વાવાઝોડાથી અમરેલીમાં તબાહી: ઉનામાં 3 દિવસથી અંધારપટ, અમરેલીના 500થી વધુ ગામોમાં હજુ અંધારપટ, 100થી વધુ રસ્તા હજુ બંધ : બાબરા પંથકમાં વાવાઝોડાથી અંદાજે 600 ચકલીનાં મોત
20-May-2021
પહેલીવાર મે મહિનામાં ખોડીયાર ડેમના દરવાજા ખોલાયા તેની તસવીર, અમરેલીમાં તબાહીના દ્દશ્યો.
અમરેલીમાં વાવાઝોડાથી અત્યાર સુધીમાં 45, ઊના-ગીરગઢડામાં 9નાં મોત થઈ ચુક્યા છે.
અમરેલી : વાવાઝોડું વિત્યાના 36 કલાક બાદ અમરેલી જિલ્લામાં ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. 175 કિ.મીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ જિલ્લામાં 45 લોકોનો ભોગ લીધો છે. અને હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ખૂબ મોટી સંખ્યામાં પશુ અને પક્ષીઓ પણ મોતને ભેટયા છે. જિલ્લામાં હજુપણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. મોટી સંખ્યામાં લોકો લાપતા છે. આસોદર સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા હતા. અમરેલીનું એકપણ ગામડું એવું ન હતું કે જ્યા વરસાદ ન પડ્યો હોય.
સરકાર ઝીરો કેઝ્યુઅલટીનો દાવો કરતી રહી પણ તેની તૈયારી અમરેલી જિલ્લામાં ટૂંકી પડી. સરકારી તંત્રએ માત્ર કાગળ પર આયોજન કર્યા પરિણામે કાચા અને જોખમી મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી ન શકાયા જેનું ગંભીર પરિણામ સામે આવી રહ્યું છે. વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં 45 લોકોના મોત થયા છે. અને આ મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતા છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપતા પણ થયા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે જાફરાબાદમાં વાવાઝોડાની રાત્રે પાંચ યુવાનો બોટમાં હતા અને આ બોટ ભારે પવનના કારણે ઉભી ફાટી જતા દરિયામાં ડૂબી જવાથી પાંચેયનું મોત થયું હતું. જે પંચેયની આજે લાશ મળી હતી. આવી જ રીતે બોટમાં રહેલા અન્ય સાત લોકો લાપતા થયા છે. જેની હજુ કોઈ ભાળ મળી નથી.
રાજુલાના મફત પરા માં કાચા મકાનની દીવાલ પડવાથી એક બાળકનું મોત થયું હતું જ્યારે રાજુલામાં ધાર પર એક મકાનની દિવાલ ધસી પડતા મહિલાનું મોત થયું હતું. આંબરડી ગામમાં મકાન ધસી પડતા એક સાથે પાંચ લોકોના મોત થયાનું જાણવા મળેલ છે. હજુ પણ અમરેલી જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા છે. સરકારી તંત્ર દ્વારા જો કે માત્ર બે મોત જાહેર કરાયા છે. ડેથ ઓડિટ કમિટીની બેઠક બાદ વધુ મોત જાહેર કરાશે. જિલ્લામાં મૃત્યુ પામેલામાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. મોટાભાગના મૃત્યુ મકાનની દિવાલો તથા કાટમાળ પડવાથી અને ડૂબી જવાથી થયા છે.
ઊના-ગીરગઢડામાં કાચા મકાનો પડતાં 10 ને ઇજા
ઊના શહેરના માણેક ચોક ઘાંચીવાડા વિસ્તારમાં રહેતા સલીમભાઇ ઘાંચી (ઉ. 35) નામના યુવાનનું મકાનની દિવાલ પડતાં મોત નિપજ્યું હતું. જ્યારે નાથળ ગામે બાલાભાઇ ભાણાભાઇ સાવલિયા (ઉ.60) અને બાબુભાઇ પાંચાભાઇ વંશ (ઉ.35) ના મોત મકાન પડવાને લીધે થયા છે. એલમપુરના રાણાભાઇ ગોવિંદભાઇ શિયાળ (ઉ.52)નું મોત મકાનની છત પડવાને લીધે થયું છે. અંજારના સુરેશભાઇ જીણાભાઇ બાંભણિયા (ઉ.28) અને મંગુબેન માનસીંગભાઇ બાંભણિયા (ઉ.35) ના મોત નાળિયેરીના ઝાડ પડવાને લીધે થયા છે. અને ચાંચકવડના શાંતિબેન મોહનભાઇ સોલંકી (ઉ. 8) નું મોત કાચા મકાનની દિવાલ પડવાને લીધે થયું છે.
