અમદાવાદના નિલેશ સોનીની વીરગાથા, 25 વર્ષની ઉંમરે દેશ માટે શહીદી વહોરી

12-Feb-2022

35 વર્ષ પહેલા આજના જ દિવસે તા.12 ફેબ્રુઆરી 1987ના રોજ સિયાચીન ખાતે પાકિસ્તાન સામે લડતાં લડતાં શહીદ થયેલા અમદાવાદના કેપ્ટન નિલેશ સોનીનો આજ શહાદત દિવસ છે. ઓપરેશન મેઘદૂતમાં વિશ્વની સૌથી ઊંચી યુદ્ધ ભૂમિ સિયાચીન ગલસિયાર પર શહીદ થયેલા કેપ્ટન નિલેશ સોનીની વીરગાથા સાંભળી તમારા રૂવાંટા ઉભા થઇ જશે.કેપ્ટન નિલેશની આર્મી ટ્રેનિંગ દરમિયાન તેમનો ઓબ્ઝર્વેશન પાવર વધારે હોવાનું તેમના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. તેમની આ ખૂબીને જોઇને સપ્ટેમ્બર-1986ના રોજ તેમની પોસ્ટિંગ સિયાચેનની 19000 ફીટની ઊંચાઈ પર આવેલી ચંદન પોસ્ટ ઉપર કરાઇ હતી. તા. 12 ફેબ્રુઆરી 1987એ રાત્રિ ફરજ બજાવતા સૈનિકોએ દુશ્મનોની હિલચાલ જોઇ કેપ્ટન નિલેશ સોનીને પરિસ્થિતિની જાણ કરી હતી. આ દરમિયાન કેપ્ટન નિલેશે દુશ્મનોને પીછે હઠ કરવાની ફરજ પાડી હતી. પરંતુ દુશ્મનો દ્વારા છોડાયેલા તોપના ગોળા કેપ્ટન સોની જ્યાંથી લડી રહ્યા હતા. તેની પાછળ આવેલા અતિ વિશાળ બરફના પહાડ ઉપર પડતા ટન બંધ બરફ તેમની ઉપર પડયો હતો. દેશના રક્ષણ માટે માત્ર 25 વર્ષની ઉંમરે તેઓ શહીદ થયા હતા. કેપ્ટન નિલેશ સોનીએ માઇનસ 60 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 12 ફેબ્રુઆરી 1987ના રોજ પાકિસ્તાની સેના સામે લડતા 25 વર્ષની વયે શહાદત વ્હોરી હતી.કેપ્ટન સોની શહીદ થયાં તે સિયાચેનની ચંદન પોસ્ટની માટી લેવા માટે પરિવારજનોએ આર્મીના સીડીએસને પત્ર લખીને રજૂઆત કરી હતી. ત્યારે જુલાઇ-2021માં સન્માન સાથે ચંદન પોસ્ટની માટી પરિવારને આપી હતી.

જણાવી દઇએ કે, અમદાવાદના અંજલિ-ચંદ્રનગર બીઆરટીએસ રોડ ઉપર ક્લિયર વિઝન હોસ્પિટલ પાસે આવેલ શહીદ કેપ્ટન નિલેશ સોનીના શહીદ સ્મારક ખાતે તેમની 35 માં બલિદાન દિવસ નિમીતે આજે સવારે શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખેલ છે.

Author : Gujaratenews