મોરબીમાં 200 લોકોના મોતનો ઝુલો તૈયાર કરનાર ઓરેવા કંપની અને દેવપ્રકાશ સોલ્યુસનનો વાળ પણ વાંકો ન થયો, માત્ર નવ પગારદારની ધરપકડ

01-Nov-2022

મોરબી 43 વર્ષ પછી મોતના ભયાવહ તાંડવનું સાક્ષી બન્યું છે. ઝૂલતો પુલ તૂટવાથી અત્યાર સુધીમાં સત્તાવાર 134ના મોત નીપજ્યાં છે. મોતનો આંકડો 190ને પાર કરશે એવી આશંકા છે. મૃતકોમાં 50થી વધુ બાળકો છે. આશ્ચર્ય અને દુઃખ એ વાતનું છે કે જે મોટા ચહેરા આ ભયાવહ દુર્ઘટના માટે જવાબદાર છે તેમને બચાવવાનો ખેલ શરૂ થઈ ગયો છે. ઘટના બાદ પોલીસે એફઆઇઆર તો નોંધી છે પણ આ એફઆઇઆરમાં પુલનું સંચાલન કરનાર ઓરેવા ગ્રૂપનો ઉલ્લેખ નથી તથા રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશનનું નામ પણ નથી. સાથે જ નગરપાલિકાના એન્જિનિયર્સનું નામ પણ ગાયબ છે. જે 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે તેમાં 2 મેનેજર, 2 રિપેરીંગ કરનાર કારીગર, 3 સિક્યોરિટી ગાર્ડ અને 2 ટિકિટ ક્લાર્ક સામેલ છે.

રવિવારે બપો૨ સુધી ધમધમતું મોરબી, સાંજે કુદરતની એક થપાટથી શાંત થઇ ગયું હતું, જે શાન ગણાતો હતો એ ઝૂલતો પુલ ધરાશાયી થયો અને પુલ પર રહેલા 350થી વધુ લોકો નદીમાં ખાબક્યા, ગુજરાત જ નહીં દેશભરમાં આ ઘટનાથી સોંપો પડી ગયો હતો, એનડીઆરએફની ટીમ સહિતનો કાફલો લોકોને બચાવવા જીવ સટોસટની બાજી લગાવી રહ્યો હતો, પરંતુ કેટલા લોકો ડૂબ્યા, કોણ બચી ગયા કોની જિંદગી પૂરી થઇ ગઇ, આ વિચારે મોરબીવાસીઓને સ્તબ્ધ કરી દીધો હતો. નદીમાંથી એનડીઆરએફની ટીમ એક પછી એક મૃતદેહ બહાર કાઢી રહી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાતા હતા.

નદીથી હોસ્પિટલ સુધી સાઇરન સાથે જતી એમ્બ્યુલન્સનો અવાજ મોરબીમાં આખી રાત ગુંજ્યો હતો, અને એ પણ દર દશ મિનિટે એક એમ્બ્યુલન્સ પસાર થતી હતી. આ અવાજથી મોરબીવાસીઓ ડરી ગયા હતા તેમને ફાળ પડી હતી, ક્યારે આ અવાજ બંધ થશે, ક્યારે સારા સમાચાર મળશે કે મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવાયા છે મૃત્યુઆંક નાનો છે તેવા શબ્દો સાંભળવા લોકો આતુર બન્યા હતા અને હોસ્પિટલ કેમ્પસમાં ઉમટી પડ્યા હતા.

મો રબીના ઐતિહાસિક ઝૂલતાં પુલની દુર્ઘટનામાં મરણાંક 134 થયો છે. ઝૂલતા પુલને 7 મહિના બંધ રાખીને રિનોવેશન કરવાનુ કામ દેવપ્રકાશ સોલ્યુશન ધ્રાંગધાને અપાયુ હતું જ્યારે પુલ બની ગયા બાદ તેને સંચાલન કરવાની જવાબદારી ઓરેવા ગ્રુપની હતી. આ પુલ ક્યાંથી તૂટ્યો તેની તપાસ કરતા દરબારગઢ તરફના છેડે બે પાયા બનાવેલા છે અને તેના પર એન્કર પીન એટલે કે લોખંડનું સ્ટ્રક્ચર અને કેબલ જેના પર બાંધવામા આવે છે તે પીન તૂટી ગઈ અને એકતરફનો ભાગ નબળો પડતા જ આખો પુલ ધરાશાયી થઈ ગયો.

બ્રિજની એન્કર પિન કેવી રીતે તૂટી તેની તપાસ કરવા માટે નિષ્ણાત સ્ટ્રક્ચર એન્જિનિયર તેમજ સ્થાનિક ઈજને૨ો પાસેથી માહિતી મેળવાઈ હતી જેમા જાણવા મળ્યું હતુ કે, ઝૂલતા પુલની બંને બાજુએ બે બે એન્કર પિન હતી. આ પીન સાથે જ પુલનુ જોડાણ કર્યુ હોય છે અને તે પાયો ગણાય છે. રિનોવેશન કરાયુ ત્યારે આ એન્કર પિનને અવગણાઈ હતી. જૂના પુલનો પાયો કેટલો મજબૂત છે અને તેમાં કેટલુ કામ કરવાનુ છે તેની તરફ ખર્ચ કરવાને બદલે માત્ર શણગાર પર જ ધ્યાન આપી દેવાયુ હતું.

કમિટીએ 25 મિનિટમાં ઇન્સ્પેક્શન પૂરુંકરી દીધું: સ૨કારે તપાસ માટે 5 અધિકારીઓની કમિટીની રચના કરી છે. પણ આ કમિટીએ મોરબીમાં માત્ર 25 મિનિટમાં જ ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરી દીધી હતી.

- કોણ છે ઓરેવા ગ્રુપ: મુખ્યત્વે વૉલ ક્લોક, એલઇડી બલ્બ અને ઇલેક્ટ્રીક વ્હીકલનો બિઝનેસ કરતા ઓરેવા ગ્રુપનું ટર્નઑવર 800 કરોડ રૂપિયા છે. કંપનીના માલિક જયસુખ પટેલના ભાજપના નેતાઓ સાથે ગાઢ સંબંધો હોવાનું કહેવાય છે.

 

 

Author : Gujaratenews