ગૂગલ દ્વારા હવે સંસ્કૃતમાં પણ અનુવાદની સેવા ઉપલબ્ધ

15-May-2022

ગૂગલ જે કંઈ કરે તેના વિશે માહિતી મેળવવી એ આપણા લાભની જ વાત હોય છે.તેના નવીનતમ સમાચાર મુજબ ગૂગલ ટ્રાન્સલેટ હવે વધુ ૨૪ ભાષાઓમાં ઉપલબ્ધ થશે અને તેમાં આપણી પ્રાચીન સંસ્કૃત ભાષાનો પણ સમાવેશ થાય છે. એ ઉપરાંત, ભોજપુરી,ડોગરી, આસામી, કોંકણી, મૈથિલી, મેઇટેઇલોન (મણિપુરી) અને મિઝો ભારતીય ભાષાઓમાં અને ભાષાઓમાંથી પણ અનુવાદ શક્ય બનશે. ગૂગલે જણાવ્યા મુજબ સંસ્કૃતનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા માત્ર ૨૦,૦૦૦ છે. આમ છતાં તેણે એની પાછળ મહેનત કરીને ગૂગલ ટ્રાન્સલેટમાં તેનો ઉમેરો કર્યો છે. ગૂગલ અનુવાદની પોતાની ક્ષમતા માટે કઈ અલગ અલગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે એ પણ એક આખો રસપ્રદ વિષય છે, જેના વિશે આપણે ભવિષ્યમાં વાત કરીશું. અત્યારે તો એ જ જાણવું અગત્યનું છે કે નવી ઉમેરાયેલી ભાષાઓનો ઉપયોગ કરનારા લોકોની કુલ સંખ્યા ત્રણ કરોડ છે. ગૂગલે અત્યાર સુધીમાં વિશ્વભરની કુલ ૧૩૩ ભાષાઓને અનુવાદની સેવામાં સાંકળી લીધી છે. હાલમાં ઉમેરાયેલી ભાષાઓને તત્કાળ બધા લોકો વાપરી નહીં શકે. આગામી દિવસોમાં બધે અપડેટ ઉમેરાયા બાદ તેનો વપરાશ શક્ય બનશે.

Author : Gujaratenews