ન્યૂઝ પેપરના નામે દિવ્ય ભાસ્કર જૂથની રૂ. ૩,૫૦૦ કરોડની હેરાફેરી, જેમાં 1200 કરોડના સોનાના ઘરેણાં હોવાની ચર્ચા
27-Jul-2021
નવી દિલ્હી : આઈટી વિભાગે ભાસ્કર જૂથની કાળી કુંડળી ખોલી નાખી છે. ન્યૂઝ પેપરના નામે ભાસ્કર જૂથની રૂ. ૩,૫૦૦ કરોડની હેરાફેરી બહાર આવી છે. જેમાં 1200 કરોડના તો સોનાના ઘરેણાં હોવાની બજારમાં ચર્ચા ચાલી રહી છે. ઈન્કમટેક્સ વિભાગે આ સપ્તાહે નવથી વધુ શહેરોમાં ભાસ્કર જૂથના પરિસરો પર પાડેલા દરોડામાં રૂ. ૨,૨૦૦ કરોડની બેનામી સોદા મળી આવ્યા હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)એ શનિવારે કહ્યું હતું. તેણે ઉમેર્યું કે, આવકવેરા વિભાગે ૨૨મી જુલાઈએ ભોપાલ, ઈન્દોર, દિલ્હી, અમદાવાદ, નોઈડા સહિત નવ શહેરોમાં ભાસ્કર જૂથની ઓફિસો, રહેણાંક પરીસરો પર દરોડા પાડયા હતા. આ સંદર્ભમાં વધુ તપાસ ચાલુ છે. દરોડામાં વ્યાપક પ્રમાણમાં મળેલા દસ્તાવેજોની ચકાસણી થઈ રહી છે.
મીડિયા જૂથે કર્મચારીઓના નામે બેનામી કંપનીઓ ખોલી છ વર્ષમાં કરોડોની કરચોરી કરી, સેબીથી માંડીને ઈન્કમ ટેક્સ સુધીના સાતથી વધુ કાયદાઓનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. સીબીડીટીએ શનિવારે જાહેર કરેલા નિવેદનમાં જૂથનું નામ જાહેર કરાયું નહોતું, પરંતુ સત્તાવાર સૂત્રોએ ભાસ્કર જૂથ પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. વાર્ષિક રૂ. ૬,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતું આ મીડિયા જૂથ મીડિયા, પાવર, ટેક્સટાઈલ્સ અને રીયલ એસ્ટેટ સહિત વિવિધ સેક્ટર્સમાં ફેલાયેલું છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, મુંબઈ, અમદાવાદ, દિલ્હી, ભોપાલ, ઈન્દોર, નોઈડા સહિત નવ શહેરોમાં ભાસ્કર જૂથના ૨૦ રહેણાંક અને ૧૨ વ્યાપારિક સંસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
સીબીડીટીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, મીડિયા જૂથ હોલ્ડિંગ અને સબસિડરી સહિત ૧૦૦થી વધુ કંપનીઓ ધરાવે છે. તપાસ દરમિયાન જણાયું છે કે જૂથ કર્મચારીઓના નામે ચાલતી બનાવટી કંપનીઓનો ઉપયોગ નાણાંની હેરાફેરી સહિત અનેક હેતુઓ માટે તેમજ લિસ્ટેડ કંપનીઓમાંથી નફાને અન્યત્ર ડાયવર્ટ કરવા, ભંડોળની હેરાફીર માટે કરતું હતું. ખોટા ખર્ચાઓ મેનપાવર, પરીવહન, લોજિસ્ટિક્સ અને સિવિલ વર્ક્સ તથા બનાવટી સોદાઓ સ્વરૂપે દર્શાવાયા હતા. આ મોડસ ઓપરેન્ડીના ઉપયોગથી છ વર્ષમાં અંદાજે રૂ. ૭૦૦ કરોડની કરચોરી કરવામાં આવી છે. જોકે, કરચોરીનું પ્રમાણ વધી પણ શકે છે, કારણ કે ગ્રુપે અનેક સ્તરનો ઉપયોગ કર્યો છે અને નાણાંની હેરાફેરીની સંપૂર્ણ તપાસ ચાલુ છે.
સીડીબીટીએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ આ કેસમાં વિવિધ કંપની એક્ટની ચોક્કસ કલમો અને લીસ્ટેડ કંપનીઓ માટે સેબી દ્વારા સૂચિત લિસ્ટિંગ એગ્રીમેન્ટની કલમ ૪૯ના ભંગની તપાસ કરી રહ્યો છે. બેનામી ટ્રાન્ઝેક્શન પ્રોહિબિશન એક્ટની પણ તપાસ થઈ રહી છે. ગ્રુપની રીયલ એસ્ટેટ કંપની એક મોલ ચલાવે છે અને તેણે રાષ્ટ્રીયકૃત બેન્ક પાસેથી રૂ. ૫૯૭ કરોડની લોન મંજૂર કરાવી છે. આ સિવાય રૂ. ૪૦૮ કરોડ એક ટકાના નીચા વ્યાજદરે લોન સ્વરૂપે સહયોગી કંપનીઓમાં ડાયવર્ટ કરાયા છે. રિયલ એસ્ટેટ કંપનીએ તેના કરપાત્ર નફામાંથી વ્યાજનો ખર્ચ ક્લેમ કર્યો છે જ્યારે હોલ્ડિંગ કંપનીના વ્યક્તિગત રોકાણો માટે તેને ડાયવર્ટ કરાયા છે.
લિસ્ટેડ મીડિયા કંપની જાહેર ખબરની આવકો માટે 'બાર્ટર સોદા' પણ કરતી હતી જ્યારે વાસ્તવિક ચૂકવણીના બદલે અચલ સંપત્તિ મેળવવામાં આવે છે. આવી સંપત્તિઓના વેચાણના સંદર્ભમાં કેશ રિસિપ્ટ પણ મળી આવી હોવાના પુરાવા છે, જેની તપાસ ચાલી રહી છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન ગ્રુપના રિયલ્ટી એકમ દ્વારા ફ્લેટ્સના વેચાણ પર રોકડ વ્યવહાર થયો હોવાના પણ 'પુરાવા' મળ્યા છે. બે કર્મચારીઓ અને કંપનીના એક ડિરેક્ટર દ્વારા આ બાબતની પુષ્ટી પણ કરાઈ છે.
મોડસ ઓપરેન્ડી તેમજ તેને સંલગ્ન પુરાવાઓ પણ મળ્યા છે. રોકડ વ્યવહારોની ચોક્કસ માત્રાની તપાસ થઈ રહી છે. કર અધિકારીઓને પ્રમોટર્સ અને ગ્રુપના મહત્વના કર્મચારીઓના રહેણાંક પરિસરોમાંથી ૨૬ લોકર્સ પણ મળી આવ્યા છે. વધુમાં દરોડા દરમિયાન વ્યાપક પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા છે, જેની તપાસ ચાલુ છે.
પોતાના નામે કંપનીઓ ખોલાઈ હોવા અંગે કર્મચારીઓ અજાણ ભાસ્કર જૂથ તેના કર્મચારીઓના નામે કેટલીક કંપનીઓનું સંચાલન કરે છે, જેનો ઉપયોગ 'ખોટા' ખર્ચા દર્શાવવા અને નાણાંની હેરાફેરી માટે થાય છે. તપાસ દરમિયાન કેટલાક કર્મચારીઓ જેમના નામનો ઉલ્લેખ શૅરધારકો અને ડિરેક્ટર્સ તરીકે કરાયો છે તેમણે કબૂલ્યું હતું કે તેમને આવી કંપનીઓ હોવા અંગે કોઈ માહિતી નથી અને તેમણે તેમના આધાર કાર્ડ અને ડિજિટલ સિગ્નેચર એમ્પ્લોયરને વિશ્વાસપૂર્વક આપ્યા હતા. સીબીડીટીએ દાવો કર્યો હતો કે, કેટલાક સંબંધીઓએ ઈરાદાપૂર્વક બનાવટી કંપનીઓના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ કંપનીઓની વ્યાપારિક પ્રવૃત્તિઓ પર તેમનું કોઈ નિયંત્રણ નહોતું તેમજ તેમને તે અંગે કોઈ માહિતી પણ નહોતી.
20-Aug-2024