તાઉ તે વાવાઝોડાની વિદાય બાદ ગિર સોમનાથના ઊના શહેરમાં હવે નુકસાનીની વિગતો સામે આવી રહી છે. આખા શહેરમાં 3 દિવસથી અંધારપટ્ટ છે. હવે લોકોને જીવન જીવવા માટેનો સંઘર્ષ કરવો પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.
દરમ્યાન ગિર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ ઊના પહોંચ્યા હતા. અને તમામ વિભાગોના અધિકારીઓની બેઠક યોજી યુદ્ધના ધોરણે રાહત કામગિરી હાથ ધરવા સુચના આપી હતી. ઊનામાં જુદા જુદા પ્રકારની ફિલ્ડ ડ્યુટી માટે વહિવટી તંત્રએ 500થી વધુ કર્મચારીઓને કામે લગાડ્યા છે. જેમાં વીજ કર્મીઓથી લઇને પવડી, પાણી પુરવઠા, મહેસુલી સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. ખાનાખરાબી બાદ પેટ્રોલ પંપ શરૂ થતાંજ વાહનોની લાંબી કતાર શરૂ થઇ છે. તો જે લોકો જનરેટર ધરાવે છે તેઓ પણ ડીઝલ-પેટ્રોલ લેવા માટે કેરબા સાથે લાઇન લગાવીને ઉભા છે. 3 દિવસથી લાઇટ ન હોઇ લોકોના મોબાઇલ ફોન પણ ડિસ્ચાર્જ થઇ ગયા છે. આથી તેઓ પણ જનરેટર શોધવા લાગ્યા છે. તો પીવાના પાણી માટેની પણ લાઇનો લાગી છે. જે ઘરોમાં પાણીના બોર છે ત્યાં હેન્ડ પંપ હોય તો પાણી મળે છે. પણ જેમણે મોટર મૂકી છે તેઓને લાઇટ વિના પાણી ન મળતું હોઇ તેઓને પણ લાઇનમાં ઉભવાનો વારો આવ્યો છે. જોકે, જેમણે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવ્યા છે તેઓને પીવાનું પાણી મળી
રહે છે.
દરમ્યાન ઊના નગરપાલિકા પ્રમુખ, પદાધિકારીઓ તેમજ તમામ સભ્યો અને પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડે પાલિકાના કર્મચારીઓ પાસે તમામ સોસાયટી વિસ્તારોમાં રસ્તા પર ઝાડ અને વીજ થાંભલા પડી ગયા હોઇ ખુલ્લા કરાવવાનું શરૂ કરી દીધું છે. તો ઊના-ગીરગઢડા રોડ પર આવેલી ખેડૂતો માટેની કોટન જીનીંગ મિલમાં આશરે 15 કરોડનું નુક્સાન થયું છે. જેમાં કપાસ, તૈયાર થયેલી ગાંસડી, મશીનરી, શેડ, બિલ્ડિંગ, સહિતને નુક્સાન થયું છે.
દિવ | તાઉ તેની જોરદાર થપાટ દિવને પણ વાગી છે. રમણિય ગણાતા દિવમાં ઠેર ઠેર માત્ર ખાનાખરાબી જોવા મળે છે. જેને પગલે જનજીવન ભારે પ્રભાવિત થઇ ગયું છે. અહીં પણ ઊનાની માફક 3 દિવસથી અંધારપટ્ટની સ્થિતી છે. દિવ એરપોર્ટની 2 મોટી દિવાલ ધરાશાયી થઇ જતાં રનવે ખુલ્લો થઇ ગયો છે. આથી તેનું રીપેરીંગ તાકીદે શરૂ કરાયું છે. તો દિવ પ્રશાસને કરોડો રૂપિયાના ખર્ચે મલાલા ગામે બનાવેલા સોલાર પ્લાન્ટની પેનલોનો પણ ખુડદો બોલી જતાં મોટું આર્થિક નુકસાન થવા સાથે હાલ પૂરતી તેમાંથી વિજળી મળવાનું પણ બંધ થયું છે. સોલાર પ્લાન્ટ પેનલનું હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, હાલ કેટલું નુકસાન છે એનો અંદાજ લગાવાયો નથી. તો દિવ બંદરે લાંગરેલી 50 ફિશીંગ બોટ પણ વિકરાળ દરિયાઇ મોજાંની થપાટથી એકબીજા સાથે અથડાઇને તૂટી ગઇ છે. અહીંની 2 બોટ અને 3 ખલાસી લાપત્તા છે. જેની શોધખોળ માટે હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવા બોટ માલિકોએ માંગણી કરી છે. નુકસાન પામેલી અને ટોટલ લોસ થયેલી બોટના માલિકોએ સરકાર પાસે બોટોના નુકસાન પેટે વળતરની પણ માંગણી કરી છે.
