દૂધની બનાવટોના પ્લાન્ટની સ્થાપના હેતુ સાબર ડેરી દ્વારા તેલંગણા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર

29-Dec-2021

અરવલ્લી :સાબરડેરીના ગુજરાત રાજ્ય બહાર વિસ્તરણ આયોજન અંતર્ગત દૂધની બનાવટોના ઉત્પાદન હેતુ નવીન પ્લાન્ટ સ્થાપનાના લક્ષ્યને ધ્યાને લઈ સાબરડેરી દ્વારા તા.૨૯.૧૨.૨૦૨૧ના રોજ એક નવું સોપાન સર કરી તેલંગણા રાજ્યમાં હૈદરાબાદ નજીક વારંગલ ખાતે દૂધ અને દૂધની બનાવટો માટે દૈનિક ૫ લાખ લિટર ક્ષમતાના નવીન સંકલીત ડેરી પ્લાન્ટની સ્થાપના હેતુ તેલંગણા રાજ્ય સરકાર સાથે તેલંગણા રાજ્ય સરકારના વાણિજ્ય અને ઉધ્યોગ મંત્રી શ્રી કે.ટી.રામારાવની ઉપસ્થિતિમાં સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડૉ.બી.એમ.પટેલ અને મુખ્ય સચિવ(ઉધ્યોગ) વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો.આજના કાર્યક્રમમાં GCMMF ના ચીફ જનરલ મેનેજરશ્રી મનોરંજન પાની ,સાબરડેરી ના જનરલ મેનેજરશ્રી પ્રવીણભાઈ પટેલ,રાજ્ય સરકાર અને GCMMF ના અધિકારી હાજર રહ્યા હતા. 

અમુલ દ્વારા દક્ષિણ ભારતમાં સ્થપાનાર સૌ પ્રથમ પ્લાન્ટ એવા સાબરડેરીના પ્રસ્તાવિત અત્યાધુનિક નવીન પ્લાન્ટમાં પાઉચ મીલ્ક, છાસ, યોગર્ટ, લસ્સી, પનીર,‌‌આઇસ્ક્રીમ અને મીઠાઇ બનાવવામાં આવનાર છે તથા ભવિષ્યમાં પ્લાન્ટ ની ક્ષમતા ૧૦ લાખ લિટર સુધી વિસ્તરણ કરવામાં આવનાર છે.સાબરડેરીના રાજ્ય બહાર સ્થાપિત થનાર આ એકમથી અમુલની દૂધની બનાવટોના વેચાણમાં વૃધ્ધિની સાથે સાથે વ્યાપ વધશે જેનો આર્થિક ફાયદો સાબરકાંઠા અને અરવલ્લીના દૂધ ઉત્પાદકોને મળશે.

Author : Gujaratenews