોમવારેનો કડાકો આમ ભલે છેલ્લા એક વર્ષમાં ટોપ-૩ ન આવતો હોય પરંતુ ખુવારીમાં અવ્વલ છે. ગઇકાલે શે૨બજા૨નું માર્કેટકેપ ૯.૧૪ લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયું છે. આટલો મોટો ઘટાડો છેલ્લા એક વર્ષમાં પ્રથમ વાર જોવા મળ્યો છે. ગઇકાલે બજારમાં ઓલરાઉન્ડ ખુવારી હતી. બીએસઇ ખાતે કુલ ૩૭૦૬ શેરમાં કામકાજ થયું હતું. તેમાંથી માત્ર તેર ટકા, ૪૮૬ શેર જ વધ્યા છે સામે ૮૪ ટકા એટલે કે ૩૧૦૬ શેર ઘટીને બંધ હતા. જ્યારે ૧૧૪ શેર જૈસે થે હતા. એનએસઇમાં કુલ ૨૧૫૦ શેરમાં ટ્રેડીંગ થયું છે. તેમાંથી ૧૬૭ શેર વધ્યા, ૧૯૪૮ જાતો ઘટી અને પાંચ યથાવત હતી.
ઘટાડાની સૌથી વધુ માઠી અસર થઇ હોય તેવા સેક્ટર કે સેગમેન્ટ ઉપર નજર નાંખવા જેવી છે. ટુ-શ્રી વ્હીલર્સ ઉદ્યોગના નવ શેરમાંથી એક પણ શેર ગઇકાલે વધ્યો નથી. બ્રોડકાસ્ટીંગ તથા કેબલ ટીવી ક્ષેત્રના ૨૬માંથી માત્ર એક શેર કલરચિપ્સ ચાર ટકા સુધર્યો છે બાકી બધુ ડાઉન હતું. સિમેન્ટ ઉદ્યોગના ૪૩માંથી ૩૯ શેર ઘટ્યા છે વેપારી વાહન ઉત્પાદન ૧૫ કંપનીમાંથી માત્ર બ્રેડી મોરિસ એન્જીનીયરીંગ પોણા બે ટકા વધીને ૧૪૯ બંધ હતી. ઓટો પાર્ટસ ઇન્ડસ્ટ્રીમાં ૧૦૪ માંથી ૯૯ શેર ડાઉન હતા. ઓટો પિન્સ પાંચ ટકા તો રાસનિક ૪.૭ ટકા પ્લસ રહ્યા છે. ડીફેન્સ ક્ષેત્રની તમામ ડઝન કંપનીના શેર ઘટ્યા છે. ફુટવેરના ૧૦ શેરમાં ય આવી જ હાલત હતી. આયર્ન અને સ્ટીલ તેમજ તેની પ્રોડક્ટસ ઉત્પાદન ૧૩૪ કંપની માંથી ફક્ત ૧૧ શેર પ્લસ હતા.
આઇટીના સમગ્ર સ્પેસની ૧૪૯ કંપનીમાંથી સોમવારે ૧૩૦ કંપનીના શેર ઘટ્યા છે. માઇનીગની દસેદસ જાતો ડાઉન હતી ટેક્ષ્ટાઇલ્સ ઉદ્યોગના ૨૨૫ શેરમાં વધેલી જાતોની સંખ્યા માંડ ૩૫ની હતી. સુગર ઇન્ડસ્ટ્રીઝના તમામ ૩૮ શેર ગઇકાલે ઘટ્યા છે. ટી-કોફી તથા પ્લાન્ટેશન ક્ષેત્રે ૨૩ શેરમાંથી કેવળ રાયરૂન ટી પોણો ટકો વધી શકી છે. સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉદ્યોગમાં આઠ શેર વધ્યા હતા. સામે ૮૭ જાતો નરમ હતી, શીપીંગ તેમજ રોડ હાઇવે સેગમેન્ટમાં તમામ ૨૨ શેર માઇનસ થયા છે. રિયલ્ટી ઉદ્યોગના ૧૨૫માંથી માત્ર ૧૪ શેર પ્લસ હતા. AGI ઇન્ફ્રા ૯.૬ ટકા ઉછળી ૨૦૯ નજીક બંધ હતો. પ્લાસ્ટિક પ્રોડક્ટસ ઉદ્યોગમાંના ૬૬માંથી ૪ શેર સુધર્યા છે. જીએમ પોલિપ્લાસ્ટ સાત ટકાની તેજીમાં ૧૮૮ બંધ આવ્યો છે. ફાર્મા ઉદ્યોગના ૧૬૩ શેરોમાંથી ગઇકાલે ૧૫ શેર પ્લસ હતા. સિમેન્ટ ઉદ્યોગ ખાતે ૪૩માંથી ૩૯ શેર માઇનસ થયા છે બીગ બ્લોક પાંચ ટકાની ઉપલી સર્કીટમાં ૭૧ રૂપિયા તો જે કે લક્ષ્મી અડધો ટકો વધી ૫૯૩ રૂપિયા બંધ હતા. પેપર ઉદ્યોગ ખાતે આઠ શેર સુધર્યો છે સામે ૪૦ જાતો નરમ હતી ફર્ટિલાઇઝર્સ ક્ષેત્રે તમામ ૨૧ શેર ઘટ્યા છે. હેલ્થકેર સર્વિસીસ સેગમેન્ટમાં બે શેર પ્લસ તો ૨૮ સ્ક્રીપ્સ માઇનસ હતી. હોટલ ઇન્ડસ્ટ્રીઝની ૪૬માંથી ૯ જાતો સુધરી છે.
ગઇકાલે બીએસઇ ખાતે ૬૮ શેરમાં એક વર્ષ કે તેથી વધુ સમયગાળાની રીતે નવા નીચા બોટમ બન્યા છે. નવી લિસ્ટેડ ઘણી બધી અગ્રણી જાતો તેમાં સામલે હતી આ ઉપરાંત આરતી ડ્રગ્સ, એડવાન્સ્ડ એન્ઝાઇમ્સ, અલ્ટ્રા ઝેનેકા, એકઝોનોબલ, અરબિંદો ફાર્મા, બજાજ કન્ઝ્યુમર, બામર લોરી ઇન્વેસ્ટમેન્ટ, કેડીલા હેલ્થકેર, કેસ્ટ્રોલ ઇન્ડિયા, એસેલ પ્રોપેક, જીલેટ, ગ્લેન માર્ક લાઇફ, એચડીએપસી એસેટ મેનેજમેન્ટ, HDFC લાઇફ, ઇન્દ્રપ્રસ્થ ગેસ, ઇન્ડિયા માર્ટ, જોનસન-હિરાચિ, જ્યુબિલન્ટ ફાર્મા, લુમેક્સ ઓટો, Lic હાઉસીંગ માસ ફાઇનાન્સ, મહિન્દ્રા ઇપીસી, મહાનગર ગેસ, નેશનલ પેરોક્સાઇડ્સ, પેટ્રોનેટ એલએનજી, સદભાવ એન્જી, સનોફી ઇન્ડિયા, સોલાર એક્ટીવ ફાર્મા, સ્પંદન સ્ફર્તિ, સ્ટ્રાઇડ ફર્મા, ટેક સોલ્યુશન્સ, વીગાર્ડ, ઝાયડસ વેલનેસ ઇત્યાદી જેવી અગ્રણી કંપનીઓના શેર પણ આ યાદીમાં આવે છે.
05-Mar-2025