"સુજલામ સુફલામ"ના પાણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યા, સૌરાષ્ટ્રની ધરા માટેની “સૌની યોજના” થકી 53 જળાશયો, 863 ચેકડેમો અને 131 તળાવો ભરાયા

24-Oct-2021

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ - પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરતી રાજ્ય સરકાર

 

ઉત્તર ગુજરાત માટેની “સુજલામ સુફલામ જળ અભિયાન” થકી 3.65 લાખ એકરથી વધુ વિસ્તારને, સૌરાષ્ટ્રની ધરા માટેની “સૌની યોજના” થકી 53 જળાશયો, 863 ચેકડેમો અને 131 તળાવો ભરાયા આદિજાતિના 14 જિલ્લા માટેની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા 14.75 લાખ એકરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.

ગાંધીનગર : ઉત્તર ગુજરાત માટેની "સુજલામ સુફલામ જળ અભિયાન” થકી 3.65 લાખ એકરથી વધુ વિસ્તારને, સૌરાષ્ટ્રની ધરા માટેની "સૌની યોજના” થકી 53 જળાશયો, 863 ચેકડેમો અને 131 તળાવો ભરાયા છે. જ્યારે આદિજાતિના 14 જિલ્લા માટેની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા 14.75 લાખ એકરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહ્યો છે.

સુજલામ સુફલામ જળ અભિયાન પંચમહાલ જિલ્લામાં મહી નદી ઉપર આવેલા કડાણા બંધના વધારાના પૂરના પાણી ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારને નવપલ્લવિત કરવા માટે ગુજરાત સરકારે વર્ષ 2001માં સુજલામ સુફલામ યોજના અમલમાં મુકવાનો નિર્ણય કર્યો હતો. સુજલામ સુકલામ સ્પ્રેડીંગ નહેર, કડાણા જળાશયમાંથી 118મી. લેવલે જમણા કાંઠા ઉપર બનાવેલ એચ.આર.માંથી શરૂ થાય છે. જે રાજ્યના જુદાજુદા 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે.

આ યોજનામાં કડાણા જળાશયથી બનાસકાંઠા જિલ્લાના રાહ ગામ સુધીની 332 કિ.મી. લંબાઇની સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર અને નર્મદા મુખ્ય નહેર આધારીત 14 ઉદવહન પાઇપલાઇન યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજના પાછળ અત્યાર સુધીમાં કુલ મળીને રૂ. 6,237 કરોડનો ખર્ચ થયો છે. 14 ઉદવહન પાઇપલાઇન યોજનાઓ પૈકી 12 ઉદવહન પાઇપલાઇન યોજનાઓની કામગીરી પૂર્ણ કરી કાર્યાન્વિત કરવામાં આવી છે.

થરાદથી સીપુ પાઇપલાઇનનું કામ પ્રગતિ હેઠળ છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાઓના 39 ગામોના કુલ 106 તળાવો જોડવામાં આવનાર છે. જેના થકી કુલ 6,000 હેકટર વિસ્તારને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સિંચાઇનો લાભ થનાર છે અને કસરાથી દાંતીવાડા પાઇપલાઇનની કામગીરી પણ આયોજન હેઠળ છે. આ પાઇપલાઇનોથી અત્યાર સુધી રાજ્યના 7 જળાશયો જેમાં, વાત્રક, માઝમ, મેશ્વો, હાથમતી, ગુહાઇ, ધરોઇ, દાંતીવાડાને જોડવામાં આવ્યા છે.

આ યોજના અંતર્ગત ગુજરાતના મહીસાગર, અરવલ્લી,ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ કુલ 8 જિલ્લાના 32 તાલુકાના 459 ગામોમાં સુજલામ સુફલામ નહેરથી 374 અને પાઇપલાઇનથી 709 તળાવ/ચેકડેમો જોડીને ભરવામાં આવેલછે. જેનાથી અંદાજે 3, 65, 759 એકર જમીનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઇનો લાભ મળે છે.

Author : Gujaratenews