બ્રિટનમાં ચાલતી ટ્રેનમાં લાઈવ યોગા ક્લાસ : દુનિયાનો સૌ પ્રથમ પ્રયોગ

17-Oct-2021

યોગ એક્સપર્ટ સેલેસ્ટ પરેરાએ ૧૨ મિનિટના સીટિંગ યોગાની થીમ તૈયાર કરી

૨૦૦૦ લોકો પર હિથ્રો એક્સપ્રેસે સર્વેક્ષણ કર્યું હતું ત્યારે જણાયું હતું કે મુસાફરી દરમિયાન સ્ટ્રેસનું પ્રમાણ કોરોના દરમિયાન વધ્યું

બ્રિટનની હિથ્રો એક્સપ્રેસ ટ્રેનમાં લાઈવ યોગા ક્લાસ શરૃ થયા છે. ચાલતી ટ્રેનમાં યોગા કરાવાતા હોય એવો આ દુનિયાનો પ્રથમ પ્રયોગ છે. યોગ એક્સપર્ટ સેલેસ્ટ પરેરાએ ૧૨ મિનિટના સીટિંગ યોગાની થીમ તૈયાર કરી છે. ટ્રેનમાં ૧૨ મિનિટ સુધી મુસાફરો સેલેસ્ટની દેખરેખ હેઠળ બેઠાં બેઠાં યોગા કરે છે.

મુસાફરોની સલામતી ખાતર કોઈને પણ તેમની જગ્યાએથી ઊભા થવાનું રહેતું નથી. કંપનીએ કોરોના દરમિયાન એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું, જેમાં જણાયું હતું કે ટ્રેનમાં બેસનારા મુસાફરો સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. ટ્રેન વહેલી મોડી થાય કે બીજે સમયસર પહોંચવાની ચિંતા હોવાથી મોટાભાગના પેસેન્જર્સ સ્ટ્રેસ અનુભવે છે.

૨૦૦૦ લોકો પર હિથ્રો એક્સપ્રેસે સર્વેક્ષણ કર્યું હતું ત્યારે જણાયું હતું કે મુસાફરી દરમિયાન સ્ટ્રેસનું પ્રમાણ કોરોના દરમિયાન વધ્યું છે. ટ્રાવેલિંગ દરમિયાન તેમનો સ્ટ્રેસ ઓછો કરવા માટે યોગ-મેડિટેશનનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

સેલેસ્ટ પરેરાએ સીટ યોગા મેડિટેશન એવા નામથી તૈયાર કરેલી હળવી કસરતો કરીને મુસાફરો રિલેક્ષ થઈ રહ્યા છે. આ પ્રયોગ મુસાફરોને ખૂબ ગમ્યો છે. મોટાભાગના મુસાફરોએ એમાં ભાગ લઈને તાજગી અનુભવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ટ્રેનમાં તાજગીનો અનુભવ થાય તે માટે ટ્રેનના અંદરના ભાગને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો.

હિથ્રો એક્સપ્રેસના એક નિવેદનમાં કહેવાયું હતું કે આ પ્રયોગના ધોરણે શરૃ કરાયું છે. જો મુસાફરોને સીટ યોગા મેડિટેશન પસંદ આવશે તો એ કાર્યરત રખાશે. અત્યારે ફીડબેક લેવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. હિથ્રો એક્સપ્રેસ દર ૧૫ મિનિટે હિથ્રો અને સેન્ટ્રલ લંડન વચ્ચે દોડે છે. આ ટ્રેનમાં બેસતા ઘણાં મુસાફરો પહેલેથી જ લાંબી મુસાફરી કરીને આવે છે અને થાકથી બેહાલ થયા હોય છે. એવા કિસ્સામાં સીટ યોગા એનર્જી બૂસ્ટરનું કામ કરે છે.

Author : Gujaratenews