ખરેડા ગામે રામુબેન ગોવિંદભાઇ મકવાણા (ઉ.46) તેમજ ઉગલા ગામે જીવીબેન કનુભાઇ બાવળિયા (ઉ.27) નું મોત મકાનની છત અને દિવાલ પડવાને લીધે થયું છે. ઊના તાલુકામાં 5 હજાર અને ગીરગઢડા તાલુકામાં 3052 મકાનો
પડી ગયા છે.
ઊનામાં 3 દિ'થી અંધારપટ્ટ, 813 પશુના મોત થયા છે. અમરેલી જિલ્લામાં ભયાનક વાવાઝોડાએ વિનાશ સર્જ્યા બાદ 48 કલાક બાદ પણ 562 ગામોમા અંધારપટ જોવા મળી રહ્યો છે. વીજપુરવઠો કાર્યરત કરવામાં વીજ તંત્ર પણ ટૂંકું પડી રહ્યું છે. તો બીજી તરફ 17200 કાચા મકાનો અને ઝૂંપડાઓને નુકશાની થઈ છે.
સોમવારની રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ જિલ્લામાં ભારે નુકસાન પહોચાડ્યું છે. 175 કિમીની ઝડપે આવેલા વાવાઝોડાથી 2610 વિજપોલ ધરાશાયી થઈ ગયા હતા. હાલ 48 કલાક બાદ હજુ પણ 562 ગામો અંધારપટમાં છે. હજુ ફક્ત 41 ગામોમાં જ વીજપુરવઠો શરૂ કરી શકાયો છે. અમરેલી શહેરમાં અમુક વિસ્તારોમાં વીજળી શરૂ થઈ ચૂકી છે. તો સાવરકુંડલા, લાઠી અને વડીયામાં વીજપુરવઠો શરૂ થઈ ગયો છે.
જિલ્લામાં વાવાઝોડાને કારણે 17200 કાચા મકાનો તેમજ ઝૂંપડાઓને નુકશાન થયાનું તંત્રમાં નોંધાયું છે. જો કે હજુ આજથી સર્વેની કામગીરી શરૂ થઈ છે. હજુ આ આંકડો વધવાની પણ શક્યતા જોવાઈ રહી છે.વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં ભારે ખાનાખરાબી સર્જી હતી. જેના કારણે ઠેર ઠેર મહાકાય વૃક્ષ ધરાશાય થયા હતા. ભારે પવન અને વરસાદ પડતાં અમરેલી - ચલાલા વચ્ચે રેલવેટ્રેકને નુકશાની પહોંચી હતી. જેના કારણે રેલવે વિભાગે અમરેલી - વેરાવળ ટ્રેનને 22 મે સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેના મેન્ટેનન્સ વિભાગે યુદ્ધના ધોરણે ટ્રેકના સમારકામની કામગીરી હાથ ધરી હતી. તેમજ વાવાઝોડાના પગલે ભાવનગર - બાંદ્રા ટ્રેનને પણ 22 મે સુધી રદ કરાઈ હતી. અહીં પેરીંગ રેટની ટ્રેન ઉપલબ્ધ ન હોવાથી ભાવનગર રેલવે વિભાગે નિર્ણય કર્યો હતો.વાવાઝોડાથી ખાસ કરીને ધારી, ખાંભા પંથક સહિત જિલ્લામાં 8681 હેક્ટરમાં કેરીના પાકને વ્યાપક નુકશાની થઈ છે. તો બીજી તરફ જિલ્લામાં ખાસ કરી રાજુલા, જાફરાબાદ સહિત અનેક તાલુકામાં મળી 215 સરકારી કચેરીને નુકશાન થયું છે. જિલ્લામાં ઠેરઠેર માર્ગો પર વૃક્ષો પડી જતા કુલ 265 રસ્તાઓ બંધ થયા હતા. જો કે હાલ 165 માર્ગ શરૂ થતાં હજુ 75 માર્ગો બંધ છે.
