ભારતની પ્રગતિથી વિશ્વના વિકાસને વેગ મળશે : મોદી

26-Sep-2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્રને સંબોધન કરતાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેની ઝાટકણી કાઢી હતી અને ચીનની પણ ટીકા કરતાં કહ્યું કે આપણા સમુદ્ર આપણી સંયુક્ત વિરાસત છે, તેથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ઓસિયન રિસોર્સનો આપણે ઉપયોગ કરીએ, દુરુપયોગ નહીં. અફઘાનિસ્તાનનો મુદ્દો ઊઠાવતાં પણ તેમણે ફરી એક વખત કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતકંવાદ ફેલાવવા માટે થવો જોઈએ નહીં. આ સિવાય વડાપ્રધાન મોદીએ કોરોના, જળવાયુ પરિવર્તન, લોકતંત્ર જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.

 

અફઘાનિસ્તાનો ઉપયોગ કોઈ દેશ પોતાનો સ્વાર્થ સાધવા ન કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્રના ૭૬મા સત્રને સંબોધન કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતીનો આતકંવદા માટે ઉપયોગ ન થાય તેનું આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વધુમાં આપણે એ બાબતે પણ સાવધ રહેવું જોઈએ કે ત્યાંની નાજૂક પરિસ્થિતિઓનો ઉપયોગ કોઈ દેશ પોતાના સ્વાર્થ માટે આતંકવાદનો એક ટૂલની જેમ ઉપયોગ ન કરે. અત્યારે અફઘાનિસ્તાનની જનતાએ ત્યાંની મહિલાઓ, બાળકો અને લઘુમતીઓની મદદ કરવાની જરૂર છે. આપણે પણ તેમાં આપણી જવાબદારી નીભાવવી જોઈએ.

 

આતંકવાદ મુદ્દે નામ લિધા વિના પાકિસ્તાનની ઝાટકણી કાઢી

વડાપ્રધાન આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર નિશાન સાધતા કહ્યું કે વિરોધી વિચારસરણી સાથે જે દેશ આતંકવાદનો રાજકીય ઉપરણરૂપે ઉપયોગ કરી રહ્યો છે તેણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલું જ મોટું જોખમ છે. આજે વિશ્વ સામે વિરોધી વિચારસરણી અને કટ્ટરવાદનું જોખમ વધી રહ્યું છે. આ પરિસ્થિતિઓમાં આખા વિશ્વે વિજ્ઞાાન આધારિત તર્ક સંગત અને પ્રગતિશીલ વિચારસરણીને વિકાસનો આધાર બનાવવો પડશે.

 

સમુદ્ર આપણો સંયુક્ત વારસો, તેનો દુરુપયોગ ન થવો જોઈએ

પીએમ મોદીએ ચીનનું પણ નામ લીધા વિના તેની વિસ્તારવાદી નીતિની ટીકા કરી હતી. તેમણે કહ્યું, આપણા સમુદ્રો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. સમુદ્રી સરહદોનો દુરુપયોગ ન થવો જોઈએ. આપણે સરહદોની વિસ્તારવાદી વિચારસરણી સામે અવાજ ઊઠાવવો જોઈએ. ચીનની સરમુખત્યારશાહી વ્યવસ્થાને દર્પણ બતાવતાં વડાપ્રધાને ભારતના લોકતંત્રના ભરપૂર વખાણ કર્યા હતા.

 

ભારત લોકતંત્રની જનની, એક ચાવાળો પણ પીએમ બની શકે તે તેની તાકત

અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીસે દુનિયામાં લોકતંત્રો જોખમમાં મૂકાયા હોવા અંગે કરેલા નિવેદન વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેઓ એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જેને લોકતંત્રની માતા બનવાનું ગૌરવ હાંસલ છે. ભારતમાં લોકતંત્રની પરંપરા હજારો વર્ષો જૂની છે. અમારી વિવિધતા અમારા સશક્ત લોકતંત્રની ઓળખ છે. ભારત એક એવો દેશ છે જ્યાં અનેક ભાષાઓ છે, સેંકડો બોલીઓ છે, અલગ અલગ પહેરવેશ અને ખાન-પાન છે. આ વાઈબ્રન્ટ લોકતંત્રનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું કે એ ભારતના લોકતંત્રની જ તાકત છે કે એક સમયે રેલવે સ્ટેશન પર ચા વેચતો એક નાનો બાળક આજે ચોથી વખત વડાપ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરી રહ્યો છે.