કોડીનાર તાલુકામાં 300થી વધુ વૃક્ષો હટાવાતાં 20 ગામોની અવરજવર શરૂ
કોડીનાર | શહેર અને તાલુકાભરમાં વાવાઝોડાથી 300 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. પરમ દિવસે રાતથી ગઇકાલ સાંજ સુધીમાં કોડીનાર, હરમડિયા, રોણાજ, ઘાટવડ, જામવાળા સુધીનો રોડ કોડીનાર મામલતદાર, પીડબલ્યુડીના કર્મચારી દ્વારા જેસીબીની મદદથી ઝાડ દૂર કરી રોડ ખુલ્લા કરાયા હતા. દરમ્યાન પીપળેશ્ચર મહાદેવ મંદિર ઉપર પૌરાણીક પીપળો પડ્યો હતો. ગાયકવાડ સ્ટેટ વખતની જૂની મામલતદાર ઓફીસ અને પોલીસ સ્ટેશનની જૂની જર્જરિત ઇમારતનો ઉપલો માળ પડ્યો હતો. જોકે, કોઈ જાનહાનિ થઇ નહતી. આ ઈમારતની પાસે એસબીઆઇ, પેટા તિજોરી કચેરી, સીટી સર્વે ઓફીસ, કોર્ટ, મહાદેવનું મંદિર,સરકારી ગેસ્ટ હાઉસ આવેલા છે. આ બધાની વચ્ચે આ જર્જરીત બિલ્ડીંગ ઉભું છે. વિઠ્ઠલપુર ગામે 60 જેટલાં મકાનોના નળિયાં ઉડવા, દીવાલો ધારાશાયી, ઘરવખરીને નુકસાનના બનાવ બન્યા છે. તો મોટાભાગના વૃક્ષ જડમૂળથી ઉખડી ગયા છે. 5 બકરા મૃત્યુ પામ્યા છે. ખેડૂતોને તમામ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. તો લગભગ તમામ માલઢોરના ઢાળિયાને નુકસાન થયું છે. ગામના સરપંચ દ્વારા આ અંગેનો સર્વે કર્યો છે.
ગિરના કાંસિયા નેસમાં ઝૂંપડા ઉડી ગયા, ખોળ પલળી ગયો
વિસાવદર | ગિર જંગલમાં જૂની વિસાવદર રેન્જ અને હવે ડેડકડી રેન્જનાં તમામ નેસમાં વાવાઝોડાને લીધે ભારે નુકસાન થયું છે. હાલ જોકે, માલધારી પરિવારોની મહિલાઓ અને બાળકોએ વન વિભાગના ખાલી ક્વાર્ટરમાં આશરો લીધો છે. દિવ્ય ભાસ્કરે ડેડકડી રેન્જનાં કાસિયા નેસની મુલાકાત લેતા તબાહીની વિગતો જાણવા મળી હતી. નેસના તમામ માલધારીના ઝુંપડા ભારે પવન સામે ઝીંક ઝીલી શક્યા નહોતા. ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી, માલઢોર માટેના ખોળની ગુણો પલળી ગઇ હતી. સાથે બધો ઘાસચારો પણ પશુઓને ખવડાવવા લાયક નથી રહ્યો. માલધારીઓને પૂછતાં તેઓએ કહ્યું કે, ઝૂંપડા પડી જતાં મહિલાઓ અને બાળકો વનવિભાગના ખાલી ક્વાર્ટરમાં રહેવા જતા રહેતા જાનમાલની નુકસાની નથી થઇ. જોકે, માલધારીઓએ રોષપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે,વનવિભાગ બેલાનું પાકું ચણતર કરવા દેતો આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અમુક માલધારીઓ ડર સાથે જણાવે છે કે, ગીરના નેસડા પાસે વન કર્મચારીઓને રહેવા માટે વન વિભાગ પાકા મકાનો બનાવી આપે છે. પણ અમારા અહીં કાયમી વસવાટ કરતા માલધારીઓ માટે પાકા મકાન બનાવવાની મંજૂરી નથી મળતી. કાચા ઝુંપડા રિપેર કરવામાં પણ આડોડાઈ કરે છે. વન વિભાગ તો માલધારીઓને એમના ગુલામ જ ગણે છે. સરકાર પણ આજ સુધી ગિરનાં નેસમાં વસવાટ કરતા માલધારીઓની પરવા નથી કરતી. સરકાર ગિર નહીં દેખા તો કુછ નહીં દેખા એવી વાતો કરીને મોટી મોટી કમાણી કરે છે. પણ તે ગીરના નેસડામાં માલધારીઓ કેવી સ્થિતિમાં રહે છે એ નથી જોતી.
ઊનામાં 287, ગિરગઢડામાં 526 પશુનાં મોત : વાવાઝોડાને લીધે ઊના અને આસપાસના વિસ્તારોમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં જેવા કુલ 287 માલઢોરના મોત થયા છે. જ્યારે ગિર ગઢડા તાલુકામાં 526 પશુના મોત થયાનું પણ જાણવા મળ્યું છે.
40 હજાર સોલાર પેનલનો બુકડો બોલી ગયો : ઊનાના એલમપુર ગામે સોલાર પ્લાન્ટમાં 40 હજાર સોલાર પેનલનો બુકડો બોલી જતાં કરોડોનું નુક્સાન થયું છે.
6 હજાર ગુણી ખાતર પલળી ગયું: ઊના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ગોડાઉનના પતરા ઉડી જતાં 6 હજારથી વધુ ગુણી ખાતર પલળી જતાં સંઘને આશરે 70 લાખથી વધુનું નુકસાન થયું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024