બાબરા પંથકમાં વાવાઝોડાથી અંદાજે 600 ચકલીનાં મોત
બાબરાનાં નીલવડા ગામે રહેતા બાવકુભાઈ ખાચરનાં ઘરે વૃક્ષ વાવેલા છે. ચકલીઓ પોતાના માળા બનાવી ત્યાં વસવાટ કરતી હતી . ત્યારે વાવાઝોડાનાં ભારે પવન અને વરસાદ થી 300 થી વધારે ચકલીઓ ઝાડ નીચે પડતા મોત થયા હતાં. તેમજ પ્રતાપભાઈ ને ત્યાં પણ રાવણાનું ઝાડ હોય તેમાં પણ 300 થી વધારે ચકલીઓ વસવાટ કરતી હતી તેનાં પણ મોત થયા છે. બાવકુભાઈ ખાચરે જણાવ્યું હતું કે, અમારા બે ઘરે થી 600 ચકલીઓ મરી છે તો પૂરા ગામમાં પણ મોટા પ્રમાણમાં ચકલીઓનો વસવાટ હતો એમાં થી પણ મોટા ભાગની ચકલીઓ વાવાઝોડા ની ઝપટે ચડી હશે.ઇશ્વરીયા ગામે પણ 60 થી વધારે ચકલીઓ મરી ગઈ હતી .ઇશ્વરીયા ગામે રહેતા ભાવાભાઈ વનવાડિયાનાં ઘરે રાવણા નું ઝાડ હોય અને ત્યાં પણ ઘણા વર્ષોથી ચકલીઓનો વસવાટ હતો તે પણ વાવાઝોડાની ઝપટે ચડી ગઇ હતી.
અમરેલી ST એ વાવાઝોડા બાદ 47 ટ્રીપ ફરી શરૂ કરી : અમરેલી એસટી ડિવિઝને વાવાઝોડા બાદ 47 ટ્રીપ ફરી શરૂ કરી છે. અહીં રાજુલા અને ઉનામાં મોટાભાગના વિસ્તારો બંધ હોવાથી સંચાલન થભી ગયું છે. તેમજ એસટીને અંદાજીત 57 લાખનું નુકશાન થયું છે.
અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. જેના કારણે ઠેર ઠેર માર્ગો પર વૃક્ષ ધરાશાય થયા હતા. જેના પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. વાવાઝોડાના કારણે અમરેલી એસટી વિભાગ હેઠળ આવતા રાજુલા, ઉના, કોડીનાર, અમરેલી, બગસરા, સાવરકુંડલા અને ધારી ડેપોમાં 125 શિડયુલ બંધ કરી દેવામાં આવ્યું હતું.
અમરેલી એસટી ડિવિઝનના ડિટીઓ નથવાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડા બાદ 19મી સવારે 7 વાગ્યાથી 2 કલાક સુધીમાં 47 ટ્રીપ શરૂ કરાઇ છે.
તેમજ રાજુલા અને ઉના ડેપોમાં મોટાભાગના વિસ્તાર બંધ હોવાથી અત્યારે સંચાલન નથી.
અમરેલી જિલ્લામાં 472 ટેલીફોનના ટાવર બંધ : અમરેલી જિલ્લામાં વાવાઝોડાને પગલે 565 પૈકી 472 ટેલિફોનના ટાવર બંધ થતાં સંદેશા વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જેથી અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા.સોમવારની રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે ખાના ખરાબી સર્જી હતી.
જિલ્લામાં આવેલ 565 મોબાઈલ ટાવર પૈકી 472 ટાવરને નુકશાન પહોંચતા બંધ થઈ ગયા હતા.જેથી જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ગામોમાં કેટલું નુકશાન થયું છે તે વિશે જાણકારી મેળવવા પણ તંત્રને મુશ્કેલી પડી હતી.
રાજુલા, જાફરાબાદ, ઘારી, ખાંભા સહિત ગામોમાં હજુ સુધી ટાવરનું સમારકામ થઈ શક્યું ન હોય અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. તો કેટલાક સ્થળે ટાવર શરૂ થયા છે.
