ગુજરાત સરકારે ગત મહિને આવેલા વિનાશક વાવાઝોડા તાઉ તેથી અસર પામેલા માછીમારો માટે રૂપિયા 105 કરોડનું રાહત પેકેજ ( relief package )જાહેર કર્યુ છે. આ પ્રકારનું રાહત પેકેજ પ્રથમવાર જાહેર કર્યુ હોવાનું ગુજરાત સરકારે દાવો કર્યો છે.મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં, ગુજરાત સરકારની મળેલી કોર કમિટીની બેઠકમાં, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા માછીમારો માટે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે.
જે માછીમારની બોટ અંશત નુકસાન પામી હોય અથવા જાળ કે અન્ય સાધન સામગ્રીને નુકસાન થયુ હોય તો નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000ની સહાય આપવામાં આવશે. પરંતુ આ બેમાંથી જે ઓછું હોય તે જ માછીમારને સહાયરૂપે આપવામાં આવશે.જો માછીમારની નાની બોટ સંપૂર્ણ નુકસાન પામી હોય તો, નુકસાનના 50 ટકા અથવા 75000ની સહાય. આ બેમાંથી જે ઓછુ હશ તે ચૂકવવામાં આવશે.આ ઉપરાંત ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટ અશંત નુક્સાન થયુ હોય અને જો, માછીમાર બેંકમાંથી રૂપિયા 5 લાખ સુધીની લોન લે, તો તેના ઉપર 10 ટકા સુધી વ્યાજ સહાય, લોન લે ત્યારથી 2 વર્ષ સુધી ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
જ્યારે પૂર્ણ કક્ષાના નુકસાનના કિસ્સામાં, તેની કિંમતના 50 ટકા અથવા તો રૂપિયા પાંચ લાખ, આ બેમાંથી જે ઓછુ હશે તે ઉચ્ચક સહાય ચૂકવાશે. જો માછીમાર રૂપિયા 10 લાખ સુધીની લોન મેળવે તો, 2 વર્ષ સુધી, ઘટતી જતી રકમ ઉપર 10 ટકા વ્યાજ સહાય સરકાર ચૂકવશે. મત્સ્ય બીજ, ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે ઈનપુટ સબસીડીરૂપે સહાય અપાશે. નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ.2000ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવાશે. દરિયાકાંઠાના જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા, શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા માળખાકીય નુક્સાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં રૂ. 80 કરોડનો ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
20-Aug-2024