મોંઘવારીના કેર વચ્ચે થોડી રાહતઃ એલપીજી સિલિન્ડર ૧૨૨ રૂપિયા સસ્તો થયો

02-Jun-2021

ન્યુ દિલ્હી : 

સરકારે એલપીજી સિલિન્ડરને લઈને થોડી રાહત આપી દીધી છે. સરકારે ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૧૨૨ રૂપિયાનો ઘટાડો કર્યો છે.

નવા રેટ ૧ જૂનથી લાગુ થઈ ગયા છે. ૧૪.૨ કિલોગ્રામવાળા ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. અગાઉ ૧ મેના રોજ પણ એની કિંમતમાં ૪૫.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

નવેમ્બરમાં દિલ્હીમાં સબસડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત ૫૯૪ રૂપિયા હતી. ૧ ડિસેમ્બરના રોજ એની કિંમત વધીને ૬૪૪ રૂપિયા થઈ ગઈ હતી.

૧૫ ડિસેમ્બરે ૫૦ રૂપિયાના વધારાની સાથે એની કિંમત ૬૯૪રૂપિયા થઈ ગઈ હતી. ૪ ફેબ્રુઆરીના રોજ કિંમત ૨૫ રૂપિયા વધીને ૭૧૯ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ હતી. ત્યાર બાદ ૧૫ ફેબ્રુઆરીએ ફરીથી સિલિન્ડરદીઠ ૫૦ રૂપિયા વધારવામાં આવ્યા હતા.

 

૨૫ ફેબ્રુઆરીએ પ્રતિ સિલિન્ડર ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ૧ માર્ચના રોજ ૨૫ રૂપિયાના વધારા બાદ સિલિન્ડરની કિંમત ૮૧૯ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ૧ એપ્રિલના રોજ ૧૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે ડિસેમ્બરથી અત્યારસુધી ઘરેલુ ગેસ-સિલિન્ડર કિંમતમાં ૨૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.

Author : Gujaratenews