બાબરામાં 100 જેટલા ઇંટોનાં ભઠ્ઠાને નુકસાન : બાબરા શહેરમાં આવેલા 100 જેટલા ઇંટ નાં ભઠ્ઠામાં મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. ઉનાળા દરમિયાન ઇંટો પકવાની સિઝન હોય તે દરમિયાન ભારે વરસાદ પડતા આખા ઈટોના ભઠ્ઠા થયા વેરવિખેર થઇ ગયા છે. ઇંટોમાં વપરાતી માટી, કોલસી સહિતની વસ્તુનું ધોવાણ થઇ ગયું છે. બાબરા પંથકમાં ઇંટો પકવી પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે. મોટું નુકસાન થતા પ્રજાપતિ સમાજે સહાયની માંગ કરી છે. આ અંગે ઇંટ પકવતા રમેશભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, શહેરમાં નિલવડા રોડ, દરેડ રોડ, ભાવનગર રોડ પર તમામ ઇંટ ભઠ્ઠા મળીને 100 જેટલા ઇંટ ભઠ્ઠા આવેલા છે, જેમાં મોટા ભાગનાનાં ઇંટ ભઠ્ઠા પર વરસાદથી ભારે નુકસાન થયું છે જો આ બાબતે સરકાર કોઈ સહાય આપે તેવી માંગ કરી હતી .સંજયભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, અમારો પ્રજાપતિ પરિવાર ઇંટ બનાવી ને પોતાનું ગુજરાન ચલાવે છે . 700 લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. આ અંગે તંત્ર નોધ લે અને વળતર આપે એવી માંગ કરી હતી.
સિંહનાં વસવાટ વિસ્તારમાં શેત્રુંજી નદીનાં પાણી ફરી વળ્યાં : વાવાઝોડાનાં પગલે લીલિયા તાલુકામાં ભારે તારાજી સર્જાઇ છે. અનેક જગ્યાએ વૃક્ષો અને વિજ પોલ ધરાશાયી થઇ ગયા છે. વિજ પોલ પડી જવાનાં કારણે લીલિયા તાલુકામાં બે દિવસથી વિજ પુરવઠો ખોરવાઇ ગયો છે. વિજ પુરવઠા બંધ થતા મોબાઇલ સેવા પણ ઠપ્પ થઇ ગઇ છે. વિજ તંત્રને મોટું નુકસાન થયું છે. લાઠી રોડ, અમરેલી રોડ સહિતનાં માર્ગો પર વૃક્ષો પડ્યાં હતાં. તેમજ વરસાદનાં કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. લીલિયામાં શેત્રુંજી કાઠાનાં શેઢાવદર, ક્રાકચ, જૂના સાવર સહિતનાં વિસ્તારમાં સિંહનો વસવાટ છે. આ વિસ્તારમાં શેત્રુંજી નદીનાં પાણી ફરી વળ્યાં હતાં. જોકે આજની તારીખ સુધી સિંહ કે અન્ય વન્ય પ્રાણીને નુકસાન ન થયાનાં અહેવાલ છે.
સાવરકુંડલામાં વાવાઝોડાએ ખાનાખરાબી સર્જી : સાવરકુંડલામાં વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે અહી સાત ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જેને પગલે વીજપોલ વૃક્ષો પડી ગયા હતા. તેમજ કાચા મકાનોનાં નળીયા ઉડી ગયા હતા. અહીં પાલા અને કેબીનો પડી જતા નાના મોટા વેપારીઓને ભારે નુકસાની વેઠવી પડી છે.
નાવલી નદીમાં ભારે પુર આવવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે. તાલુકાના ગામડામાં પણ કાચા મકાનો-વીજ થાંભલા-વૃક્ષો તુટી પડવાને કારણે તમામ માર્ગો બંધ થયા હતા. સાવરકુંડલામાં જ્યા જુવો ત્યા થાંભલા-વૃક્ષો,બેનર-બોર્ડ પડી ગયા હતા. સાવરકુંડલાથી રાજુલા માર્ગ બંધ છે. એક બાજુ કોરોનાએ લોકોની કેડ ભાંગી નાખી તો બીજી બાજુ વાવાઝોડાએ લોકોને મરણતોલ ફટકો પડયો છે.
