ઉનાળામાં સુરતની તાપી નદીમાં જળકુંભીની ચાદર ફેલાઇ, લીલ-જીવાત-ઉપદ્રવને પગલે પાણીની ગુણવત્તા કથળી

19-May-2024

Surat: જળકુંભી,લીલને પગલે રો-વોટર મેળવવામાં વધુ કવાયત કરાઇ રહી છે. પરંતુ રાંદેર વિસ્તારમાં જહાંગીરપુરા, પાલનપુર, અડાજણ સહિતના વિસ્તારોમાં પાણીની ગુણવત્તા અંગેની વધુ ફરિયાદો જારી જ છે.

કાપોદ્રામાં જળકુંભીએ તાપી શુદ્ધિકરણના છેદ ઉડાડ્યો

ભર ઉનાળામાં પાણીનું બાષ્પીભવન, હજીરા ઇન્ડ્રસ્ટ્રીઝનો વપરાશ, કોઝ-વે માંથી લીકેજ થતાં પાણી સહિતના કારણોને પગલે જળ સ્તરમાં ઘટાડો આવી રહ્યો છે. પાણીમાં વધઘટ થતી રહે છે પરંતુ જો વધુ ઘટાડો આવશે તો રો-વોટર મેળવવામાં હાઇડ્રોલિક ખાતાને તકલીફ પડે તેમ છે. હાલમાં જ તાપી નદીમાં ફેલાયેલી જળકુંભીના ઉપદ્રવને પગલે પાલિકાની ચિંતામાં વધારો થવા માંડ્યો છે અને ચોમાસામાં જ હવે આ જળકુંભી વરસાદમાં કોઝ-વે ઉભરાશે ત્યારે જ દૂર થઈ શકતે તેવી ગણતરી કરી રહ્યાં છે.! મહત્ત્વની બાબત એ છે કે, સવજી કોરાટ બ્રીજ પાસે અને સરથાણા તાપી નદીના વોટર વર્કસ, ઇન્ટેક વેલ જળકુંભીની ચાદરમાં લપેટાઇ ગયાં છે. આ સમસ્યાને પગલે રાંદેર-અઠવા અને વરાછા, સરથાણા સહિતના વિસ્તારમાં પાણીની ગુણવત્તા બગડે તેવી સ્થિતિ છે. આ વિસ્તારના 10 લાખ લોકોને તેની અસર વર્તાય રહી છે. પાણી વાસ મારતું આવી રહ્યું છે તેથી પાણી ખાતામાં પણ ફરિયાદો વધી ગઈ છે. હાલ સમગ્ર મે મહિનામાં ઉનાળાને લીધે પાણીની સમસ્યા વર્તાશે તેમ હાઇડ્રોલિક ખાતું જણાવે છે. જુનમાં ચોમાસાના આરંભે દર વર્ષની જેમ આ સમસ્યાનો નિવેડો આવી જશે. 

રાંદેર,જહાંગીરપુરા વિસ્તારમાં પાણીની ક્વોલિટી અંગે ફરિયાદ

છેલ્લા ત્રણ દિવસથી પાણીના સ્તરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જળસ્તર 5.39મીટરથી 5.41મીટર પર છે. તેથી હાલ પાણીનું લેવલ પુરતું છે પરંતુ જળકુંભી,લીલ ને પગલે રો-વોટર મેળવવામાં વધુ કવાયત કરાઇ રહી છે. છાપરાભાઠા, લંકા વિજય હનુમાન પાસે 2 હજારથી વધુ તબેલાઓ ગેરકાયદે ધમમધી રહ્યાં છે. તેનુ પાણી સીધુ પાણીની રો-ક્વોલિટી બગાડી રહ્યું છે. તાપી શુદ્ધિકરણનો વર્ષોથી ચાલતાં પ્રોજેક્ટમાં તાપીમાં ભળતાં ગટરના આઉટલેટો પણ હજી સંપૂર્ણ દૂર થઈ શક્યાં નથી તેનું ગંદૂ પાણી સીધુ નદીમાં ભળી રહ્યું છે. ઘણાં વર્ષોથી આ સમસ્યાનો પણ ઉકેલ આવ્યો નથી.હાઇડ્રોલિક ખાતાનું કહેવું છે કે, ઉનાળામાં કોઝ-વેમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે જળકુંભી તાપી નદીમાં સરથાણા વોટર વર્કસ આપપાસ વધી ગઈ છે પવનની ગતિને લીધે અને ઉકાઈ ડેમમાંથી છોડતાં 250ક્યુસેક પાણીને લીધે કાકરાપાર ખાતેથી જળકુંભી તણાંઇને નદીમાં આવી રહી છે. આ જળકુંભીને બે ડેવીડર મશીનથી દૂર કરાઈ રહી છે. પરંતુ વધુ ઉપદ્રવ હોય પહોંચી વળાતું નથી તેથી હવે ચોમાસામાં જ આ ઉપદ્રવ દૂર થઈ શકશે. જળકુંભીના મૂળ એક મીટર જેટલાં જ હોય છે જ્યારે રો-વોટર ત્રણથી પાંચ મીટર નીચેથી લેવાઇ રહ્યું છે તેથી ખાસ અસર નથી. પરંતુ ચોમાસામાં વધુ અસર થાય છે.

Author : Gujaratenews