દિવાળીમાં સુરત STને સવા 2 કરોડની આવક, 1421 બસમા ૬૫ હજારથી વધુ મુસાફરો એસટી મારફતે પોતાના વતન ગયા

09-Nov-2021

સુરતમાં દિવાળી એસટીને પણ ફળી છે. દિવાળીના તહેવાર ટાણે સુરત એસટીએ ૩૦ ઓક્ટોબરથી ૩જી નવેમ્બર સુધીમાં ૧૨૪૧ દિવાળી સ્પેશિયલ બસ દોડાવી અધધ.. ૨.૧૪ કરોડની આવક રળી હતી. આ પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, દાહોડ, ગોધરા, પંચમહાલ, મહેસાણા તરફ રોજિંદા સરેરાશ ૧ લાખ એટલે કે પાંચ દિવસમાં ૫.૫૧ લાખ કિલોમીટર બસ દોડાવી હતી. આ ઉપરાંત અંદાજે ૬૫ હજારથી વધુ મુસાફરો એસટી મારફતે પોતાના વતન ગયા હતા.

આ વખતે સુરત એસટીએ રેકોર્ડબ્રેક બસ દોડાવવા સાથે આવક ઊભી કરી છે. સુરત એસટીએ દિવાળીના તહેવાર સમયે રૂટિન ભાડાં કરતાં સવા ગણું એટલે કે સામાન્ય દિવસોમાં ૧૦૦ રૂપિયા તો દિવાળી સમયે ૧૨૫ રૂપિયા ભાડું વસૂલી સ્પેશિયલ બસ દોડાવી હતી. દિવાળી સમયે બસ રિટર્ન આવે ત્યારે ખાલી આવતી હોવાથી બમણું ભાડું વસૂલવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી એસટી દ્વારા સવા ગણા ભાડામાં બસ દોડાવવમાં આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફ પણ બસ દોડાવાતા સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તેમાં પણ આ વર્ષે તો સુરત એસટીએ પાછલા તમામ વર્ષોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ વખતે ૩૦મી ઓક્ટોબરથી ૩જી નવેમ્બર સુધીમાં એસટીએ ૧૨૪૧ દિવાળી સ્પેશિયલ બસ દોડાવી હતી. જે થકી સુરત એસટીની ૨,૧૪,૦૯,૮૩૮ની આવક ઊભી કરી હતી.

Author : Gujaratenews