અહીં બાવળિયા ફ્લોર મિલવાળા ઇબ્રાહિમભાઈ નાવલી નદીમાં તણાઈ ગયેલ છે. તેનોહજુ સુધી પત્તો લાગેલ નથી. અહીં દરેક કંપનીના ટાવર બંધ હાલતમાં છે, લાઈટ ન હોવાથી કોઈના ફોન ચાર્જ થતા નથી આથી ગામડાની સાચી નુકશાની બહાર આવી નથી. સાવરકુંડલા અને તાલુકાના 6 પેટ્રોલ પંપના છાપરા ઉડી ગયા હતા. અંબિકા સોસાયટી પાછળ પછાત વર્ગના લોકોના ઘર અને ઘરવખરી ઉડી જતા લોકો સાવ નિરાધાર થઈ ગયેલ છે. માનવ મંદિરમાં લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે. નાના-મોટા દરેકને ઓછા વત્તા નુકશાન થવા પામેલ છે. આનો વળ ક્યારે દૂર થશે. નાના વેપારીઓને સરકાર રાહત આપશે કે નહી ? રાહત આપે તો જ નાના વેપારીઓ પગભર થશે. પહેલા નુકશાનીનો સર્વે કરવા સરકારના પ્રતિનિધિઓ આવે તો જ સાચો નુકશાનીનો અંદાજ નીકળશે.
પ્રથમ વખત મે મહિનામાં ખોડિયાર ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલાયા : અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથે પડેલા અતુભારે વરસાદના કારણે પાંચ ડેમ છલોછલ ભરાઈ ગયા હતા. અને તમામના દરવાજા ખોલવા પડ્યા હતા.ખોડિયાર ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલાતા શેત્રુંજી નદી ગાંડીતુર બની હતી.ધારી પંથક અને ગીર જંગલમાં વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને ગીરમાં વધુ વરસાદ થયો હતો. જેને પગલે શેત્રુંજી નદીમાં ભારે પુર આવતા ખોડિયાર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ હતી. પરિણામ સ્વારૂપ તંત્રને ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલી નાખવાની ફરજ પડી હતી.આવી જ રીતે સાવરકુંડલા પંથકના ભારે વરસાદના કારણે ઘાતરવડી બે ડેમના 15 દરવાજા 1 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા હતા. અમરેલી નજીક આવેલો ઠેબી ડેમ ભરાઈ જતા 1 દરવાજો એક ફૂટ ખોલાયો હતો. નવા પાણીની આવકના પગલે રાયડી ડેમના 4 દરવાજા 1 ફૂટ અને શેલ દેદુમલ ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.
બગસરાનો મુંજીયાસર ડેમ ભરાયો, ઓવરફ્લો થવામાં 1 ફૂટ બાકી : બગસરામાં આવેલા ભયાનક વાવાઝોડાની અસરને લીધે અનેક વિસ્તારોમાં નુકસાન ના સમાચારો પ્રાપ્ત થયેલ છે. તેમજ વાવાઝોડા સાથે આવેલા જોરદાર વરસાદને કારણે સીઝન પહેલા જ મુંજિયાસર ડેમ પણ ભરાઈ ગયો છે.
બગસરામાં આવેલા વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડે છે. જેમાં જેતપુર રોડ પર આવેલા સરાણિયા, લુવારીયા તેમજ દેવીપુજક ના કાચા મકાનો જમીનદોસ્ત થઈ ગયેલ છે તેમજ તેઓ હાલ ની:સહાય પરિસ્થિતિમાં નજીકમાં આવેલ ટાઉન હોલ તથા શાળા નંબર ૪ માં આશરો મેળવી રહ્યા છે. વાવાઝોડા સાથે સમગ્ર પંથકમાં પડેલા ૧૦ થી ૧૨ ઈંચ જેટલા જોરદાર વરસાદને કારણે બગસરાનો મુંજિયાસર ડેમ ભરાઈ ગયો છે ઓટલો થવામાં માત્ર એક ફૂટ જેટલું જ અંતર બાકી છે આમ સીઝનનો વરસાદ શરૂ થયા પહેલા જ મંજુસર ડેમ ભરાઈ જતા આગામી વર્ષ દરમિયાન બગસરા શહેરને પીવાના પાણીના મુશ્કેલીનો અંત આવી ગયેલ છે. તેમજ આગામી દિવસોમાં ખેડૂતોને પણ પાક માટે પાણી છોડવામાં આવે તેવી શક્યતા પણ જણાઈ રહી છે.
