તાઉ તે વાવાઝોડાથી 13ના મોત, 69,429 વીજ થાભલા તુટી જતા 5951 ગામમાં અંધારપટ, 674 રસ્તાઓ બંધ, 19મી મેથી હાથ ધરાશે નુકસાનીનો સર્વે

18-May-2021

Taukteથી 13ના મોત, વીજ થાભલા તુટી જતા 5951 ગામમાં અંધારપટ

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની સ્થિતિ નબળી પડ્યા બાદ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તાઉ તે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલી 122 કૉવિડ હૉસ્પિટલ પૈકી 83 હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે અગાઉથી તમામ હોસ્પિટલોમાં જનરેટર સેટ અને ડીઝલની વ્યવસ્થા કરી રાખી હોવાથી વીજ પુરવઠામાં અવરોધ સર્જાયો ન હતો. કે તેના કારણે સારવારમાં પણ કોઈ વિક્ષેપ ઉભા નહોતો થયો.

 

તાઉ તે વાવાઝોડાને કારણે, સૌથી વધુ અસર ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં થવા પામી હતી. આ જિલ્લાઓમાં ઉનાળુ પાકને બદલે કેરી અને નાળીયેરી જેવા બાગાયતી પાકને ભારે નુકસાન થયુ છે.

 

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાને કારણે રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે. 220 કેવી ના પાંચ વીજ સબસ્ટેશન અને 66 કેવીના 165 સબ સ્ટેશનને અસર થઇ હતી. રાજ્યમાં 69,429 વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે તૂટી ગયા છે. વૃક્ષ પડવાથી ગુજરાતના 674 રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ થઈ ગયા હતા. જે પૈકી 562 રસ્તાઓ પરના વૃક્ષ હટાવી દઈને માર્ગ વ્યવહાર પૂર્વવત થઇ ગયો છે.

 

તાઉ તે વાવાઝોડુ મંગળવારે રાત્રે નબળુ પડીને ડિપ્રેશન સ્વરૂપે ઉતર ગુજરાતના બનાસકાંઠાથી પસાર થઈ ગયુ હતું.

ગુજરાતમા તાઉ તે વાવાઝોડાએ મચાવેલી તબાહીમાં 13 લોકોના મોત નિપજ્યા છે તો 69429 વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે ઉખડી જતા, 5951 ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો. જાહેર માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થવાને કારણે 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. બાગાયાતી પાકને ભારે નુકસાન થયુ છે. તો તાઉ તે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની કામગીરી 19મી મે બુધવારથી જ હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું છે.

 

વાવાઝોડા અને વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ રોગચાળો ના ફાટી નિકળે તે માટે આવતીકાલ 19મી મેથી જ સફાઈ અભિયાન હાથ ધરાશે. જેમાં સુરત, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારોને મોટી સંખ્યામાં જોડી દેવાશે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં આવતીકાલ 19મી મેથી જ નુકસાનીના સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે. જેમા પ્રાથમિક તબક્કે મકાનો, કૃષિ, પશુપાલન અને મત્સ્યોધોગ ક્ષેત્રે જે નુકસાન થયું છે તેનો સર્વે હાથ ધરાશે.

 

 

Author : Gujaratenews