ડ્રેઝની ભારતને ચેતવણી : આજીવિકાની ગંભીર કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે

13-May-2021

Jean Dreze, a renowned Belgian-born Indian economist

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે ભારત ભરણપોષણની ગંભીર કટોકટી ભણી હડસેલાઇ રહ્યું હોવાથી કામદાર વર્ગ માટે કપરો કાળ આવી રહ્યો છે અને સ્થાનિક લોકડાઉનને કારણે તેમની સ્થિતિ વણસી રહી હોવાની ચેતવણી અર્થશાસ્ત્રી જ્યાં ડ્રેઝે એક મુલાકાતમાં આપી છે. 

તેમણે સરકારના ભારતને પાંચ ટ્રિલિયનડોલરની ઇકોનોમી બનાવવાના લક્ષ્યાંકને અવ્યવહારું ગણાવી ઉમેર્યું હતું કે ભારતીય ભદ્ર વર્ગની આ એક સુપર પાવર મહત્વાકાંક્ષા માત્ર છે. ભારતીય અર્થતંત્ર પર કોરોના મહામારીના બીજા મોજાની અસ અસર બાબતે ડ્રેઝે જણાવ્યું હતું કે કામદાર વર્ગ તો ગયા વર્ષે જ્યાં હતો આજે પણ ત્યાં જ છે. તેની સ્થિતિમાં કશો ફરક પડયો નથી. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકડાઉનની અસર રાષ્ટ્રીય લોકડાઉન જેટલી વિનાશક નથી પણ અમુક બાબતે કામદાર વર્ગની હાલત ગયા વર્ષની સરખામણીમાં વધારે કથળી છે. 

જ્યાં ડ્રેઝે જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ફેલાવાનો ડર એટલો વ્યાપક બન્યો છે કે આર્થિક પ્રવૃત્તિને ફરી શરૂ કરવાનું મુશ્કેલ બની રહેશે. સામૂહિક રસીકરણ છતાં વર્ષો સુધી આ કોરોના મહામારીની કટોકટીનો સામનો કરવો પડે તેેવી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે બચત અને ઉધાર લઇને ટકી રહેલાં લોકો માટે આ વર્ષે ટકી રહેવું વધારે મુશ્કેલ બન્યું છે. ગયા વર્ષે તો સરકારી રાહત પેકેજની જાહેરાત થઇ હતી પણ આ વર્ષે કોઇ તેની વાત કરવા પણ તૈયાર નથી. હવે સ્થાનિક લોકડાઉન રાષ્ટ્રીય લોકડાઉનમાં ફેરવાશે તો આપણે ગંભીર ભરણપોષણની કટોકટીનો સામનો કરવો પડશે.  આરોગ્ય ક્ષેત્રની લાંબા સમયથી ઉપેક્ષા કરવાની કિંમત હાલ દેશ ચૂકવી રહ્યો છે. આરોગ્ય કરતાં પણ જીવનની ગુણવત્તા વધારે મહત્વની છે. આમ છતાં દાયકાઓથી સરકારોએ જીડીપીની માંડ એક ટકો રકમ જાહેર આરોગ્ય માટે ફાળવી છે.  

Author : Gujaratenews