સુરતમાં જન્મ મરણના દાખલા ઓનલાઇન કર્યા

06-May-2021

સુરત, ગુરૂવાર:  જન્મ-મરણ નોંધણી અધિનિયમ-૧૯૬૯ હેઠળ જન્મ કે મરણનો બનાવ જે વિસ્તારમાં બન્યો હોય તે જ વિસ્તારના રજીસ્ટ્રાર(જન્મ-મરણ)ને જાણ કરી બનાવની નોંધણી કરાવવી ફરજિયાત છે. જો જન્મ કે મરણનાં બનાવ હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર વગેરે ખાતે બને તો સંબંધિત રજીસ્ટ્રાર(જન્મ-મરણ)ને જાણ કરી બનાવની નોંધણી કરાવવાની જવાબદારી જે તે સંસ્થાના ઇન્ચાર્જ અધિકારીની છે તેમજ જો ધરે જન્મ કે મરણના બનાવ બને તો તેની બનાવની નોંધણી કરાવવાની જવાબદારી કુટુંબના વડાની હોય છે.

હાલની કોવીડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લેતાં જન્મ કે મરણનાં પ્રમાણપત્ર મેળવવા માટે લાઈનમાં ઉભા ન રહેવું પડે તે માટે તેમજ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે SMS link મારફત જન્મ મરણનાં પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટેની વ્યવસ્થા રાજ્ય સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જે મુજબ જન્મ મરણના બનાવની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે એપ્લીકેશન નંબર દાખલ કરવાથી કોમ્પ્યુટરાઈઝડ બારકોડ અને ક્યુઆરકોડ સાથેનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે. વધુમાં નોંધાયેલ જન્મ કે મરણ ઓનલાઈન પ્રમાણપત્ર વેબલિંક https://eolakh.gujarat.gov.in/DownloadCertificate_Citizen.aspx પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

વધુમાં હોસ્પિટલો દ્વારા કે કુટુંબના વડા દ્વારા જન્મ કે મરણનાં બનાવની નોંધણી કરવામાં આવે ત્યારે અવશ્ય મોબાઈલ નંબર સાચો આપવો જેથી આ નંબર પર આવતા મેસેજની આધારે સરળતાથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય.

Author : Gujaratenews