તાઉ તે વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદ, સરકારે જાહેર કરેલા વિવિધ રાહત પેકેજ સંદર્ભે ચર્ચા વિચારણા

28-Jun-2021

ગુજરાતમાં તાજેતરમાં જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી બાદ, આજે 28મી જૂનના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ બેઠક યોજશે. આ બેઠકમાં સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની સમિક્ષા કરીવે લોક કલ્યાણકારી યોજનાઓ ઉપર ભાર મૂકવાની તાકીદ કરાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં આજે જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન બેઠક યોજશે. રાજ્યમાં ગત સપ્તાહે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની કરાયેલી બદલી બાદ, આ પહેલી બેઠક યોજાવાની છે.

જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથેની બેઠકમાં, કોરોના રોગચાળો, કોરોના સામે રક્ષણ આપનાર રસી માટે ચાલી રહેલા રસીકરણની ઝુંબેશ, ચોમાસાની સ્થિતિને ધ્યાને લઈને ડિઝાસ્ટર સંબધે, તેમજ તાઉ તે વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદ, સરકારે જાહેર કરેલા વિવિધ રાહત પેકેજ સંદર્ભે ચર્ચા વિચારણા થઈ શકે છે.

આ ઉપરાંત આજની બેઠકમાં, ગુજરાત સરકારે અંદાજપત્ર રજૂ કરતા સમયે જાહેર કરેલ નવી યોજનાઓના અમલીકરણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. કોરોનાને લઈને સરકારે વિવિધ ક્ષેત્રના લોકો માટે જાહેર કરેલ રાહત અંગેના પ્રગતિ અહેવાલ બાબતે પણ પૃચ્છા થઈ શકે છે. તો મહેસુલ વિભાગે હાથ ધરેલ સુધારણા કાર્યક્રમને આગળ ધપાવવા માટે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે.

આજની આ મહત્વ પૂર્ણ બેઠકમાં, ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી અને પ્રજાલક્ષી સેવાઓને ઓફલાઈનને બદલે, સરકારની વિવિધ સેવાઓને કેવી રીતે ઓનલાઈન કરી શકાય તેના ઉપર રૂપરેખા ઘડવામાં આવે તેવી સંભાવના છે. આ બેઠકમાં સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની સમિક્ષા કરીવે લોક કલ્યાણકારી યોજનાઓ ઉપર ભાર મૂકવાની તાકીદ કરાય તેવી સંભાવના છે.

Author : Gujaratenews