વાવાઝોડાને પગલે સુરતમાં 10 કરોડથી વધુની સોલર પેનલો ધ્વસ્ત થઈ

19-May-2021

ગુજરાતમાં દીવના ગંગેશ્વર મહાદેવ ફુદમ ગામે સરકારના સોલાર પ્રોજેક્ટને કરોડોનું નુકસાન થયું છે.

સુરત : વાવાઝોડાની સૌથી વધુ સ્પીડ પ્રતિ કલાકે 86 કિમીની નોંધાઈ હતી. સુરતમાં વાવાઝોડાના પગલે જિલ્લા કલેક્ટરાલય તંત્ર દિવસ રાત ધમધમતુ રહ્યું હતું અને કલાકો પ્રમાણે વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવાતો હતો. બુધવારે સાંજ સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 361 વૃક્ષો ધરાશાયી થવાની સાથે 141 ગામો અને શહેરી વિસ્તારની લાઈટ ડુલ થઈ જતા અંધાર પટ છવાયો હતો. તો 60થી વધુ રસ્તાને ભારે નુકસાન થયું હતું. ગુજરાતમાં દીવના ગંગેશ્વર મહાદેવ ફુદમ ગામે સરકારના સોલાર પ્રોજેક્ટને કરોડોનું નુકસાન થયું છે. સાથે જ લોકલ સોલાર ડિસ્ટિબ્યુટર પાસેથી જાણવા મળ્યું છે કે, સુરત શહેરમાં સોલાર પેનલની વાત કરીએ તો આશરે 10 કરોડથી વધુ પેનલો ઉપરથી પટકાઈને જમીન પર ધ્વસ્ત થઈ હતી. આ ઉપરાંત ડુમસમાંં દોડતી કાર ઉપર વડનું વૃક્ષ પડ્યું હતું. જોકે ચાલક બચી ગયા હતા.

તાઉતે વાવાજોડાની અસર સુરત શહેર અને જિલ્લા મધરાતથી શરૂ હતી. જેની સાથે વૃક્ષો, ધરાશયી થયા હતા. જેમાં હજારો પક્ષીઓના જીવ પણ ગયા છે. એકમાત્ર સચિન જીઆઇડીસીમાં 60થી વધુ વૃક્ષો, એક ડઝન વીજપોલ તુટી પડતા એકમો બંધ રાખવા પડ્યા હતા. પતરાના શેડ ઉડ્યા હતા. વીજળીના થાંભલા, કાચા મકાનો, ઝૂંપડા પણ ધસમસતા પવનમાં દૂર ફંગોળાયા હતા. 10થી વધુ મોટા વાહનો દબાયા હતા. 

સુરતમાં 18 કલાકમાં મહિનાનો વરસાદ, 104 વર્ષ પહેલા મેમાં પાંચ ઇંચ વરસ્યો હતો

1917માં 128 મીમી આખા મહિનાનો વરસાદ 2021માં 18 કલાકમાં 162 મીમી વરસાદ પડ્યો

 

સુરત શહેર જિલ્લાનો નુકસાનનો રિપોર્ટ
વીજ થાંભલા 141
વૃક્ષો 361
બંધ રસ્તા 63
વીજળી ડુલ 135
ખાનગી ઇમારતો 46
કાચા, મકાનો ઝૂંપડા 154
સરકારી ઇમારત 64

 આ તમામ નુકસાનીનો તાગ મેળવીને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટરમાં જે રિપોર્ટ રજૂ કર્યો હતો, આ રિપોર્ટ પ્રમાણે બુધવાર મોડી સાંજ સુધીમાં સુરત શહેરના 20 વિસ્તારો અને 115 ગામો મળીને કુલ 135 એરિયામાં અંધારપટ છવાયો હતો. જેમાં મોડી સાંજ સુધીમાં 5 શહેરી વિસ્તારો અને મહુવાના ચાર ગામોમાં વીજ પુરવઠો શરૂ થઈ શક્યો હતો. બાકીના ગામોમા કામગીરી ચાલી રહી હતી. સરકારી મિલકતો તેમજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ, ટ્રાફિક આઇલેન્ડ મળીને 64 મિલકતોને નુકસાન પહોંચ્યું હતું.

Author : Gujaratenews