નવસારી : સામાન્ય રીતે સાહસિક પ્રવૃત્તિઓ અને પર્વતારોહણ જેવા શોખથી દૂર રહેતા ગુજરાતીઓને હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરુપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહ્યા છે.
માઉન્ટ યુનમ હિમાચલના લાહૌલ વિસ્તારમાં લદ્દાખની સરહદની નજીક ટ્રાન્સ હિમાલયન પર્વતમાળાનું ૨૦,૩૦૦ ફૂટ ઉંચુ બર્ફીલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભાર પવનનો સામનો કરી નવસારીના ડો. રઝીના કાઝી સહિત ગુજરાતની ટીમે સફળતાપૂર્વક તેનું આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે. અમદાવાદ સ્થિત સંસ્થા ઇન્વિન્સીબલ દ્વારા આ આયોજન કરાયું હતું. આ ટીમ અમદાવાદથી ૧૨મી ઓગષ્ટના દિવસે રવાના થઈ હતી. આ પર્વતારોહણ કુલ ૭ દિવસનું હતું. જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓ. ની ટીમ પહેલા દિવસે મનાલી (૫,૫૦૦ ફૂટ) પહોંચી જરુરી તૈયારીઓ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે ટીમ જિસ્પા પહોંચી હતી. ત્રીજા દિવસે ભરતપુર કેમ્પ સુધી પહોંચ્યા હતા અને એક્લીમેટાઇસેશન માટે ટાઇગર હિલનો ટ્રેક કર્યો હતો. ત્યાર બાદ એડવાન્સ કેમ્પ સુધી લોડ ફેરી કરીને સામાન પહોંચાડ્યો હતો. એડવાન્સ કેમ્પ પર પહોંચ્યા બાદ છેવટે પાંચમાં દિવસે રાત્રે ૧૨ વાગે નીકળી ૮ કલાકના સતત આરોહણ બાદ તારીખ ૧૯ મી ઓગષ્ટનાં સવારનાં ૮:૩૦ વાગ્યે ટીમના ૧૫ સભ્યોએ માઉન્ટ યુનમ શિખર (૨૦,૦૦૦ ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને આ ટીમ ૨૧મી ઓગષ્ટનાં રોજ મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. આરોહણ દરમિયાન ડૉ. રેઝિનાની તબિયત લથડી હતી. છતા અંતે તે શિખર પર પહોંચી. નીચે ઉતરતી વખતે તેણીની તબિયત વધુ બગડી હતી પણ એડવાન્સ બેઝ કેમ્પ પર પહોંચ્યા પછી તેની તબિયત સારી થઈ હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025