તાઉ તે વાવાઝોડાની વિદાય બાદ ગિર સોમનાથના ઊના શહેરમાં હવે નુકસાનીની વિગતો સામે આવી રહી છે. આખા શહેરમાં 3 દિવસથી અંધારપટ્ટ છે. હવે લોકોને જીવન જીવવા માટેનો સંઘર્ષ કરવો પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.દરમ્યાન આજે ગિર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ ઊના પહોંચ્યા હતા. અને તમામ વિભાગોના અધિકારીઓની બેઠક યોજી યુદ્ધના ધોરણે રાહત કામગિરી હાથ ધરવા સુચના આપી હતી. ઊનામાં જુદા જુદા પ્રકારની ફિલ્ડ ડ્યુટી માટે વહિવટી તંત્રએ 500 થી વધુ કર્મચારીઓને કામે લગાડ્યા છે. જેમાં વીજ કર્મીઓથી લઇને પવડી, પાણી પુરવઠા, મહેસુલી સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. ખાનાખરાબી બાદ પેટ્રોલ પંપ શરૂ થતાંજ વાહનોની લાંબી કતાર શરૂ થઇ છે. તો જે લોકો જનરેટર ધરાવે છે તેઓ પણ ડીઝલ-પેટ્રોલ લેવા માટે કેરબા સાથે લાઇન લગાવીને ઉભા છે. 3 દિવસથી લાઇટ ન હોઇ લોકોના મોબાઇલ ફોન પણ ડિસ્ચાર્જ થઇ ગયા છે. આથી તેઓ પણ જનરેટર શોધવા લાગ્યા છે. તો પીવાના પાણી માટેની પણ લાઇનો લાગી છે. જે ઘરોમાં પાણીના બોર છે ત્યાં હેન્ડ પંપ હોય તો પાણી મળે છે. પણ જેમણે મોટર મૂકી છે તેઓને લાઇટ વિના પાણી ન મળતું હોઇ તેઓને પણ લાઇનમાં ઉભવાનો વારો આવ્યો છે. જોકે, જેમણે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવ્યા છે તેઓને પીવાનું પાણી મળી
રહે છે. દરમ્યાન ઊના નગરપાલિકા પ્રમુખ, પદાધિકારીઓ તેમજ તમામ સભ્યો અને પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડે પાલિકાના કર્મચારીઓ પાસે તમામ સોસાયટી વિસ્તારોમાં રસ્તા પર ઝાડ અને વીજ થાંભલા પડી ગયા હોઇ ખુલ્લા કરાવવાનું શરૂ કરી દીધું છે. તો ઊના-ગીરગઢડા રોડ પર આવેલી ખેડૂતો માટેની કોટન જીનીંગ મિલમાં આશરે 15 કરોડનું નુક્સાન થયું છે. ઊના- ગીરગઢડા પંથકમાં 813 માલઢોરના મોત થયા છે.
બાબરાની સીમમાં લીંબુનાં બગીચા સાફ, લાખોનું નુકસાન : લીલવડા રોડ પર આવેલી ડાભી પરીવાર ની 100 વિઘા જેટલી જમીન આવેલી છે. મોટા ભાગની આ પરિવાર ની વાડીઓ માં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મકાનનાં પતરા પણ ઉડી ગયાહતાંભારે પવન અને વરસાદનાં કારણે કેરી તેમજ લીંબુ મોટા પ્રમાણમાં ખરી ગયા હતા, અને આંબા અને લીંબુનાં વર્ષો જૂના ઝાડ મૂળમાંથી ઉખડી ગયા હતાં. વાડી માલિક ભીમજીભાઈ ડાભી એ જણાવ્યું હતું કે, અમારા બધાં ભાઈઓ અને આજુ બાજુના નાં ખેતરોમાં મોટું નુક્સાન થયું છે, જેમાં અમારા ખેતરોમાં વર્ષો જૂના આંબા અને લીંબુનાં ઝાડ મોટી સંખ્યામાં પડી ગયા છે, તો બીજી બાજુ ઉનાળુ વાવેતર અન્ય ખેડૂતો કરેલ છે, તે લોકો ને પણ ભારે નુકસાન થયું છે આ બાબતે સરકારી તંત્ર સર્વે કરી કોઈ સહાય આપે એવી માંગ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024