 

ચાણક્યને યાદ કરી સંયુક્ત રાષ્ટ્રના વિસ્તાર પર ભાર મૂક્યો

વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પર પણ હુમલો કરતાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તાર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે પોતાને પ્રાસંગિક બનાવી રાખવું હશે તો તેણે પોતાની અસરકારક્તા સુધારવી પડશે. વિશ્વસનિયતા વધારવી પડશે. યુએન સામે આજે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જળવાયુ સંકટ અને કોરોના મહામારી દરમિયાન આ સવાલો જોયા છે. દુનિયાના અનેક ભાગોમાં ચાલી રહેલા છદ્મ યુદ્ધ અને વર્તમાન અફઘાન સંકટે આ સવાલોને વધારી દીધા છે. ભારતના મહાન રણનીતિકાર ચાણક્યે કહ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય કામ કરવામાં ન આવે તો સમય જ તે કામની સફળતાને નષ્ટ કરી દે છે. સંયુક્ત રાષ્ટ્રે પોતાને પ્રાસંગિત બનાવી રાખવી હશે તો તેણે પોતાની પ્રભાવશીલતામાં સુધારો કરવો પડશે અને પોતાની વિશ્વસનીયતા વધારવી પડશે.

 

વિકાસના માર્ગમાં કોઈ પાછળ ન રહી જાય તે જ ભારતનો મત

 

જળવાયુ પરિવર્તનનો મુદ્દો ઊઠાવતાં તેમણે કહ્યું કે, પ્રદૂષિત પાણી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયા માટે મોટી સમસ્યા છે. આ પડકારનો સામનો કરવા માટે અમે આખા ભારતમાં ૧૭ કરોડથી વધુ ઘરોમાં સ્વચ્છ, પીવાનું પાણી પૂરું પાડવા મોટું અભિયાન ચલાવ્યું છે. દુનિયામાં દરેક છઠ્ઠી વ્યક્તિ એક ભારતીય છે. ભારતની પ્રગતિથી વૈશ્વિક વિકાસમાં ઝડપ આવશે. ભારત આગળ વધશે તો દુનિયા આગળ વધશે. ભારત સુધારો કરે છે તો આખી દુનિયા બદલાઈ જાય છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે ભારત વિકાસના માર્ગે કોઈ પાછળ ન રહી જાય તેની અવધારણા સાથે આગળ વધી રહ્યું છે.

 

કોરોનાએ શીખવ્યું વૈશ્વિક અર્થતંત્રે વૈવિધ્યપૂર્ણ બનવું જોઈએ

 

કોરોના મુદ્દે વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ ૧૦૦ વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આવી ભયાનક મહામારીમાં જીવન ગુમાવનારા બધા લોકોને હું શ્રધ્ધાંજલી આપું છું. કોરોના મહામારીએ દુનિયાને શીખવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રે હવે વધુ વૈવિધ્યપૂર્ણ હોવું જોઈએ.  

 

નિર્ભિક થઈ આગળ વધો : ટાગોરને યાદ કરી મોદીએ સંબોધન પૂરું કર્યું

 

સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને અબ્દુલ્લા શાહિદને અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સંબોધનના અંતમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને યાદ કર્યા હતા. તેમણે કહ્યું, અંતમાં નોબેલ વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના શબ્દો સાથે પોતાની વાત સમાપ્ત કરી રહ્યો છું. પોતાના શુભ કર્મ પથ પર નિર્ભિક થઈને આગળ વધો. બધી જ દુર્બળતા અને આશંકાઓ સમાપ્ત થઈ જશે. આ સંદેશ આજના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર માટે જેટલો પ્રાસંગિક છે, તેટલો જ દરેક જવાબદાર દેશ માટે પણ પ્રાસંગિક છે. મને વિશ્વાસ છે કે આપણે બધાના પ્રયાસોથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ વધશે. વિશ્વ સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. સંયુક્ત રાષ્ટ્રને સંબોધન સાથે વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ પૂરો થયો હતો અને મોડી રાતે તેમણે ભારત તરફ પ્રયાણ કર્યું હતું.

Author : Gujaratenews