કેબિનેટ મીટિંગના નિર્ણય : ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી, મહાકાલી નદી પર પુલ બનશે
07-Jan-2022
PM મોદીની આગેવાનીમાં કેબિનેટની મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોની માહિતી આપતાં કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે. તેના પર સરકાર ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જેમાં ૩૩ ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે.
અનુરાગ ઠાકુરે જાણ કરી હતી કે બીજા તબક્કામાં ૭ રાજ્ય ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરલ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાનમાં ૧૦,૭૫૦ સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ થશે. પ્રથમ તબક્કાનું લગભગ ૮૦ ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું છે.
મહાકાલી નદી પર પુલ બનશે
ભારત અને નેપાળ વચ્ચે મહાકાલી નદી પર ચારચૂલામાં (ઉત્તરાખંડ) પુલ બનાવવામાં આવશે. આ માટે નેપાળની સાથે ટૂંક સમયમાં જ MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ - સમજૂતી કરાર) પર હસ્તાક્ષર કરવામાં આવશે. પરિણામે ઉત્તરાખંડની સાથે નેપાળમાં રહેનારા લોકોને પણ લાભ થશે.
ગ્રીન એનર્જીના બીજા તબક્કાને મંજૂરી
દેશના કુલ વીજળીના ઉત્પાદનમાંથી ૭૦ ટકા કોલસાથી આવે છે પણ કોલસા ભંડાર મર્યાદિત છે. આ માટે સરકાર દેશમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. હવે સરકારે તેના બીજા તબક્કાને મંજૂરી આપી છે. ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સોલાર અને પવન ઉર્જા જેવા નેચરલ સોર્સથી મળનારી વીજળીને ગ્રીડ મારફતે પારંપરિક વીજળી સ્ટેશનોની મદદથી ગ્રાહકો સુધી પહોચાડવી છે. ગ્રીન એનર્જીથી પ્રાપ્ત વીજળીના ઉપયોગ માટે મંત્રાલયે ૨૦૧૫-૧૬ માં ઈન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેમાં ૮ રાજ્ય તામિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશ સામેલ છે. સરકાર હવે તેનો વ્યાપ વધારીને કોલસાથી ઉત્પાદિત વીજળીનો હિસ્સો ઘટાડવા માંગે છે, જેથી પર્યાવરણને વધુથી વધુ લાભ મળે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024